Yasin Malik ને આજીવન કેદની સજા થયા બાદ કાશ્મીરમાં સેના હાઈ અલર્ટ પર, જવાનોની રજાઓ રદ્દ
NIA ની સ્પેશિયલ કોર્ટે ટેરર ફંડિંગ કેસમાં કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકને આજીવન કેદની સજા ફટકારી છે. જેને પગલે હાલ જમ્મુ અને કાશ્મીરમાં વાતાવરણ તંગ છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ તેની અસર જોવા મળી છે.
નવી દિલ્હી: NIA ની સ્પેશિયલ કોર્ટે ટેરર ફંડિંગ કેસમાં કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકને આજીવન કેદની સજા ફટકારી છે. જેને પગલે હાલ જમ્મુ અને કાશ્મીરમાં વાતાવરણ તંગ છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ તેની અસર જોવા મળી છે. પાકિસ્તાને ખુલીને મલિકને સપોર્ટ જાહેર કરેલો છે. યાસિન મલિકને સજા જાહેર થતા હવે કાશ્મીરમાં વાતાવરણ ન ડહોળાય તે માટે સુરક્ષા કારણોસર તમામ સશસ્ત્ર દળોના જવાનોની રજાઓ રદ કરાઈ છે અને સેના અલર્ટ મોડ પર છે. સુરક્ષા એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન તરફથી એકવાર ફરીથી 2016ની જેમ ઘાટીમાં વાતાવરણ ડહોળવાની કોશિશ થઈ શકે છે. ઉપદ્રવીઓ પર બાજ નજર રાખી તેમને અટકમાં લેવાના પણ આદેશ અપાયેલા છે.
અત્રે જણાવવાનું કે અલગાવવાદી નેતા યાસિન મલિકને બુધવારે સજાની જાહેરાત થઈ. અગાઉ યાસિન મલિકે સુનાવણી દરમિયાન પોતે કબૂલ્યું હતું કે તે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો. યાસિન પ્રતિબંધિત જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) નો ચીફ છે. યાસિન મલિકને સજા જાહેર થતા પાકિસ્તાનને પણ પેટમાં દુખ્યું છે. પાક પીએમએ તો તમામ દેશોને અપીલ પણ કરી નાખી કે તેઓ મોદી સરકારના આ પગલાનો વિરોધ કરે. તેમણે એક ટ્વીટમાં એમ પણ કહ્યું કે દુનિયાએ ભારતના જમ્મુ કાશ્મીરમાં રાજકીય કેદીઓ સાથે સરકારના દુર્વ્યવહાર પર ધ્યાન આપવું જોઈએ.
યાસિન મલિકને આજીવન કેદની સાથે સાથે કોર્ટે 10 લાખનો દંડ પણ ફટકાર્યો છે. જો કે એનઆઈએ દ્વારા તો યાસિન મલિકને ફાંસીની સજા આપવાની માંગણી કરાઈ હતી. સજાની જાહેરાત બાદ દિલ્હીમાં પણ હાઈ અલર્ટ રાખવામાં આવ્યો છે. યાસિન મલિકને તિહાડ જેલની 7 નંબરની બેરકમાં રાખવામાં આવ્યો છે જે સીસીટીવીની નિગરાણીમાં રહેશે.
કોર્ટે જેવી સજાની જાહેરાત કરી કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની બહાર ભેગા થયેલા લોકોએ ખુશી વ્યક્ત કરતા મીઠાઈ વહેંચી. જ્યારે શ્રીનગરમાં મેસુમા વિસ્તારમાં યાસિનના ઘરની બહાર મલિકના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પથ્થરબાજીના બનાવો પણ બન્યા જેને કારણે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા.
J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, બારામુલ્લામાં એન્કાઉન્ટરમાં 3 પાકિસ્તાની આતંકીઓનો ખાતમો
Karnataka: હવે આ મસ્જિદ નીચેથી 'મંદિર' મળ્યું હોવાનો દાવો, જાણો કોર્ટે શું આપ્યો આદેશ
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube