શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સતત વધી રહેલા યુદ્ધવિરામના ભંગ અને તણાવપૂર્ણ હાલાતની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે કૂપવાડાની મુલાકાત લેવાના છે. રાજનાથ સિંહના કૂપવાડા પ્રવાસ પહેલા જ આતંકીઓએ ભારતીય સેનાને ટારગેટ કરી છે. શુક્રવારે સવારે જિલ્લાના હરિલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી ટુકડી પર આતંકીઓએ હુમલો કર્યો છે. જો કે આ હુમલામાં ભારતીય સેનાના જવાનો ઘાયલ થયા કે આતંકીઓ પકડાયા તે અંગેની કોઈ જાણકારી હજુ મળી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૂપવાડા પ્રવાસમાં રાજનાથ સિંહ સ્થાનિક લોકોની મુલાકાત કરીને તેમની સમસ્યાઓ જાણવાની અને તેમાંથી કેવી રીતે છૂટકારો મળી શકે તેના પર વિચાર કરશે. નોંધનીય છે કે આ એ જ વિસ્તાર છે જ્યાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન તરફથી સૌથી વધુ સિઝફાયરનો ભંગ કરવામાં આવી રહ્યો છે.



પાકિસ્તાન સતત ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યું છે
એકબાજુ રાજનાથ સિંહ કાશ્મીર ઘાટીની મુલાકાતે છે જ્યારે બીજી બાજુ પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરીની કોશિશ ચાલુ જ છે. જમ્મુ અને કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં ગુરુવારે પાકિસ્તાન તરફથી ભારતમાં સતત ઘૂસણખોરીની કોશિશ થઈ રહી છે. આતંકવાદીઓ સાથે અથડામણમાં બે જવાનો પણ ઘાયલ થયાં. રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ આઈએએનએસને જણાવ્યું કે આ ઘટના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ઘટી.


તેમણે કહ્યું કે બે જવાનો ઘાયલ થયા છે. અમારા જવાનોએ પણ તેમને જડબાતોડ જવાબ આપ્યો. આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન જારી જ છે. પ્રવક્તાએ કહ્યું કે રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ બેથી ચાર આતંકવાદીઓને ઘૂસવા દીધા નહીં. ત્યારબાદ ફાયરિંગ શરૂ થઈ ગયું.