બિહારમાં મૃતકોની સંખ્યામાં પણ ગોટાળો: બસ દુર્ઘટનામાં પહેલા 27 મર્યા હવે કોઇ નહી
પાંચ લોકોની જો કે ભાળ નહી મળતા મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું એ લોકો વચ્ચે ક્યાંય ઉતરી ગયા હશે
પટના : બિહારમાં બસ દુર્ઘટના મુદ્દે હવે નવો દાવો સામે આવ્યો છે. મંત્રીનાં અનુસાર આ દુર્ઘટનામાં કોઇનું મોત નથી થયું. મળતી માહિતી અનુસાર આ બસમાં કુલ 13 લોકો જ બેઠેલા હતા. બસમાં કોઇ જ યાત્રીનાં અવશેષ મળ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રી દિનેશ ચંદ્ર યાદવ ગુરૂવારે આ દુર્ઘટનામાં 27 લોકોનાં મોતની પૃષ્ટી કરી હતી. શરૂઆતી તબક્કામાં દુર્ઘટનામાં લોકોનાં મોતના સમાચાર સાંભળીને મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કરતા સંવેદના વ્યક્ત કરવાની સાથે સાથે રાહતની પણ જાહેરાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ પોતે પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. જો કે આવી દુર્ઘટના મુદ્દે મંત્રીની ઉતાવળનાં કારણે હવે નીતીશ કુમાર સરકાર ક્ષોભજનક સ્થિતીમાં મુકાઇ ગઇ છે. આ દુર્ઘટના ગુરૂવાર રાતની છે. રિપોર્ટસ અનુસાર દિલ્હી જઇ રહેલી એક બસ પુલની નીચે પલટી ગઇ હતી. અકસ્માત બાદ બસમાં આગ લાગી ગઇ હતી. શરૂઆતી અહેવાલોમાં 30 લોકો બેઠા હોવાનાં સમાચાર આવ્યા બાદ. આવા રિપોર્ટ્સનાં આધારે બિહારનાં પ્રબંધન મંત્રી દિનેશ ચંદ્ર યાદવે 27 લોકોનાં મોતની પૃષ્ટી પણ કરી દીધી હતી.
શુક્રવારે રાહત અને બચાવ કાર્ય પુરૂ થયા બાદ એક અલગ જ વાત ઉભરીને સામે આવી હતી. મુજફ્ફરપુર પોલીસ ઝોન આઇજી અનિલ કુમારે જણાવ્યું કે, બસની અંદરથી કોઇ શબ નથી મળ્યું. 8 લોકોને બચાવવામાં આવ્યા છે અને રાખને ફોરેન્સીક તપાસ માટે મોકલી આપવામાં આવી છે. જેથી દુર્ઘટનામાં કોઇ વ્યક્તિનું મોત નિપજ્યું કે કેમ તેની તપાસ કરાવી શકાય .જો કે ફરીથી આ મુદ્દે સ્પષ્ટતા આપતા પ્રબંધન મંત્રી દિનેશ ચંદ્ર યાદવ સામે આવી ગયા.
મંત્રીએ કહ્યું હજી માત્ર 5 લોકો મિસિંગ
મંત્રીએ જણાવ્યું કે, બસમાં 13 લોકોનું બુકિંગ હતું. 8 લોકોને બચાવીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. 5 લોકોની હજી સુધી ભાળ મળી નથી. મંત્રીએ કહ્યું કે, શક્ય છે કે 5 લોકો પહેલા જ ઉતરી ગયા હોય. મંત્રીએ કહ્યું કે, બસ સળગ્યા બાદ સ્થાનીક લોકોની માહિતીનાં આધારે તેમણે 27 લોકોનાં મોત નિપજ્યાં હોવાનું નિવેદન આપ્યું હતું. મંત્રીએ ભલે આ મુદ્દે સ્પષ્ટતા અપાઇ છે જો કે 5 લોકો મુદ્દે હજી સુધી કોઇ સ્પષ્ટ માહિતી નથી.