સુપ્રીમ કોર્ટે જનાર્દન રેડ્ડીની બેલ્લારીમાં એન્ટ્રી અંગેની અરજી ફગાવી: ભાઇ માટે નહી કરે પ્રચાર
જગન રેડ્ડીએ પોતાનાં ભાઇના પક્ષે ચૂંટણી પ્રચાર કરવા અને મતદાન કરવા દેવા માટે પરવાનગી માંગી હતી
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ખનન ગોટાળા અંગે વેપારી અને ભાજપનાં નેતા જી. જનાર્દન રેડ્ડીને ચૂંટણી પ્રચાર માટે બેલ્લારીમાં પ્રવેશવાની પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે આ અંગે તેમની અરજી ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિ એ.કે સિકરી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણનીપીઠે ભાજપ ઉમેદવાર જી.સોમેશ્વર રેડ્ડીનાં પક્ષે ચૂંટણી પ્રચાર કરવા માટે તેનાં ભાઇ જી.જનાર્દન રેડ્ડીનાં બેલ્લારી પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવવાની અરજી ફગાવી દીધી હતી.
જનાર્દન રેડ્ડીને 2009માં બેલ્લારી અને આંધ્રપ્રદેશનાં અનંતપુરમાં બિનકાયદેસર રીતે લોહ અયસ્કનાં ખનનમાં સંડોવણી હોવાનાં આરોપમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેને જાન્યુઆરી, 2015માં જામીન પર મુક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જનાર્દન રેડ્ડી પોતાનાં ભાઇ જી. સોમશેખર રેડ્ડી માટે બેલ્લારી જઇને પ્રચાર જ નહી પરંતુ પોતાનો મત્ત આપવા માટેની પણ પરવાનગી આપી હતી. જસ્ટિસ એ.કે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચે તેની કોઇ જ માંગ સ્વીકારવા માટેની અરજી રદ્દ કરી દીધી હતી.
જનાર્દન રેડ્ડીએ 8-9 મેનાં રોજ બેલ્લારી જઇને પ્રચાર કરવા માટેની પરવાનગી માંગી હતી. ઉપરાંત 12 મેએ યોજાનારા મતદાનનાં દિવસે મત્ત આપવા માટે બેલ્લારી જવા અંગેની પણ પરવાનગી માંગી હતી, જો કે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપનાં જનાર્દન રેડ્ડીનાં ભાઇ સોમેશ્વર રેડ્ડીને વિધાનસભા ટીકીટ આપી છે. રેડ્ડી બંધુઓ પર ખનન અંગેનાં ગંભીર ગુનાઓ દાખલ છે. જનાર્દન રેડ્ડી આ ગુનામાં જેલ પણ ભોગવી ચુક્યો છે. હાલમાં જ તેનાં પર ખનન અંગેનાં ઘણા કેસ ચાલી રહ્યા છે અને તેને બેલ્લારી જિલ્લામાંથી તડીપાર કરવામાં આવેલ છે.