એ સમયે કેદીને સજાનો નહીં નસબંધીનો ડર હતો! હથકડી સાથે ટ્રેનમાંથી કુદીને ભાગ્યો કેદી, પોલીસે એન્કાઉન્ટર કર્યું!
The Untold Story of Emergency: ભારતમાં કટોકટી અને તે સમયે ચલાવવામાં આવેલાં નસબંધી અભિયાનની વાત કરવી હોય તો સૌથી પહેલાં તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે. નસબંધીના ડરથી કેદથી જાપ્તામાંથી ભાગ્યો અને પોલીસે ગોળી મારીને તેનું એન્કાઉન્ટર કરી નાંખ્યું. જાણો ક્યારેય સામે ન આવ્યાં હોય એવા કટોકટી અને નસબંધીના છુપાયેલાં કિસ્સાઓની કહાની....
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ ભારતમાં કટોકટી અને તે સમયે ચલાવવામાં આવેલાં નસબંધી અભિયાનની વાત કરવી હોય તો સૌથી પહેલાં તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે. જ્યાં ખુબ શોધખોળ અને સંશોધન બાદ જાણવા મળશે ક્યારેય ન સાંભળી હોય કે ન વાંચી હોય તેવી વાતો. તત્કાલિક પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીએ દેશમાં બળજબરીથી નસબંધી અભિયાન ચલાવ્યું અને લોકોમાં ડર અને દહેશતનો માહોલ ઉભો થયો. કટોકટી દરમ્યાન બળજબરીથી નસબંધી અને મીડિયા પર સેન્સરશિપના નિયમોને કારણે ક્યારેય સામે ન આવ્યાં હોય તેવા કિસ્સાઓ વિશે જાણો આ Super Exclusive અહેવાલમાં...જેમાં એ સમયે કેદીને સજાનો નહીં પણ નસબંધીનો ડર હતો...
આઝાદી બાદ ગાંધીજીએ દેશની કમાન જવાહરલાલ નહેરુને સોંપી અને તેઓ ભારતના પહેલાં પ્રધાનમંત્રી બન્યાં. એની સાથે જ દેશમાં નહેરુ ગાંધી પરિવારના શાસન અને એક અલગ પ્રકારની રાજનીતિની શરૂઆત થઈ. કહેવા વાળા એવું પણ કહેછેકે, જો એ સમયે ગાંધીજીએ નહેરુને બદલે સરદાર વલ્લભભાઈ પટેલને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા હોત તો આજે ભારતની સ્થિતિ કંઈક અલગ હોત. સંજય ગાંધીના નામ સાથે પણ લોકોએ આવી જ કંઈક ધારણાઓ બાંધી હોવાનું ચર્ચામાં છે.
'ચારેય બાજુ નસબંધીના કારણે ભય ભેલાઈ ગયો હતો. હું ભાવનગર જેલમાં હતો. મારો અમદાવાદમાં સેન્સરશિપનો કેસ ચાલતો. એટલે ટ્રેનમાં આવવાનું થતું. આ ટ્રેનમાં એકવાર ભાવનગરના એક કેદીને અમદાવાદ લઈ જવાઈ રહ્યો હતો. કેદીને ડર હતો કે પોલીસ મારી નસબંધીનું ઓપરેશન કરી નાંખશે. હાથમાં બેડી હતી અને પોલીસ ચા પીવા ગઈ ત્યારે તે કેદી ભાગ્યો. સ્ટેશનથી ભાગ્યો અને તેની પાછળ પોલીસ દોડી, એન્કાઉન્ટર થયું અને પોલીસે તે કેદીને મારી નાંખ્યો. નસબંધીના ડરને કારણે એ કેદીનું મોત થઈ ગયું. જોકે, આ કિસ્સો ક્યારેય બહાર આવ્યો નહીં. પુત્ર સંજય ગાંધીના કહેવાથી કટોકટી દરમિયાન ઈંદિરા સરકારે લાગુ કરેલી સેન્સરશિપના કારણે આ કેદીનું મોત અને આના જેવા કેટલાંક સમાચારો ક્યારેય સામે આવ્યાં જ નહીં.' નસબંધી અને કટોકટી મુદ્દે ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ માટેના ખાસ ઈન્ટરવ્યૂમાં જાણીતા રાજકીય વિશેષજ્ઞ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ પહેલીવાર આ સમાચાર મીડિયા સામે કહ્યાં.
વિષ્ણુ પંડ્યાએ વધુમાં જણાવ્યુંકે, સંજય ગાંધીએ લોકશાહીમાં તાનાશાહીની માનસિકતા ધરાવતો હતાશ યુવાન હતો. તે પોતાની માતાના હાથમાંથી સત્તાનું સુકાન લઈને દેશ પર રાજ કરવા માંગતો હતો. પણ ખુબ ઝડપથી 'ઉંચી ઉડાન' ભરવાની તેની મનચ્છા જ તેને મોતના મુખમાં ભરખી ગઈ અને તે વિમાન અકસ્માતનો શિકાર બની ગયો. બીજો એક કિસ્સો કહું તો તે સમયે દિલ્લીમાં એક ટાંગા વાળાએ ઘોડો ચાલતો ન હોવાથી ઘોડાને એવું કહ્યુંકે,...ચલ ઘોડે ઈંદિરા કી ચાલ ચલ...બગીની અંદર બેસનારો માણસ સરકારી અધિકારી આ વાત સાંભળી ગયો અને તેણે ફરિયાદ કરતા જ પોલીસે મીસાંના કાયદા હેઠળ ઘોડાવાળાને પકડીને જેલમાં નાંખી દીધો. ઈંદિરા સરકારે બળજબરથી લાગૂ કરેલી સેન્સરશિપમાં મીડિયા પણ લાચાર હોવાથી આવી અનેક ઘટનાઓ દબાઈ ગઈ. લોકશાહીમાં તાનાશાહીની માનસિકતા વાળો હતાશ યુવાન હતો સંજય ગાંધી. અકાળે એનું મૃત્યુ થઈ ગયું. એ એ જીવિત રહ્યાં હોત તો ભારતનું રાજકારણ જુદું હોત... વધુમાં તેમણે જણાવ્યુંકે, જસ્ટિસ શાહ તપાસ પંચે પોતાના ચુકાદામાં આ મોટાભાગના કિસ્સાઓને નોંધ્યાં છે.
એ સમયની ફિલ્મોમાં પણ નસબંધીનો મુદ્દો પ્રમોટ થતો જોવા મળ્યો છે. ત્યારે કટોકટી વિશે ઝી 24 કલાકની ડિજિટલ ટીમ સાથે વાત કરતા ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી પી.કે.લહેરીએ જણાવ્યું હતુંકે, તે સમયે લાગુ કરવામાં આવેલી કટોકટીના કારણે કુટુંબ નિયોજનનું નામ ખુબ જ બદનામ થઈ ગયું હતું. તેથી આ અભિયાનનું નામ બદલીને તેને ફેમિલી વેલફેરનું નામ આપવામાં આવ્યું. બદનામીના કારણે કુટુંબ નિયોજન અભિયાન બંધ કરવાની ફરજ પડી હતી. શિક્ષણથી જાગૃતિ લાવી શકાય પણ આવી તાનાશાહીથી નહીં.
કટોકટી દરમિયાન એ સમયના નેતાઓ અને આખી સરકાર ઈંદિરા મહાન છે, ઈન્ડિયા ઈસ ઈંદિરા એવા નારા લગાવવામાં વ્યસ્ત હતું. તે સમયે પણ દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ જૈલસિંગે કહ્યું હતુંકે, જો ઈંદિરાજી મને ઝાડું મારવાનું કહે તો હું ઝાડું પણ મારી દઉં. આજે પણ સ્થિતિ લગભગ સરખી જ છે લોકો દેશના સર્વોચ્ચ નેતાના વખાણ કર્યા કરે છે. કટોકટોના સમયમાં જળજબરીથી નસબંધી કરાવવામાં આવતી હતી જે અયોગ્ય હતું. જોકે, ભયના ઓથાર હેઠળ સરકારી તંત્ર સારું કામ કરતું હતું અને ટ્રેનો સમયસર ચાલતી હતી.
રાજકીય વિશેષજ્ઞ જયનારાયણ વ્યાસે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં આમ જણાવ્યું હતું.
આ જ મુદ્દે વાત કરતા જાણીતા રાજકીય વિશેષજ્ઞ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલે ઝી 24 કલાકને જણાવ્યુંકે, નસબંધીએ લોકોના બંધારણીય અધિકારો પર તરાપ સમાન હતું. તે સમયે મીડિયાને પણ નિયંત્રિત કરીને સેન્સરશિપ લાગુ કરી દેવાઈ હતી. પત્રકારોએ સમાચારો લખીને તેમણે નિમેલા સેન્સરશિપ અધિકારીઓને પહેલાં બતાવવા પડતા. એમાંથી સરકાર વિરોધી અથવા સરકારની ટિકા કરતા સમાચારો હટાવી દેવામાં આવતા હતાં. આ ખુબ જ શોભજનક સ્થિતિ હતી.
ઉલ્લેખનીય છેકે, દેશના પહેલાં પ્રધાનમંત્રી જવાહલાલ નહેરુના અવસાન બાદ લાલ બહાદૂર શાસ્ત્રીને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યાં. ત્યારે જવાહરલાલ નહેરુના પુત્રી ઈંદિરા તે સમયે શાસ્ત્રીજીના કેબિનેટમાં માહિતી અને સુચના પ્રસારણ મંત્રી બન્યાં. શાસ્ત્રીજીના અચાનક નિધન પછી શ્રીમતી ઈંદિરા ગાંધીએ દેશના પહેલાં મહિલા પ્રધાનમંત્રી તરીકે દેશની કમાન સંભાળી. ત્યારે તેમની સાથે રાજનીતિમાં પોતાના મનસ્વી નિર્ણયો લાગૂ કરીને સત્તાનું કંટ્રોલિંગ કરી રહ્યાં હતાં તેમના નાના પુત્ર સંજય ગાંધી. કટોકટો અને તે દરમિયાન લાગુ કરાયેલાં નસબંધી અભિયાનમાં સંજય ગાંધીની મોટી ભૂમિકા હતી.
કઈ રીતે થઈ કટોકટીની કહાનીની શરૂઆત?
વર્ષ 1975માં અલ્લાહાબાદ હાઇકોર્ટે ચૂકાદો આપ્યો કે 71ની ચૂંટણીમાં ઇંદિરા ગાંધીએ વિજય મેળવવા માટે ગેરરીતિ આચરી છે. આથી સાંસદ તરીકે તેમની સદસ્યતા રદ કરવામાં આવે છે. અહીંથી શરૂ થઈ કટોકટીની કહાની. તે સમયે દેશમાં કટોકટી લાગૂ કરવા પાછળનું માસ્ટર માઇન્ડ ગણાતા હતા તેમના નાના પુત્ર સંજય ગાંધી. એક સમયે એવું લાગતું હતું કે હવે દેશનું ભાવિ સંજયના હાથમાં જ છે. એવામાં અચાનક આવી ગયા તેના મોતના સમાચાર. કમનસીબે 23 જૂન 1980ના રોજ સંજય ગાંધી એક વિમાન દુર્ઘટનાનો શિકાર બની ગયાં.
હિટલર અને સંજય ગાંધી વચ્ચે હતી શું સામ્યતા?
એવું કહેવામાં આવે છેકે, સંજય ગાંધી અને એડોલ્ફ હિટલર વચ્ચે એક સામ્ય એ હતું કે બંને તાનાશાહી પદ્ધતિથી કામ કરતા. બીજી સમાનતા એ હતી કે બેયે નસબંધી અભિયાન ચલાવ્યું હતું. મોંઘવારી ઘટાડવાના નામે આ નેતાઓએ વસ્તી નિયંત્રણ પર ભાર મૂક્યો. અને પછી બળજબરી પૂર્વક નસબંધી અભિયાન ચલાવીને હાહાકાર મચાવી દીધો હતો. આ અભિયાન ચલાવીને સંજય ગાંધીએ લોકોના મૌલિક અધિકારો પર તરાપ મારી હતી. જેનું પરિણામ ઈંદિરા ગાંધીને ત્યાર પછીની લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરીને ભોગવવું પડ્યું...