`આ સામાજિક ન્યાયનો વિજય છે`: રાજ્યસભામાં બિલ પાસ થતાં મોદીએ કરી ટ્વીટ
સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને શિક્ષણ અને રોજગારમાં 10 ટકા અનામત આપવાના જોગવાઈ અંગેનું ઐતિહાસિક બંધારણ (124મો સુધારો) બિલ-2019ને બુધવારે રાજ્યસભામાં પણ પસાર કરવામાં આવ્યું હતું
નવી દિલ્હીઃ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને શિક્ષણ અને રોજગારમાં 10 ટકા અનામત આપવાના જોગવાઈ અંગેનું ઐતિહાસિક બંધારણ (124મો સુધારો) બિલ-2019ને બુધવારે રાજ્યસભામાં પણ પસાર કરવામાં આવ્યું હતું. હવે તેને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થઈ ગયા બાદ આ બિલ કાયદો બની જશે. વડા પ્રદાન મોદીએ આર્થિક અનામત બિલ રાજ્યસભામાં પણ પસાર થવા અંગે તેને સામાજિક ન્યાયનો વિજય જણાવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું કે, "રાજ્યસભામાં અનામત સુધારા વિધેયક પસાર થતાં મને પ્રસન્નતા થઈ છે. આ બિલથી નબળા વર્ગોને ફાયદો થશે. આપણી યુવા શક્તિને પોતાનું કૌશલ્ય દેખાડવા માટે વ્યાપક કેનવાસ આપશે. બંધારણ બનાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપું છું."
રાજ્યસભામાં 165 વિરુદ્ધ 7 મત સાથે પસાર થયું બંધારણ (124મો સુધારા)બિલ-2019
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે, "દેશમાં સામાજિક ક્રાંતિ લાવનારા, સામાન્ય વર્ગના અનામત ખરડાના રાજ્યસભામાં પસાર થવાના પ્રસંગે દેશવાસીઓને અભિનંદન. આજનો દિવસ સાચા અર્થમાં બંધારણ અને દેશની લોકશાહીના ઈતિહાસમાં ઐતિહાસિક છે. હું ફરી એક વખત વડા પ્રધાન, સંસદ અને દેશની પ્રજાને અભિનંદન પાઠવું છું."
આ અગાઉ, રાજ્યસભામાં લગભગ 10 કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ બંધારણ (124મો સુધારો) બિલ-2019 તેની તરફેણમાં પડેલા 165 મત સાથે પસાર થઈ ગયું હતું. આ અગાઉ ગૃહ દ્વારા વિરોધ પક્ષ દ્વારા સુચવવામાં આવેલા સંશધોનોને મત વિભાજન દ્વારા નામંજૂર કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં મંગળવારે જ આ બિલ પસાર થઈ ગયું હતું.