ભાજપ નથી ઈચ્છતો કે 3 રાજ્યોમાં અલ્પસંખ્યકો મત આપે: TMC નેતા
ચૂંટણી પંચ તરફથી રવિવારે લોકસભા ચૂંટણીની તારીખો અને સમગ્ર કાર્યક્રમ જાહેર કરી દેવાયો. જેના પર તૃણમૂલ કોંગ્રેસના નેતા અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમે સવાલ ઉઠાવ્યાં છે.
નવી દિલ્હી: ચૂંટણી પંચ તરફથી રવિવારે લોકસભા ચૂંટણીની તારીખો અને સમગ્ર કાર્યક્રમ જાહેર કરી દેવાયો. જેના પર તૃણમૂલ કોંગ્રેસના નેતા અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમે સવાલ ઉઠાવ્યાં છે. તેમણે ચૂંટણીને લઈને ભાજપ નિશાન પણ સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ નથી ઈચ્છતો કે અલ્પસંખ્યકો મતદાન કરે. આથી રમજાન દરમિયાન રોજાનો ખ્યાલ રખાયો નથી. પરંતુ અમે ચિંતિત નથી, અમે મતદાન કરીશું.
ફિરહાદ હકીમે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે, અમે તેનું સન્માન કરીએ છીએ. અમે તેના વિરુદ્ધ કશું બોલવા માંગતા નથી. 7 તબક્કાનું મતદાન બિહાર, યુપી અને પશ્ચિમ બંગાળના લોકો માટે મુશ્કેલ બનશે. જે લોકો રોજા રાખે છે તેમના માટે તો વધુ કપરું બનશે. કારણ કે તે સમય રમજાનનો મહિનો ચાલુ હશે. તેમનું કહેવું છે કે આ ત્રણ રાજ્યોમાં અલ્પસંખ્યકોની વસ્તી ઘણી વધારે છે. તેઓ બધા રોજા રાખવા છતાં મતદાન કરવા જશે. ચૂંટણી પંચે એ વાતનું ધ્યાન રાખવું જોઈતુ હતું.
અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચે 17મી લોકસભા ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત કરી છે. 11 એપ્રિલથી શરૂ થઈને 19મી મે સુધી મતદાન ચાલશે. 23મી મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ રવિવારે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતા કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન 11 એપ્રિલના રોજ થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલ, ત્રીજા તબક્કાનું 23 એપ્રિલ, ચોથા તબક્કાનું 29 એપ્રિલ, પાંચમા તબક્કાનું 6 મે, છઠ્ઠા તબક્કાનું 12મી મે અને સાતમા તબક્કાનું મતદાન 19મી મેના રોજ થશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...