માત્ર એક સેકન્ડ માટે મળ્યો હતો પાક. આર્મી ચીફને, આ કોઈ રાફેલ ડીલ ન હતીઃ સિદ્ધુનો પાકિસ્તાનથી જવાબ
લાહોરઃ નવજોત સિંહ સિદ્ધુએ ફરી એક વખત પાર્ક આર્મી ચીફને ગળે લાગવાનો બચાવ કર્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું કે, તે પાક આર્મી ચીફને માત્ર એક સેકન્ડ માટે ગળે લાગ્યા હતા. આ કોઈ રાફેલ ડીલ ન હતી. સિદ્ધુએ જણાવ્યું કે, જ્યારે બે પંજાબી ભેગા થાય છે ત્યારે એક-બીજાને ગળે લાગે છે, પંજાબમાં આ એક સામાન્ય શિષ્ટાચાર છે.
સિદ્ધુએ આગળ કહ્યું કે, "મારું માનવું છે કે કરતારપુર કોરિડોર બંને દેશ વચ્ચે એક પુલનું કામ કરશે અને દુશ્મનાવટ દુર કરશે. આ કોરિડોર દ્વારા લોકોથી લોકો વચ્ચેનો સંપર્ક વધશે. મારો વિશ્વાસ છે કે, તેમાં સંભાવનાઓ છે. આ કોરિડોર અપાર સંભાવનાઓ, શાંતિ અને સમૃદ્ધિનો કોરિડોર બનશે."
ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુ મંગળવારે પાકિસ્તાનમાં છે. ભારત બાદ પાકિસ્તાન તફથી પણ કરતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમ માટે પંજાબના મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ મંગળવારે વાઘા બોર્ડર પાર કરીને પાકિસ્તાન પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સોમવારે ઉપ રાષ્ટ્રપતિ એમ. વૈંકૈયા નાયડુ અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કરતારપુર સાહિબ કોરિડોરની ભારતીય સીમાની અંદર આધારશિલા મુકી હતી. શિખ શ્રદ્ધાળુઓ માટે આ કોરિડોર મારફતે પાકિસ્તાનમાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા દરબાર સાહિબ જવાનું વધુ સરળ બની જશે.
રાવી નદીના કિનારે આવેલા આ ગુરુદ્વારાનું શિખ સમુદાય માટે ઘણું જ મહત્વ છે, કેમ કે તેમના પંથના પ્રથમ ગુરુ નાનક દેવજીએ પોતાના જીવનના 18 વર્ષ અહીં જ પસાર કર્યા હતા.