Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પડી
Bareilly Flyover Car Accident: ગુગલ મેપના આધારે રહેનારા થઈ જાઓ સાવધાન... ઉત્તર પ્રદેશના બરેલીમાં ગુગલના આધારે રસ્તે જતાં કાર ચાલકને નડ્યો અકસ્માત.. જે પુલ પર ચડાવી કાર તે તૂટલો હોવાથી 50 ફૂટથી નીચે ખાબકતાં 3નાં મોત...
Bareilly Flyover Car Accident: જો તમે પણ ગૂગલ મેપના આધારે મુસાફરી કરવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે છે. કેમ કે દિલ્લીથી નીકળેલા આ ત્રણેય મિત્રો ફરૂખાબાદ જઈ રહ્યા હતા. જેઓ ગૂગલ મેપમાં ફરૂખાબાદ શહેર સેટ કરીને નીકળ્યા તો ખરા પરંતુ પોતાના ઘર સુધી ન પહોંચ્યા. ગુગલ મેપ પર ભરોસો કરીને નીકળેલા મિત્રો જ્યારે ફરીદપુરના રામગંગા પહોંચ્યા ત્યારે ગૂગલ મેપએ તેમને રામગંગા નદીના પુલ પર ચડાવ્યા. પુલ પર ચડેલા મિત્રો એ જાણતા નહોતા કે આગળથી પૂલ તૂટેલો છે. એટલુ જ નહી પૂલ તૂટેલો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ બેરિકેટિંગ કરાયું ન હતુ. જેથી આ ત્રણેય મિત્રો પુલ પરથી સીધા નીચે ખાબક્યા અને ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.
- ઉત્તર પ્રદેશના બરેલીમાં બની ચોંકાવનારી ઘટના
- ગુગલ મેપના આધારે જતાં કાર ચાલકોનો અકસ્માત
- ગુગલે મિત્રોને જે પુલ પર ચડાવ્યા તે તૂટેલો હતો
- પુલ પર ચડેલા કારમાં સવાર ત્રણ મિત્રો નદીમાં ખાબક્યા
- અંદાજે 50 ફૂટની ઊંચાઈથી નીચે ખાબકતા ત્રણેયના મોત
- વર્ષ 2022માં તૂટેલો પુલને ગુગલ મેપએ યોગ્ય બતાવ્યો
રવિવારે સવારે લગભગ 10 વાગ્યે ત્રણ કાર સવારો બરેલી દિશામાંથી દાતાગંજ જિલ્લા બદાઉન તરફ જઈ રહ્યા હતા. રૂટની માહિતી માટે કારમાં જીપીએસ નેવિગેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. અહીં અધૂરા રામગંગા પુલ પર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 2 વર્ષ પહેલા પૂરના કારણે બ્રિજ પરનો એપ્રોચ રોડ બંને દિશામાં ધોવાઈ ગયો હતો. જેના કારણે તેના પર ટ્રાફિક ન હતો. જો કે, તેને GPS નેવિગેશનમાં અપડેટ કરવામાં આવ્યું નથી. જેના કારણે પોતાની ઝડપે જઈ રહેલ કાર સવાર પુલ પરથી સીધો કેટલાક ફૂટ નીચે પડી ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું.
જાહેર બાંધકામ વિભાગની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો
કહેવામાં આવી રહ્યું છે કે પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે બ્રિજ પર ઈન્ડિકેટર અને બેરિયર્સ બંને લગાવ્યા ન હતા. જીપીએસ નેવિગેશન પણ અપડેટ કરવામાં આવ્યું ન હતું. જાહેર બાંધકામ વિભાગ બદાઉને પુલની બંને બાજુએ એપ્રોચ રોડ બનાવવાનો હતો. આ પુલ લગભગ 2 વર્ષથી અધૂરો હતો, જેના કારણે વાહનવ્યવહાર થતો ન હતો. જીપીએસ અપડેટ ન થવાથી અને બેરિયર્સ વગેરે લગાવવામાં ન આવતાં મોટો અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનેલા વિવેક કુમાર અને કૌશલ કુમાર ફરુખાબાદ જિલ્લાના હતા. ત્રીજા યુવકની ઓળખ થઈ નથી. બરેલી પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.