કોલકાતાઃ પંજાબના અમૃતસરની ભીષણ રેલવે દુર્ઘટનાના ઘા હજુ રુઝાયા પણ નથી ત્યાં વધુ એક અકસ્માત થયો છે. પશ્ચિમ બંગાળમાં હાવડા પાસે સંતરાગાછી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 1નું મોત થયું છે અને 15થી વધુ મુસાફર ઘાયલ થયા છે. એવું કહેવાય છે કે, બે ટ્રેન સામ-સામે પ્લેટફોર્મ પર આવી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યાર બાદ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ. પ્લેટફોર્મ પર ભીડને કાબુમાં લેવાની કોઈ વ્યવસ્થા ન હતી. ઘાયલોને હાવડા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુર્ઘટનામાં મૃતકોનાં પરિજનને રૂ.5 લાખ અને ઘાયલોને રૂ.1 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. 


પ્રાપ્ત માહિતી મુજબ હાવડા સ્ટેશન પર સાંજે 6.00 કલાકની આસપાસ પ્લેટફોર્મ ઉપર સામ-સામે એકસાથે બે ટ્રેન આવી પહોંચી હતી. આ બંને ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરો ફૂટઓવર બ્રીજ પર પોતાના ગંતવ્ય સ્થાને જવા માટે એકસાથે પહોંચી ગયા. મર્યાદા કરતાં વધુ સંખ્યામાં લોકો ફૂટઓવર બ્રીજ પર એક્ઠા થઈ જતાં ભારે ભીડ થઈ ગઈ હતી અને તેના કારણે મુસાફરોમાં ધક્કા-મુક્કી થવા લાગી. 



મુસાફરોમાં આ ધક્કા-મુક્કીને કારણે કેટલાક લોકો નીચે પડી ગયા હતા અને લોકો તેમના ઉપર થઈને ચાલવા લાગ્યા. આ ધક્કામુક્કીમાં પડી જવાથી બે મહિલા સહિત 15થી વધુ લોકો ઘાયલ થયા છે. 


દક્ષિણ પૂર્વ રેલવેના એક પ્રવક્તાએ જણાવ્યું કે, "સાંજે લગભઘ 6.30 કલાકે પ્લેટફોર્મ પર એક જ સમયે એક એક્સપ્રેસ ટ્રેન અને બે ઈએમયુ લોકલ ટ્રેન આવી પહોંચી હતી. આ ટ્રેનમાં બેસવા માટે મુસાફરોએ પ્લેટફોર્મ પર જવા માટે દોટ મુકી હતી, જેના કારણે ધક્કા-મુક્કી સર્જાઈ ગઈ."



દક્ષિણપૂર્વ રેલવેના પ્રવક્તા સંજય ઘોષે જણાવ્યું કે, "નાગરકોઈલ-શાલીમાર એક્સપ્રેસ અને બે લોકલ ઈએમયુ ટ્રેન એક જ સમયે સ્ટેશન પર આવી પહોંચી હતી. તેના થોડા સમયમાં જ શાલીમાર-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને સંતરાગાછી-ચેન્નઈ એક્સપ્રેસ પણ આવકમાં હતી. પ્લેટફોર્મ નંબર 2 અને 3 વચ્ચે આવેલા ફૂટબ્રીજ પર આ દુર્ઘટના સર્જાઈ હતી."



તેમણે જણાવ્યું કે, 11 ઘાયલોનો ઈલાજ માટે હાવડા જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે, જ્યારે ત્રણ ઘાયલનો સ્ટેશન પર જ પ્રાથમિક ઈલાજ કરીને જવા દેવાયા હતા.