આધાર કાર્ડ બનશે `બેકાર`, આવતી કાલથી મોદી સરકાર લાવી રહી છે VID
આધાર ડેટા લીક થવાના અહેવાલો તથા તેને પગલે આધાર કાર્ડની સેફ્ટીને મજબુત બનાવવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)તેમાં કેટલાક ફેરફાર કરી રહ્યું છે.
નવી દિલ્હી: આધાર ડેટા લીક થવાના અહેવાલો તથા તેને પગલે આધાર કાર્ડની સેફ્ટીને મજબુત બનાવવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)તેમાં કેટલાક ફેરફાર કરી રહ્યું છે. UIDAIએ પહેલી જૂલાઈ એટલે કે કાલથી વર્ચ્યુઅલ આઈડી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે સરકાર આધાર વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગ પર ભાર મૂકશે. આ સ્થિતિમાં તમારું આધાર કાર્ડ 'બેકાર' બની જશે. જો કે બેકારનો અર્થ એ નથી કે તે માન્ય નહીં રહે. પરંતુ હવે તેના ઉપયોગની તમને કદાચ જ જરૂર પડે. કારણ કે આધારનો વર્ચ્યુઅલ આઈડી જ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાશે. હવે સ્વાભાવિક છે કે એ જાણવાનું મન થાય કે આ વર્ચ્યુઅલ આઈડી એટલે શું? તેના શું ફાયદા? સામાન્ય જનતા તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશે? અને આ નવું આઈડી કેવી રીતે જનરેટ થશે? આ તમામ સવાલોના જવાબ મેળવો. આધારના મિસયૂઝના અહેવાલો આવ્યાં બાદ સરકારે પણ આધાર વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગ પર ભાર મૂક્યો છે. આ બધુ આધારની સેફ્ટીને મજબુત કરવા માટે છે.
શું હોય છે VID?
આધાર વર્ચ્યુઅલ આઈડી એક પ્રકારનો ટેમ્પરરી નંબર છે. તે 16 આંકડાનો નંબર હોય છે. તેને જો આધારનો ક્લોન કહેવામાં આવે તો ખોટું નહીં હોય. તેમાં લિમિટેડ ડિટેઈલ હશે. UIDAI યૂઝર્સને દરેક આધારનો એક વર્ચ્યુઅલ આઈડી તૈયાર કરવાની તક આપશે. જો કોઈએ કોઈ જગ્યાએ આધારની ડિટેલ આપવી હોય તો 12 આંકડાના આ આધાર નંબરની જગ્યાએ 16 આંકડાનો વર્ચ્યુઅલ આઈડી આપી શકે છે. વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવાની સુવિધા 1 જૂલાઈથી અનિવાર્ય બની જશે. UIDAIએ પહેલા એક જૂનથી વર્ચ્યુઅલ આઈડીની શરૂઆત કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ ત્યારબાદ તેની તારીખ આગળ વધારીને એક જૂલાઈ કરી હતી.
ક્યાંથી જનરેટ કરી શકો છો VID?
આધાર વર્ચ્યુઅલ આઈડીને UIDAIના પોર્ટલથી જનરેટ કરી શકાય છે. આ એક ડિજિટલ આઈડી હશે. આધાર હોલ્ડર તેને અનેકવાર જનરેટ કરી શકે છે. હાલના સમયમાં VID ફ્કત એક દિવસ માટે જ વેલિડ હોય છે. તેનો અર્થ એ થયો કે એક દિવસ બાદ આધાર હોલ્ડર આ વર્ચ્યુઅલ આધાર આઈડીને ફરીથી જનરેટ કરી શકે છે. તેને ફક્ત UIDAIની વેબસાઈટ પરથી જ જનરેટ કરી શકાય છે.
આ રીતે જનરેટ કરો તમારું VID
VID જનરેટ કરવા માટે UIDAIના હોમપેજ પર જાઓ.
હવે તમારા આધાર નંબરને તેમાં નાખો. ત્યારબાદ સિક્યોરિટી કોડ એન્ટર કરો અને SEND OTP પર ક્લિક કરો.
જે મોબાઈલ નંબર તમારા આધાર સાથે રજિસ્ટર્ડ હશે તેના ઉપર તમને OTP આવશે.
OTP નાખ્યા બાદ તમને નવા VID જનરેટ કરવાનું ઓપ્શન મળશે.
જ્યારે તે જનરેટ થઈ જાય ત્યારે તમારા મોબાઈલ નંબર પર તમારો વર્ચ્યુઅલ આઈડી મોકલી દેવામાં આવશે. એટલે કે તમને 16 અંકનો નંબર મળશે.
વર્ચ્યુઅલ આઈડીથી શું થશે?
તે તમને સત્યાપન સમયે આધાર નંબરને શેર ન કરવાનો વિકલ્પ આપશે.
વર્ચ્યુઅલ આઈડીથી નામ, એડ્રસ અને ફોટોગ્રાફ જેવી અનેક વસ્તુઓનું વેરિફિકેશન થઈ શકશે.
કોઈ યૂઝર જેટલી વાર ઈચ્છે તેટલી વાર વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરી શકશે.
જૂના આઈડી આપોઆપ કેન્સલ થઈ જશે.
UIDAIના જણાવ્યાં મુજબ અધિકૃત એજન્સીઓને આધાર કાર્ડ હોલ્ડર તરફથી વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવાની મંજૂરી અપાશે નહીં.