બાબા રામદેવના નિવેદનથી નારાજ ઉમા ભારતીએ લખ્યો કાગળ, યોગગુરુએ કરી સ્પષ્ટતા
ઉમા ભારતીએ બાબા રામદેવને પોતાના માર્ગદર્શક ગણાવીને તેમને યાદ કરાવ્યું કે તમારા મોંમાંથી નીકળેલા શબ્દો મને હાનિ પહોંચાડી શકે છે
અજય શર્મા, નવી દિલ્હી : યોગગુરુ બાબા રામદેવ દ્વારા કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીની સરખામણી ઉમા ભારતની કામ સાથે કરવાના નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. કહેવામાં આવે છે કે આ સરખામણીથી કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી ભારે નારાજ થઈ ગયા છે અને તેણે બાબા રામદેવને પત્ર લખ્યો છે જેમાં આ નારાજગી દર્શાવવામાં આવી છે. ઉમા ભારતીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે બાબા રામદેવે કહેલો કોઈપણ શબ્દો તેમને (ઉમા ભારતી)ને નુકસાન પહોંચાડી શકે છે. જોકે પછી બાબા રામદેવે આ મામલામાં ટ્વીટ કરીને પોતાનું નિવેદન જાહેર કર્યું છે.
હકીકતમાં લંડનની એક ટીવી ચેનલે બાબા રામદેવના ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને પુછેલા ગંગા સ્વચ્છતા કાર્યક્રમ વિશે એક સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે ઉમા ભારતીની ફાઇલ ઓફિસમાં અટકી જાય છે જ્યારે ગડકરીની ફાઇલ નથી અટકતી. દેશમાં સૌથી વધારે કામ જે મંત્રીનું દેખાય છે એ નીતિન ગડકરી છે. આ નિવેદન બદલ ઉમા ભારતીએ પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે.
ઉમા ભારતીએ પત્રમાં લખ્યું છે કે લંડનમાં ટેમ્સ નદીના કિનારે તમે ગંગા વિશે વિચારો વ્યક્ત કર્યા. ગંગાની વિવેચના કરતી વખતે તમારા દ્વારા બે મંત્રીઓની સરખામણીમાં અજબ લાગ્યું. હું સ્વયં પણ નીતિન ગડકરીજીની પ્રશંસક છું અને તેમની સાથે કામ કરતી વખતે ગર્વ અનુભવું છું. જોકે, આખી દુનિયા સામે એક ટીવી ચેનલ પર મારા વિશે ચર્ચા કરતી વખતે તમને કદાચ ધ્યાન નહીં રહ્યું હોય કે તમે મારા પર વ્યક્તિગત હુમલો કરીને મારા આત્મસન્માન પર પ્રહાર કરી રહ્યા છો. આ યોજનાની શરૂઆતથી જ નીતિનજી ભાગીદાર રહ્યા છે અને તેઓ મારી ભાગીદારી પણ સુનિશ્ચિત કરે છે. ગંગામાં જે પહેલાં થયું એમાં તેમની ભુમિકા હતી અને હવે જે થઈ રહ્યું છે એમાં મારો રોલ છે. આમાં સરખામણી ન થઈ શકે.
તેમણે લખ્યું છે કે આઠ વર્ષની વયથી અત્યાર સુધી ઘોર પરિશ્રમ, વિચારનિષ્ઠા તેમજ રાષ્ટ્રવાદ મારી શક્તિ છે અને આ જ મારી વિશ્વસનિયતાનો આધાર છે. આના કારણે આ દેશની રાજનીતિમાં, બીજેપીમાં તેમજ સંગઠનમાં મને યોગ્ય સ્થાન મળ્યું. ચાલાકી, ચાપલુસી અને પ્રપંચ મને નથી આવડતા. મારું કામ અત્યાર સુધી એના વગર ચાલ્યું છે અને આગળ ચાલતું રહેશે. પહેલાં પ્લાનિંગનો તબક્કો હતો અને હવે અમલીકરણનો છે. 2019 સુધી ગંગા મામલે પ્રધાનમંત્રીજી પોતાનો સંકલ્પ પુરા કરી દેશે. ગંગા મામલે કરેલા કાર્યનો મને સંતોષ છે અને નીતિન ગડકરી પણ આ વાતની પ્રશંસા કરે છે.
ઉમા ભારતીએ બાબા રામદેવને પોતાના માર્ગદર્શક ગણાવીને તેમને યાદ કરાવ્યું કે તમારા મોંમાંથી નીકળેલા શબ્દો મને હાનિ પહોંચાડી શકે છે. તેમણે અંતમાં લખ્યું છે કે મારું જીવન તો ગંગા સાથે જોડાઈ ગયું છે. હું મારા જીવના અંત સુધી ગંગા સાથે જોડાયેલું કાર્ય કરતી રહીશ અને રિવર લિન્કિંગ યોજના લાગુ કરાવીને રહીશ.
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...