એકબીજાના કટ્ટર વિરોધી ભાજપ અને કોંગ્રેસ `આ` ગંભીર મુદ્દે થઈ ગયા એક, મોદી સરકારને કર્યો સપોર્ટ
કોંગ્રેસ અને ભાજપ આમ તો દેશના રાજકારણમાં બે એકબીજાના કટ્ટર હરિફ ગણાય છે, પરંતુ જ્યાં દેશની એક્તા અને જમ્મુ કાશ્મીરની વાત આવી ત્યાં બંને એક થઈ ગયેલા જોવા મળ્યાં.
નવી દિલ્હી: કોંગ્રેસ અને ભાજપ આમ તો દેશના રાજકારણમાં બે એકબીજાના કટ્ટર હરિફ ગણાય છે, પરંતુ જ્યાં દેશની એક્તા અને જમ્મુ કાશ્મીરની વાત આવી ત્યાં બંને એક થઈ ગયેલા જોવા મળ્યાં. સંયુક્ત રાષ્ટ્રે કાશ્મીર અને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં કથિત માનવાધિકાર ભંગ પર પોતાનો પહેલો રિપોર્ટ ગુરુવારે જારી કર્યો અને આ માનવાધિકાર ભંગની આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવાની માગણી કરી. રિપોર્ટ પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા ભારતે તેને ભ્રામક, પક્ષપાતપૂર્ણ અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધો તથા સયુંક્ત રાષ્ટ્રમાં પોતાનો કડક વિરોધ નોંધાવ્યો. આ રિપોર્ટને કોંગ્રેસે પણ વખોડ્યો અને આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ એકસાથે આવી ગયાં. બંને પક્ષોએ આ રિપોર્ટને ખોટો ગણાવ્યો છે. ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું કે આ રિપોર્ટને કચરાપેટીમાં ફેંકી દેવો જોઈએ. જ્યારે કોંગ્રેસે કહ્યું કે આ રિપોર્ટ ખોટા આધારો પર તૈયાર કરવામાં આવ્યો છે. આ મુદ્દે પાર્ટી સરકારના વલણનું સમર્થન કરે છે.
રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું કે હું આ રિપોર્ટને કચરાટોપલીમાં નાખી દઈશ. તે લોકો (UNOHCHR) પૂર્વાગ્રહથી ગ્રસ્ત અને વામપંથી વિચારધારા વાળું સંગઠન છે. આપણે તેમને કહેવું જોઈએ કે ભાડમાં જાઓ, જે લોકોને વિષય અંગે મસજ નથી તેવા લોકો દ્વારા રિપોર્ટ તૈયાર થાય છે, તેવા લોકોના રિપોર્ટ પર અમે પ્રતિક્રિયા આપતા નથી.
ભારતે કાશ્મીર અંગે UNના રિપોર્ટને રદિયો આપ્યો: લગાવ્યો ગંભીર આરોપ
અત્રે જણાવવાનું કે વિદેશ મંત્રાલયે આ અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે રિપોર્ટ સંપૂર્ણ રીતે પૂર્વાગ્રહથી પ્રેરિત છે અને ખોટી તસવીર રજુ કરવાનો પ્રયત્ન કરી રહી છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે તે દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનો ભંગ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે માનવાધિકાર ભંગની ભૂતકાળની અને હાલની ઘટનાઓના તરત સમાધાનની જરૂર છે.
રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે કાશ્મીરમાં રાજકીય સ્થિતિના કોઈ પણ સમાધાનમાં હિંસાના ચક્રને રોકવાના સંબંધમાં પ્રતિબદ્ધતા અને પૂર્વમાં તથા હાલમાં માનવાધિકાર ભંગને લઈને જવાબદારી નક્કી થવી જોઈએ. નિયંત્રણ રેખાની બંને બાજુ લોકો પર અસર પડી છે, નુક્સાન થયું છે અને તેમને માનવાધિકારથી વંછિત કરવામાં આવ્યાં કે સિમિત કરવામાં આવ્યાં.