દેશમાં ખુલશે 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય, કેબિનેટની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય
Cabinet Meeting Decision: કેન્દ્રીય કેબિનેટે 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવોદય વિદ્યાલયો ખોલવાની મંજૂરી આપી છે. આનાથી 80,000 થી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે અને લગભગ 5,400 નોકરીઓનું સર્જન થશે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે બે મોટા નિર્ણય લીધા છે. સરકારે દેશભરમાં 85 નવી કેન્દ્રીય વિદ્યાલય ખોલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે દેશભરમાં 28 નવી નવોદય સ્કૂલ પણ ખોલવામાં આવશે. કેબિનેટના આ નિર્ણયથી દેશભરના 80 હજારથી વધુ છાત્રોને ફાયદો મળશે. આ સિવાય કેબિનેટે દિલ્હી મેટ્રોના ફેઝ-4માં રિઠાલા-નરેલા-કુંડલી કોરિડોરને મંજૂરી આપી છે.
દેશભરમાં ખોલવામાં આવશે 85 કેન્દ્રીય વિદ્યાલય
મોદી કેબિનેટે દેશભરમાં 85 નવી કેન્દ્રીય વિદ્યાલય ખોલવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી 82560 વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ સિવાય 5388 નવી નોકરીઓ ઉભી થશે. તે માટે સરકારે 5872 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ સિવાય સરકારે 28 નવી નવોદય વિદ્યાલય ખોલવાને પણ મંજૂરી આપી છે. આ સ્કૂલોથી 15680 વિદ્યાર્થીઓને લાભ થશે. નવી કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયો માટે કુલ 8232 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે.
દિલ્હી મેટ્રોલના નવા કોરિડોરને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે દિલ્હી મેટ્રોના ફેઝ-4ના રિઠાલા-નરેલા-કુંડલી કોરિડોરને મંજૂરી આપી છે. જૂનમાં ત્રીજીવાર સરકાર બન્યા બાદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. સરકારે સાડા 9 કરોડ રૂપિયાના નિર્ણયો કર્યાં છે. 2024 પહેલા પાંચ શહેરોમાં મેટ્રો શરૂ થઈ શકી હતી, હવે 23 શહેરોમાં મેટ્રો પહોંચી ગઈ છે. 2014 પહેલા જ્યાં માત્ર 248 કિમી મેટ્રો બની હતી, હવે ત્રણ ગણાથી વધુ કિલોમીટર મેટ્રો બની છે. તો 1000 કિમી મેટ્રોનું કામ દેશમાં ચાલી રહ્યું છે.