લખનઉ: ઉત્તરપ્રદેશના ઉન્નાવ ગેંગરેપ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આખરે સીબીઆઈએ ધરપકડ કરી લીધી છે. સીબીઆઈ આરોપી ધારાસભ્યને કાલે કોર્ટમાં હાજર કરશે. કુલદીપ પર 147, 323, 506ની કલમો હેઠળ કેસ દાખલ થયો છે. નવી દિલ્હીમાં અધિકારીઓએ જણાવ્યું કે સેંગરને શુક્રવારે સવારે લગભગ પાંચ વાગ્યે લખનઉમાં નવલકિશોર રોડ સ્થિત સીબીઆઈના કાર્યાલય લાવવામાં આવ્યા હતાં. અલાહાબાદ હાઈકોર્ટે સેંગરની તત્કાળ ધરપકડના આદેશ આપતા કહ્યું હતું કે તેઓ કાયદો અને વ્યવસ્થાની મશીનરીને 'પ્રભાવિત કરી રહ્યાં છે'. આ અગાઉ સીબીઆઈએ સેંગ્રેસની 16 કલાક પૂછપરછ કરી હતી અને ત્યારબાદ ધરપકડ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે પહેલી એફઆઈઆર કથિત બળાત્કાર સંબંધે છે જેમાં સેંગર અને એક મહિલા શશિ સિંહ આરોપી છે. બીજી એફઆઈઆર હિંસા અને પીડિતાના પિતા જ્યુડિશલ કસ્ટડીમાં થયેલા મોત સંબંધે છે. હિંસા મામલામાં ચાર સ્થાનકિ લોકો વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. જોકે પોલીસે હત્યાના આરોપ બાદમાં જોડ્યા હોવાથી સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી નથી.


ત્રીજો મામલો પીડિતાના પિતા વિરુદ્ધના આરોપો સંલગ્ન છે જેમાં તેમને સશસ્ત્ર કાયદા હેઠળ ધરપકડ કરીને સ્થાનિક પોલીસે જેલમાં બંધ કર્યા હતાં. ત્યાં તેમનું રહસ્યમય રીતે મોત નિપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના શરીર પર ઈજાના નિશાનો મળી આવ્યાં હોવાની વાત સામે આવી છે. પીડિતાનો આરોપ છે કે ધારાસભ્યે ચાર જૂન 2017માં પોતાના નિવાસસ્થાને તેના ઉપર દુષ્કર્મ કર્યુ હતું જ્યારે તે પોતાના સંબંધી સાથે ત્યાં નોકરી માંગવા ગઈ હતી. પીડિતાના પિતાનુ ધારાસભ્યના ભાઈ અને અન્ય દ્વારા કથિત રીતે મારપીટ કરાયા બાદ એક સપ્તાહની અંદર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોત નિપજ્યું હતું.