એર્નાકુલમ : હાલમાં સમાચારમાં કેરળના એર્નાકુલમ જંક્શન પર કુલી તરીકે કામ કરતા મુળ મુન્નારના શ્રીનાથની સફળતા છવાયેલી છે. પાંચ વર્ષથી કુલીનું કામ કરી રહેલા શ્રીનાથે કેરળ જાહેર સેવા આયોગની લેખિત પરીક્ષા પાસ કરી દીધી છે. હવે જો તે ઇન્ટરવ્યૂ પાસ કરી લે તો તેને સરકારી નોકરી મળી શકે છે. રસપ્રદ વાત તો એ છે કે તેણે આ તૈયારી માટે કોઈ પુસ્તકની નહીં પણ રેલવે સ્ટેશનના ફ્રી વાઇફાઇની મદદથી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


શ્રીનાથ મોબાઈલના વીડિયોની મદદ ભણતો હતો અને તેની પાસે પોતાના ફોન અને ઇયરફોન સિવાય અન્ય કોઇ પુસ્તક ન હતું. તે જ્યારે સામાન ઉઠાવતો ત્યારે કાનમાં ઇયરફોન લગાવી ભણવાની વાતો સાંભળતો હતો. શ્રીનાથ આમ તો 10 ધોરણ સુધી જ ભણેલો છે પણ તેણે પોતાના મોબાઈલમાં શિક્ષકોના લેક્ચર અને અન્ય વાંચન મટિરિયલ વાંચીને અને સાંભળીને જ તૈયારી કરી હતી. 


શ્રીનાથ ત્રણવાર પરીક્ષામાં બેઠો છે, પરંતુ પહેલીવાર તેણે પોતાની તૈયારી માટે રેલવેની ફ્રી વાઇફાઇ સર્વિસનો ઉપયોગ કર્યો છે. જો હવે શ્રીનાથ ઇન્ટરવ્યુ પણ ક્વોલિફાય કરી લે તો તેને લેન્ડ રેવેન્યુ ડિપાર્ટમેન્ટમાં વિલેજ ફીલ્ડ આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2016 ડિજિટલ ઇન્ડિયા હેઠળ રેલવે સ્ટેશનો પર વાઇફાઇ સુવિધાની શરૂઆત કરી હતી. આ સુવિધાને ફ્રી રાખવામાં આવી છે અને સ્ટેશનો પર કોઇપણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે.