Ankita Bhandari Murder Case: પોલીસને મળી આવ્યો અંકિતાનો મૃતદેહ, આરોપીઓ સામે કડક કાર્યવાહીનો CM નો આદેશ
અંકિતા ભંડારી હત્યાકાંડમાં સરકાર એક્શનમાં, આરોપીના રિસોર્ટ પર ચાલ્યું બુલડોઝર, SITની રચના કરવામાં આવી. ઉત્તરાખંડમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યાથી ચકચાર મચ્યો. પૂર્વ રાજ્યમંત્રીના પુત્રએ તેના અન્ય 2 મિત્રો સાથે મળીને અંકિતા નામની 19 વર્ષીય યુવતીને કેનાલમાં ધક્કો મારી હત્યા કરી નાખી. હાલ આરોપીઓ પોલીસ સકંજામાં છે. તમામ ઝડપાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહીના અપાયા છે આદેશ.
નવી દિલ્લીઃ ઉત્તરાખંડમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીનો મૃતદેહ આખરે મળી આવ્યો છે. ચિલ્લા કેનાલમાંથી ભારે શોધખોળ બાદ અંકિતાનો મૃતદેહ મળી આવ્યો. અંકિતા ભંડારી હત્યા કેસમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના આદેશ બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. CMના આદેશ બાદ પ્રશાસને અંકિતા હત્યા કેસના આરોપી પુલકિત આર્યના વનતારા નામના રિસોર્ટ પર બુલડોઝર ચલાવાયું. CMએ જણાવ્યું કે આરોપીઓને કડકમાં કડક સજા મળે તે માટે DIG રેણુકા દેવીની નેતૃત્વમાં SITની રચના કરવામાં આવી છે...કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં...ભલે તે કોઈ પણ હોય...
મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે જણાવ્યું કે, મુખ્યમંત્રીના આદેશ પર પુલકિત આર્યના ઋષિકેશના વનતારા રિસોર્ટમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. ઉત્તરાખંડ પોલીસે ફેસબુક પર માહિતી આપી હતી કે અંકિતા ભંડારી કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ મુખ્યમંત્રીના આદેશથી આરોપીઓની મિલકતો પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકોને પોલીસને સાથ આપવા અપીલ પણ કરવામાં આવી છે જેથી આગળની કાર્યવાહી કરી શકાય.
પોલીસે કહ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરીને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકો સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. અંકિતા મર્ડર કેસ બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જિલ્લા મેજિસ્ટ્રેટને ઉત્તરાખંડના તમામ રિસોર્ટની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે જે રિસોર્ટ ગેરકાયદે બની ગયા છે અથવા ગેરકાયદેસર રીતે કાર્યરત છે તેમની સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવા જોઈએ.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યભરની હોટલ, રિસોર્ટ, ગેસ્ટ હાઉસના કર્મચારીઓને તેમની સ્થિતિ વિશે માહિતી આપવા જણાવ્યું છે અને તેમને લગતી ફરિયાદોને ગંભીરતાથી લેવા આદેશ આપ્યો છે.
પુલકિત પૂર્વ રાજ્ય મંત્રીનો પુત્ર-
પોલીસે અંકિતાની હત્યાના સંબંધમાં રિસોર્ટના માલિક પુલકિત આર્ય, મેનેજર સૌરભ ભાસ્કર અને અંકિત ઉર્ફે પુલકિત ગુપ્તાની ધરપકડ કરી છે. તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ 302, 201, 120-બી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હત્યાનો મુખ્ય આરોપી પુલકિત આર્ય રાજ્યના પૂર્વ મંત્રી વિનોદ આર્યનો પુત્ર છે.
હાલમાં, વિનોદ આર્ય ભાજપ ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય છે અને યુપીના સહ-પ્રભારી પણ છે. તેઓ ભૂતકાળમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના બીજા પુત્ર અંકિતને રાજ્યમંત્રીનો દરજ્જો મળ્યો છે. તેઓ હાલમાં રાજ્ય પછાત આયોગમાં ઉપાધ્યક્ષ છે. વિનોદ આર્યએ પુત્ર પરના આરોપોને જૂઠાણા ગણાવ્યા છે. લોકડાઉન દરમિયાન પણ પુલકિત આર્ય વિવાદોમાં આવ્યો હતો. ત્યારપછી ઉત્તર પ્રદેશના વિવાદાસ્પદ નેતા અમરમણિ ત્રિપાઠીની સાથે તેઓ ઉત્તરકાશીના પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચ્યા. અમરમણિ ત્રિપાઠી પર કવિ મધુમિતા શુક્લાની હત્યાનો આરોપ છે. આ કેસમાં અમરમણિ ત્રિપાઠી 14 વર્ષથી જેલમાં છે.
ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીના કપડા ફાડી નાખ્યા, મારપીટ કરી-
અંકિતા ભંડારીના મોતને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સમાંથી માહિતી એકત્ર કર્યા બાદ પોલીસ જ્યારે ત્રણેય આરોપીઓને જીપમાં પોલીસ સ્ટેશન લઈ જતી હતી ત્યારે ટોળાએ જીપને રોકી હતી. ટોળાએ આરોપીઓને જોરદાર માર માર્યો હતો. તેમજ તેમના કપડા ફાડી નાખ્યા. આ સાથે જ લોકોએ પુલકિતના રિસોર્ટમાં પણ તોડફોડ કરી છે.
અંકિતાએ અમને ધમકી આપતા અમે તેને કેનાલમાં ધકેલી દીધી-
પોલીસે જણાવ્યું કે 18 સપ્ટેમ્બરની સાંજે રિસોર્ટમાં પુલકિત અને અંકિતા વચ્ચે ઝઘડો થયો હતો. પુલકિતે કહ્યું કે અંકિતા ગુસ્સામાં છે, તેના લઈને ઋષિકેશ જઈએ. એક આરોપી સૌરભ ભાસ્કરે જણાવ્યું કે તમામ લોકો બેરેજ થઈને એઈમ્સ પહોંચ્યા. પરત ફરતી વખતે અંકિતા અને પુલકિત સ્કૂટી પર હતા. હું અને અંકિત સાથે આવ્યા. જ્યારે અમે બેરેજ પોસ્ટથી લગભગ 1.5 કિમી દૂર પહોંચ્યા ત્યારે પુલકિત અંધારામાં થંભી ગયો. અમે પણ અટકી ગયા.
સૌરભે પોલીસને જણાવ્યું કે અમે ત્યાં રોકાયા અને દારૂ પીવા લાગ્યા. આ દરમિયાન અંકિતા અને પુલકિત વચ્ચે ફરી ઝઘડો થયો હતો. અંકિતા અમને તેના સાથીદારોમાં બદનામ કરતી હતી. અમે અમારા મિત્રોને કહેતા હતા કે અમે તેને ગ્રાહક સાથે સંબંધ બાંધવા માટે કહીએ છીએ. અંકિતાએ કહેવાનું શરૂ કર્યું કે તે રિસોર્ટની વાસ્તવિકતા બધાને જણાવીશ અને તેણે પુલકિતનો મોબાઈલ કેનાલમાં ફેંકી દીધો. અંકિતા અમારી સાથે હાથાપાઈ કરવા લાગી. જેનો ગુસ્સો આવતા અમે અંકિતાને કેનાલમાં ધકેલી દીધી.