વાજપેયી : જ્યારે આખા રાષ્ટ્રએ છોડી દીધો સાથ ત્યારે ગુજરાતે બનાવ્યા હતા નાથ
જ્યારે સમગ્ર દેશમાં આવેલા કોંગ્રેસના પ્રચંડ પુરમાં કમળ તણાઇ ગયું હતું ત્યારે ગુજરાતના મહેસાણાએ અટલ બિહારી વાજેપયીનાં નેતૃત્વને જીતાડ્યું હતું
અમદાવાદ : આજે ભાજપ દેશનો સૌથી મોટો પક્ષ બની ચુક્યો છે. ભાજપ ન માત્ર દેશનાં સ્પષ્ટ બહુમતીવાળી કેન્દ્રમા સરકાર ધરાવે છે પરંતુ સાથે સાથે દેશનાં 85 ટકા હિસ્સામાં પણ તેની જ સરકાર ચાલી રહી છે. જો કે ભાજપનો એક સમય એવો પણ હતો જ્યારે ભાજપની લોકસભા ચૂંટણી સમયે એટલી ખસ્તા હાલત હતી કે તેની માત્ર બે સીટો જ આવી હતી. અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વમાં લડાયેલ આ ચૂંટણીમાં ભાજપ માત્ર બે સીટો જ જીતી શક્યું હતું.
સમય હતો 1984નો જ્યારે ઇંદિરા ગાંધીની હત્યા થઇ ગઇ હતી. જેના કારણે કોંગ્રેસનું પલડું ભારે હતું. ઇંદિરા ગાંધીની હત્યાના કારણે રાજીવ ગાંધી અને કોંગ્રેસ પ્રત્યે લોકોની સહાનુભુતી વધી ગઇ હતી. સમગ્ર દેશમાં કોંગ્રેસનું પ્રચંડ મોજુ ફરી વળ્યું હતું. ત્યારે ભાજપને પોતાનું અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ થઇ ગયું હતું. જો કે આવા કપરા સમયમાં પણ ભાજપનો સાથ નિભાવ્યો હતો આપણા ગુજરાતનાં મહેસાણાએ. ઇંદિરા ગાંધીની સહાનુભુતી અને રાજીવ ગાંધીની જાદુઇ ભાષણની અસર મહેસાણા પર થઇ નહોતી.
ભાજપના એમપી બે સ્થળે જીત્યા હતા. એક મહેસાણામાં ડોક્ટર એ.કે પટેલ અને બીજા હતા ચંદુપાટલા જંગા રેડ્ડી, હનામકોડા આંધ્રપ્રદેશમાં. પરિસ્થિતી એટલે સુધી હતી કે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી સહિતનાં દિગ્ગજ નેતાઓ પણ હારી ચુક્યા હતા. ત્યારે ભાજપની અને અટલબિહારી વાજપેયીની આબરૂ ગુજરાતે સાચવી હતી.