રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોના વાહનો પર હવે જોવા મળશે નંબર પ્લેટ
નિર્ણયમાં કહેવામાં આવ્યું કે, તમામ ગાડીઓ પર સ્પષ્ટ રૂપથી રજીસ્ટ્રેશન નંબર પ્રદર્શિત કરવામાં આવે.
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે ભારતના ઉચ્ચ બંધારણીય પદાધિકારીઓ જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને લેફ્ટિનેન્ટ ગવર્નરની ગાડીઓમાં પણ નંબર પ્લેટ ફરજીયાત કરી દીધી છે. હવે તમને આ ગાડીઓમાં જલ્દી રજીસ્ટ્રેશન નંબર જોવા મળી શકે છે.
દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, ભારતના ઉચ્ચ બંધારણીય પદાધિકારીઓ જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને લેફ્ટિનેન્ટ ગવર્નરની ગાડીઓનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવે. નિર્ણયમાં કહેવામાં આવ્યું કે, તમામ ગાડીઓ પર સ્પષ્ટ રૂપથી રજીસ્ટ્રેશન નંબર પ્રદર્શિત કરવામાં આવે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી દિલ્હી હાઈકોર્ટમાં એક એફિડેવિડ દાખલ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે મંત્રાલયે સંબંધિત સત્તાધિશોને તેના વાહનોમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે પત્ર લખ્યો છે. હવે દિલ્હી હાઈકોર્ટે આ મામલામાં નિર્ણય આપીને તેની ગાડીઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દીધું છે.
મહત્વનું છે કે, એક એનજીઓ ન્યાયભૂમિએ આ સંબંધમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે રજીસ્ટ્રેશન નંબરની જગ્યાએ ચાર સિંહવાળા રાજકીય પ્રતીકને પ્રદર્શિત કરનારી ગાડીઓ પર સહજ ધ્યાન જતું રહે છે અને તેને આતંકવાદી અને ખોટો ઈરાદો રાખનાર કોઇપણ સરળતાથી નિશાન બનાવી શકે છે.