રાયપુરઃ મંગળવારે છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં થયેલા નકસલવાદી હુમલામાં દૂરદર્શનના એક કર્મચારીનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, હુમલાની આ ઘટના દરમિયાન તેણે એક માતાને સંબોધન કરતો એક વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો ક્લીપમાં મોરમુકુટ શર્મા બોલે છે, "મમ્મુ, હું તને પ્રેમ કરું છું. કદાચ આ હુમલામાં મારું મોત પણ થઈ જશે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીડી ન્યૂઝમાં લાઈટનિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા 35 વર્ષના મોરમુકુટ શર્મા અને તેના સાથી કર્મચારી પત્રકાર ધીરજ કુમારનો મંગળવારે છત્તીસગઢમાં થયેલા નકસવાદી હુમલામાં ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, તેમના અન્ય સાથી કર્મચારી કેમેરામેન અચ્યુતાનંદ સાહુનું ગોળીઓ વાગવાને કારણે મોત થઈ ગયું હતું. 


દૂરદ્રશન ન્યૂઝ દ્વારા આ વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું કે, "તેને એમ લાગ્યું કે હવે અંતિમ ક્ષણો આવી ગઈ છે. પરંતુ તે બચી ગયો.... ડીડી ન્યૂઝના વીડિયો જર્નાલિસ્ટ મોરમુકુટ શર્માએ દાંતેવાડમાં જ્યારે નકસલવાદી હુમલો ચાલી રહ્યો હતો ત્યારે ઘણી જ હિંમત દાખવી હતી. તેમની આ હિંમતને સલામ અને મૃત્યુ સામે દેખાતું હોવા છતાં પણ જે કવરેજ તેમણે કર્યું છે તે પ્રશંસનીય છે."


(અહીં આપેલા વીડિયોમાં કેટલાક દૃશ્યો દર્દનાક છે.)



દિલ્હીથી ડીડી ન્યૂઝના ત્રણ સભ્યોની ટીમ આગામી મહિને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું કવરેજ કરવા આવ્યા હતા. 


જમીન ઉપર આડા પડીને ઉતારેલા આ વીડિયોમાં શર્મા બોલી રહ્યા છે કે, "દાંતેવાડા જિલ્લામાં નકસલવાદી હુમલો થયો છે. અમે અહીં ઈલેક્શનનું કવરેજ કરવા આવ્યા હતા. અમે આર્મીની સુરક્ષામાં રોડ પર ઉતરીને ચાલી રહ્યા હતા ત્યાં જ અચાનક નકસલવાદીઓ આવી ચડ્યા હતા."


ગોળીઓની ધણધણાટી વચ્ચે આ મીડિયાપર્સન એવું બોલતો સંભળાય છે કે, "અમે ચારેય બાજુથી ઘેરાઈ ગયા છીએ. આ પરિસ્થિતિમાં અમારું જીવતા બચવું મુશ્કેલ લાગી રહ્યું છે. અમારી સાથે માત્ર 6-7 લશ્કરી જવાન છે."


પોતાની માતાને સંબોધીને કરેલા એક વીડિયો સંદેશામાં તે બોલી રહ્યો છે, "મમ્મી, જો હું બચી જઈશ તો ઈશ્વરનો આભારી રહીશ. મમ્મી, હું તને ખુબ જ પ્રેમ કરું છું. કદાચ આ હુમલામાં મારું મોત પણ થઈ જશે. સ્થિતિ સારી નથી. કોણ જાણે કેમ, આજે જ્યારે મોત સામે છે ત્યારે મને જરા પણ ડર નથી લાગી રહ્યો."


પોલીસના જણાવ્યા અનુસાર, "છત્તીસગઢની રાજધાની રાયપુરથી 450 કિમી દૂર નિલવાયા ગામમાં આ હુમલો થયો હતો. આ લોકો નિલાવાયા ગામમાં જઈ રહ્યા હતા જ્યાં છેલ્લા 20 વર્ષથી કોઈએ વોટ નાખ્યો નથી. દૂરદર્શનની ટીમ પોલીસ સભ્યો સાથે 8 મોટરસાઈકલ પર આ ગામ તરફ જઈ રહી હતી."


મંગળવારે ડીડીના પત્રકાર ધીરજ કુમારે જણાવ્યું કે, "તેઓ જ્યારે નિલાવાયા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે લગભગ સવારે 10 વાગે તેમનો કેમેરામેન સાહુ જે આજુ-બાજુના દૃશ્યો કેમેરામાં કેદ કરી રહ્યો હતો તે અચાનક જ બાઈક પરથી જમીન પર ઢળી પડ્યો અને તેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું."


તેણે વધુમાં જણાવ્યું કે, "તેઓ સમજી ગયા કે જંગલમાંથી જોરદાર ગોળીબાર થઈ રહ્યો છે. મેં સડક પર કૂદકો મારી દીધો અને સીધો જ સડકની બાજુમાં ઝાડીમાં છુપાઈ ગયો. શર્મા પણ મારી પાછળ જ આવી ગયો હતો."