ચૂંટણી 2019: પાંચમા તબક્કામાં એક ટકો મતદાન વધ્યું, અનંતનાગમાં સૌથી ઓછું મતદાન
લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કામાં 51 બેઠકો પર થયેલા મતદાનમાં ગત ચૂંટણીની સરખામણીમાં લગભગ એક ટકા મતદાનનો વધારો થયો છે. ડેપ્યુટી ઈલેક્શન કમિશનર સંદીપ સક્સેનાએ જણાવ્યું કે સાત રાજ્યોની 51 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ 62.56 ટકા મતદાન થયું.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કામાં 51 બેઠકો પર થયેલા મતદાનમાં ગત ચૂંટણીની સરખામણીમાં લગભગ એક ટકા મતદાનનો વધારો થયો છે. ડેપ્યુટી ઈલેક્શન કમિશનર સંદીપ સક્સેનાએ જણાવ્યું કે સાત રાજ્યોની 51 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ 62.56 ટકા મતદાન થયું. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં આ સીટો પર 61.75 ટકા મતદાન થયું હતું. જો કે આ તબક્કામાં છેલ્લા ચાર તબક્કાની સરખામણીમાં સૌથી ઓછું મતદાન થયું.
તેમણે છેલ્લા ચાર તબક્કાના મતદાન સંબંધિત પ્રાપ્ત આંકડાના આધારે જણાવ્યું કે પહેલા તબક્કામાં 69.50 ટકા, બીજા તબક્કામાં 69.44 ટકા, ત્રીજા તબક્કામાં 68.40 ટકા અને ચોથા તબક્કામાં 65.51 ટકા મતદાન થયું હતું. સક્સેનાએ જણાવ્યું કે ઝારખંડ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર તથા પશ્ચિમ બંગાળમાં મતદાનમાં રોડા નાખવાની છૂટી છવાઈ ઘટનાઓને છોડીને તમામ જગ્યાઓ પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું. તેમણે જણાવ્યું કે પાંચમા તબક્કામાં ઉત્તર પ્રદેશ, અને બિહારમાં મતદાનનું સ્તર ગત ચૂંટણીની સરખામણીમાં વધ્યું છે.
VIDEO: PM મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો, દમ હોય તો બોફોર્સના આરોપી પીએમના નામ પર લડો ચૂંટણી
યુપીની 14 બેઠકો પર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 57.33 ટકા મતદાન નોંધાયું. ગત ચૂંટણીમાં આ બેઠકો પર 56.92 ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રેદશમાં લખનઉથી ગૃહમંત્રી રાજનાથ સિંહ, અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તથા રાયબરેલીથી યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી મેદાનમાં છે. રાજ્યની જે અન્ય બેઠકો માટે પાંચમા તબક્કામાં મતદાન થયું તેમાં ધૌરહરા, સીતાપુર, મોહનલાલગંજ, બાંદા, ફતેહપુર, કૌસંબી, બારાબંકી, ફૈઝાબાદ, બહરાઈચ, કૈસરગંજ, અને ગોંડા સામેલ છે.
આ ઉપરાંત બિહારમાં પાંચ બેઠકો (હાજીપુર, મુઝફ્ફરપુર, મધુબની, સીતામઢી, અને સારણ) પર સાંજે 6 વાગ્યા સુધીમાં 57.86 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠકો પર 2014માં 55.69 ટકા મતદાન થયું હતું. ભાજપના વરિષ્ઠ નેતા રાજીવપ્રતાપ રૂડી સારણથી અને બિહાર સરકારમાં મંત્રી પશુપતિકુમાર પારસ લોજપાની ટિકિટ પર હાજીપુરથી ચૂંટણીના મેદાનમાં છે.
જુઓ LIVE TV