એક `ચા વેચનાર` ભારતના વડાપ્રધાન બની શક્યા, તે પંડિત નહેરુના કારણે શક્ય બન્યું: શશિ થરૂર
પંડિત જવાહરલાલ નહેરુને એક અમેરિકી સંપાદક નોર્મન કજિન્સે જ્યારે પૂછ્યું કે દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે તેઓ પોતાની કઈ વિરાસત છોડીને જશે તો તેમણે જવાબ આપ્યો કે 33 કરોડ લોકો પોતે જાતે જ પોતાનું શાસન કરવામાં સક્ષમ હશે.
નવી દિલ્હી: પંડિત જવાહરલાલ નહેરુને એક અમેરિકી સંપાદક નોર્મન કજિન્સે જ્યારે પૂછ્યું કે દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે તેઓ પોતાની કઈ વિરાસત છોડીને જશે તો તેમણે જવાબ આપ્યો કે 33 કરોડ લોકો પોતે જાતે જ પોતાનું શાસન કરવામાં સક્ષમ હશે. જો કે ઉપનિવેશકના સમયગાળા બાદના દેશોમાં અનેક હીરો તેની વિરુદ્ધ દિશામાં ગયાં. તેમણે લોકતાંત્રક ઢબે ચૂટાયેલા હીરો તરીકે સફર શરૂ કરી પરંતુ ત્યારબાદ તેઓ એકાધિકારવાદી દિશામાં આગળ વધ્યાં પરંતુ નહેરુ ક્યારેય તે જાળમાં પડ્યાં નહીં. પંડિત નહેરુની 129મી જયંતીની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના પુસ્તક 'નહેરુ: ધ ઈન્વેન્શન ઓફ ઈન્ડિયા'નું પુર્નવિમોચન થયું. આ અવસરે થરૂરે પોતાના પુસ્તકનો એક કિસ્સો શેર કર્યો. તિરુઅનંતપુરમથી સાંસદ એવા શશિ થરૂરે આ અવસરે કહ્યું કે લોકતાંત્રિક સંસ્થાઓને તેમણે મજબુત કરી અને હંમેશા રચનાત્મક ટીકાઓને પ્રોત્સાહિત કરી. આ કડીમાં તેમણે કહ્યું કે "આ કારણે જો આજે એક ચાવાળો દેશના વડાપ્રધાન બની શક્યા તો એવું એટલા માટે શક્ય બન્યું કારણ કે પંડિત નહેરુએ એવી સંસ્થાગત સંરચનાઓનું નિર્માણ કર્યું. જેના કારણે કોઈ પણ ભારતીય દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે છે."
આ સાથે જ થરૂરે કહ્યું કે નહેરુએ હંમેશા પોતાના એ વિચારોને આગળ રાખ્યાં જેમાં દેશ કોઈ વ્યક્તિ કરતા મહત્વપૂર્ણ છે અને સંસ્થાઓનું સન્માન થવું જોઈએ. તેમણે કહ્યું કે આજે જો દેશમાં લોકતંત્ર જળવાયું છે તો તેમાં દેશના સર્વપ્રથમ વડાપ્રધાનનું સૌથી મહત્વનું યોગદાન છે.
નેહરૂએ જે લોકશાહીના મુલ્યો આગળ વધાર્યા, આજે તેને પડકારાઇ રહ્યા છે: સોનિયા ગાંધી
નહેરુની ટીકા કરનારાઓને આડે હાથ લેતા થરૂરે કહ્યું કે નહેરુએ દેશને આઈઆઈટી, આઈઆઈએમ, ઈસરો, ડીઆરડીઓ અને અનેક મહત્વની સંસ્થાઓ આપી અને દેશના વિકાસમાં મજબુત પાયો નાખ્યો. લોકોએ આઝાદીના સમયના ભારતની સ્થિતિ અંગે જાણવું જોઈએ, ત્યારબાદ તેમને ખબર પડશે કે નહેરુએ ભારતને કઈ રીતે વિકાસના પથ પર આગળ વધાર્યો.
નહેરુની વિરાસતને ઓછી કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે-સોનિયા ગાંધી
આ અવસરે કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધીએ પણ નરેન્દ્ર મોદી સરકાર પર પરોક્ષ હુમલો કર્યો અને આરોપ લગાવ્યો હતો કે હાલના સમયમાં સરકારમાં બેઠેલા લોકો દ્વારા નહેરુની લોકતાંત્રિક મૂલ્યોના સન્માનવાળી વિરાસતને ઓછી કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. આધુનિક ભારતના નિર્માણમાં દેશના પ્રથમ વડાપ્રધાનના યોગદાનને યાદ કરતા સોનિયાએ એમ પણ કહ્યું કે નહેરુએ જે લોકતાંત્રિક મૂલ્યોને આગળ વધાર્યાં, આજે તેને પડકારવામાં આવી રહ્યાં છે.
સોનિયાએ કહ્યું કે "વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નહેરુએ લોકતંત્રને મજબુત કર્યું અને ભારતની રાજનીતિક વ્યવસ્થાને સમૃદ્ધ બનાવવાનું પણ કામ કર્યું. આજે આપણે આ જ મૂલ્યો પર ગર્વ કરીએ છીએ." તેમણે કહ્યું કે "નહેરુવાદના મુખ્ય સ્તંભો તરીકે શશિ થરૂર (કોંગ્રેસ સાંસદ)એ કેટલાક મૂલ્યોનો ઉલ્લેખ કર્યો છે. તે મૂલ્યો છે- લોકતાંત્રિક સંસ્થાઓનું નિર્માણ, ભારતીય ધર્મનિરપેક્ષતા, સમાજવાદી આર્થિક વ્યવસ્થા, જૂથ નિરપેક્ષતાની વિદેશ નીતિ, આ મૂલ્ય ભારતીયતાના દ્રષ્ટિકોણનો અભિન્ન હિસ્સો છે અને આજે આ જ મૂલ્યોને પડકારવામાં આવી રહ્યાં છે."
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...