Weather Update, IMD Prediction, Monsoon: દેશમાં ચોમાસાના આગમનની કાગડોળે રાહ જોવાઇ રહી છે. ત્યારે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કેરળમાં આજે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી સચોટ સાબિત થઈ છે. આજે 29મી મેના રોજ ચોમાસાએ કેરળમાં પ્રવેશ કર્યો છે. IMD અનુસાર, કેરળમાં સામાન્ય સમય કરતાં 3 દિવસ પહેલા ચોમાસાએ દસ્તક આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે આગામી દિવસોમાં કેરળના બાકીના ભાગોની સાથે સાથે કોસ્ટલ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની સિસ્ટમ આગળ વધશે. જણાવી દઈએ કે, હવામાન વિભાગે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન 'આસાની'ની અસરને કારણે આ વખતે ચોમાસું સમય પહેલા કેરળ પહોંચી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસું 16 મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચ્યું હતું, તે સમય કરતાં ઘણું આગળ હતું અને ચક્રવાતની બાકી રહેલી અસરને કારણે, તે આગળ વધવાની ધારણા હતી. ચોમાસાની એન્ટ્રી સાથે, હવામાન વિભાગે કેરળમાં 29 મેથી 1 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે, 30 મેના રોજ લક્ષદ્વીપમાં ભારે વરસાદ થઈ શકે છે.


અગાઉ એવી આગાહી કરવામાં આવી હતી કે 27થી 30 મેના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પહોંચશે પરંતુ પાછળથી હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસું 1 જૂન સુધીમાં કેરળમાં પહોંચી શકે છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી બાજુ દેશના અલગ અલગ ભાગોમાં વાવાઝોડું અને તોફાનની સ્થિતિ છે. જ્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે દેશમાં વાતાવરણે મિઝાજ બદલતા આજે આ જાહેરાત કરાઈ છે.


હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, સમગ્ર માલદીવ અને લક્ષદ્વીપ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. જો વાત દેશની રાજધાની દિલ્હીની કરીએ તો, આજે 29 મેના રોજ હળવા વાદળો છવાયેલા રહી શકે છે. જોકે, સૌથી વધુ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી સંભાવના છે. દિલ્હીમાં આજે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહી શકે છે. જ્યારે 30 મેના રોજ (આવતીકાલે) દિલ્હીમાં હળવો વરસાદ વરસી શકે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube