Lal Bahadur Shastri Death Anniversay: જ્યારે પીએમ રહેતાં કાર ખરીદવા માટે લાલ બહાદુર શાસ્ત્રીએ પંજાબ નેશનલ બેંકમાંથી લીધી હતી લોન
Lal Bahadur Shastri: લાલ બહાદુર શાસ્ત્રીએ દેશના સ્વતંત્રતા આંદોલન અને ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
નવી દિલ્હી: 11 જાન્યુઆરી એટલે દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ. તેમણે દેશના સ્વતંત્રતા આંદોલન અને ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમાં મુખ્ય રીતે 1921નું અસહયોગ આંદોલન, 1930ની દાંડી માર્ચ અને 1942નું ભારત છોડો આંદોલન મુખ્ય છે. શાસ્ત્રીએ જ દેશને જય જવાન, જય કિસાનનો નારો આપ્યો હતો. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં 2 ઓક્ટોબર 1904માં શારદા પ્રસાદ અને રામદુલારી દેવીના ઘરે થયો હતો. જ્યારે 11 જાન્યુઆરી 1966માં ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં પાકિસ્તાન સાથે એક સમજૂતી પછી તેમનું અવસાન થયું હતું. તે પહેલાં વ્યક્તિ હતા જેમને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પુણ્યતિથિ પર આવો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલ 10 રોચક તથ્ય.
1. શાસ્ત્રીજીના પિતા બાળપણમાં જ મોત થયું હતું. જેના પછી તે પોતાની માતાની સાથે નાનાને ત્યાં મિર્ઝાપુર ચાલ્યા ગયા. અહીંયા જ તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. તેમણે વિષમ પરિસ્થિતિમાં શિક્ષણ મેળવ્યું. કહેવામાં આવે છે કે તે નદી તરીને રોજ સ્કૂલ જતા હતા. કેમ કે તે સમયે બહુ ઓછા ગામમાં સ્કૂલ હતી.
2. શાસ્ત્રીજીની અંદર જાતિ વ્યવસ્થાને લઈને બાળપણથી જ ગુસ્સો હતો. જેના કારણે તેમણે માત્ર 12 વર્ષની ઉંમરમાં ઉપનામ શ્રીવાસ્તવ છોડી દીધું. કાશી વિદ્યાપીઠથી સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમને શાસ્ત્રીની ઉપાધિ આપવામાં આવી, જેનો અર્થ છે વિદ્વાન.
3. આઝાદી પછી તે 1951માં નવી દિલ્લી આવી ગયા અને કેન્દ્રીય મંત્રીમંડળના અનેક વિભાગનો પ્રભાર સંભાળ્યો. તે રેલવેમંત્રી, પરિવહન અને સંચાર મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ગૃહમંત્રી અને નેહરૂજીની બીમારી દરમિયાન કાર્યભાર પણ સંભાળ્યો હતો.
4. દેશ આઝાદ થયા પછી તે પોલીસ અને પરિવહન મંત્રી બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન પહેલીવાર મહિલા કંડક્ટરોની નિમણૂંક કરવામાં આવી. તેમણે જ અનિયંત્રિત ભીડને વિખેરવા માટે પોલીસને લાકડીઓની જગ્યાએ પાણીના જેટના ઉપયોગનું સૂચન કર્યું હતું.
5. 1952માં તે રેલ મંત્રી બન્યા પરંતુ 1956માં તમિલનાડુમાં રેલ દુર્ઘટનામાં લગભગ 150 મુસાફરોની મોત પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ દૂધના ઉત્પાદન અને પુરવઠાને વધારવાના મહત્વને રેખાંકિત કરતાં શ્વેત ક્રાંતિને સમર્થન આપ્યું. સાથે જ ભારતના ખાદ્ય ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે હરિત ક્રાંતિને સમર્થન આપ્યું.
6. લાલ બહાદુર શાસ્ત્રીના પ્રધાનમંત્રી બન્યા પછી 1965માં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થયું. જેમાં શાસ્ત્રીજીએ વિષમ પરિસ્થિતિઓમાં દેશને સંભાળ્યો. સેનાના જવાનો અને ખેડૂતોનું મહત્વ વધારતાં જય જવાન, જય કિસાનનો નારો પણ આપ્યો.
7. સત્તાવાર ઉપયોગ માટે તેમની પાસે શેવરલે ઈમ્પાલા કાર હતી. એકવાર તેમના પુત્રે ડ્રાઈવ માટે કારનો ઉપયોગ કર્યો. જ્યારે શાસ્ત્રીજીને તેના વિશે માહિતી મળી ત્યારે તેમણે પોતાના ડ્રાઈવરને પૈસા આપતાં કહ્યું કે કારનો ઉપયોગ ખાનગી કાર્ય માટે જેટલું અંતર કાપવામાં આવ્યું તેટલો ખર્ચ સરકારી ખાતામાં જમા કરાવી દો.
8. જ્યારે તેઓ પ્રધાનમંત્રી હતા ત્યારે તેમના પરિવારે તેમને એક કાર ખરીદવા માટે કહ્યું હતું. તેમણે જે ફિયાટ કાર ખરીદી તે 12,000 રૂપિયાની હતી. તેમના ખાતામાં માત્ર 7000 રૂપિયા જ હતા. આથી તેમણે પંજાબ નેશનલ બેંકમાંથી 5000 રૂપિયાની લોન માટે અરજી કરી. કારને આજે પણ નવી દિલ્લીના શાસ્ત્રી મેમોરિયલમાં રાખવામાં આવી છે.
9. ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન દેશમાં અન્નની અછત આવી. આ સંકટ સમયે લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાનો પગાર લેવાનું બંધ કરી દીધું અને તેમણે દેશના લોકોને અપીલ કરી કે તે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ રાખે. તેમની અપીલ પર સોમવારે સાંજે ભોજનાલયોના શટર બંધ કરવામાં આવ્યા. પછી લોકોએ તેને શાસ્ત્રી વ્રત કહેવાનું શરૂ કરી દીધું.
10. લાલ બહાદુર શાસ્ત્રીજીએ 10 જાન્યુઆરી 1966માં તાશ્કંદમાં પાકિસ્તાનની સાથે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. માત્ર 12 કલાક પછી એટલે કે 11 જાન્યુઆરીએ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુને આજે પણ શંકાસ્પદ અને રહસ્યમયી માનવામાં આવે છે. તે મરણોપરાંત ભારતના સર્વોચ્ય સન્માન પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત થનારા પહેલા વ્યક્તિ હતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube