કોણ જીતશે તેલંગાણાનો જંગ? તેલંગાણાની 119 બેઠકો પર 30મી નવેમ્બરે મતદાન
Telangana Vidhan Sabha Chunav: તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો સમય આવી ગયો છે. આવતીકાલ એટલે કે 30 નવેમ્બરે મતદાન થશે. મતદાન માટે ચૂંટણી પ્રચાર અભિયાન 28 નવેમ્બર એટલે કે મંગળવારે સમાપ્ત થઈ ગયો હતો. મતદાન બાદ 3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થશે.
હૈદરાબાદઃ ગુરુવારે તેલંગણા વિધાનસભાની ચૂંટણી સાથે પાંચ રાજ્યોનો ચૂંટણી જંગ પૂરો થશે. આ જંગમાં ભાજપ અને બીઆરએસે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી. એક બેઠકથી આગળ વધીને પોતાનો વ્યાપ વધારવા ભાજપે આક્રમક પ્રચાર કર્યો, તો કોંગ્રેસે સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવ્યું છે. ત્યાર કેવા છે તેલંગણાના સમીકરણો, જોઈએ આ અહેવાલમાં...
તેલંગણામાં BRS સતત ત્રીજી વખત સત્તા પર આવે છે કે પછી સત્તા પરિવર્તન થાય છે, તેનો ફેંસલો થવાની ઘડી આવી ગઈ છે. બીઆરએસ સત્તા ટકાવવા માટે લડી રહી છે, તો ભાજપ અને કોંગ્રેસ સત્તા મેળવવા માટે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ભાજપ વતી પ્રચારની કમાન સંભાળી હતી, તો કોંગ્રેસ વતી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સભાઓ ગજવી.
119 બેઠકો ધરાવતી તેલંગણા વિધાનસભાના 2018ના પરિણામો જોઈએ તો BRSએ જ્યાં 88 બેઠકો જીતી હતી, ત્યાં કોંગ્રેસે 19, AIMIMએ સાત, ટીડીપીએ 2 અને ભાજપને ફાળે ફક્ત એક બેઠક આવી હતી. ભાજપને ભલે બેઠકો ન મળી, પણ તેનો વોટ શેર AIMIMની સરખામણીમાં અઢી ગણો અને ટીડીપી કરતા બમણો હતો.
આ પણ વાંચોઃ કુદરતી સૌંદર્ય વચ્ચે વસેલા ભારતના આ 15 સ્થળો દેશભરના પ્રવાસીઓની રહે છે પહેલી પસંદ
ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સુધર્યું અને પક્ષની બેઠકો એકથી વધીને ચાર થઈ હતી. જે સંયુક્ત આંધ્રપ્રદેશ કે તેલંગણાના ઇતિહાસમાં ભાજપ માટે સૌથી વધુ હતી. ભાજપે તેલંગણા વિધાનસભાની ચૂંટણીમાં જે આક્રમક પ્રચાર કર્યો છે, તે માટે 2024ની લોકસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં લેવાઈ છે.
2018ની વિધાનસભા ચૂંટણીમાં BRSનો વોટશેર જ્યાં 46.9 ટકા હતો, ત્યાં કોંગ્રેસનો વોટશેર બીજા ક્રમે 28.4 ટકા હતો. આ જ કારણ છે કે કોંગ્રેસે જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે..કોંગ્રેસને આશા છે કે આ વખતે તે ચંદ્રશેખર રાવની સરકારને ઉખાડી ફેંકશે...
તેલંગણામાં જે બેઠકો પર હાઈ પ્રોફાઈલ જંગ ખેલાવાનો છે તેમાં સૌથી ટોચ પર છે ગજવેલ બેઠક, જ્યાંથી BRSમાંથી ખુદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ મેદાનમાં છે, તો ભાજપમાંથી ઈટાલા રાજેન્દર મેદાનમાં છે, જે એક સમયે કેસીઆરના સાથી હતા. તો સામે કોંગ્રેસમાંથી થુમકુંતા નરસા રેડ્ડી મેદાનમાં છે.
હૈદરાબાદની ચંદ્રયાનગુટ્ટા બેઠક પણ હાઈ પ્રોફાઈલ છે, અહીં AIMIMમાંથી બે વર્તમાન ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી મેદાનમાં છે, તો ભાજપમાંથી કોવડી મહેન્દર, બીઆરએસમાંથી મુપ્પીડી સીથારામ રેડ્ડી અને કોંગ્રેસમાંથી બોયા નાગેશ મેદાનમાં છે. T ચંદ્રયાનગુટ્ટા પર અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીનની જીત નિશ્વિત મનાય છે.
આ પણ વાંચોઃ ભારતની 10 ઐતિહાસિક પ્રેમ કહાનીઓ.... જે આજે પણ અમર છે..!
ભાજપ પાસે તેલંગણામાં કોઈ મોટો ચહેરો નથી, કદાચ આ જ કારણ છે કે ભાજપે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને પક્ષના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. તેલંગણાની જનતા માટે ભાજપ, કોંગ્રેસ અને BRSએ વચનોનો પિટારો ખોલીને મૂકી દીધો છે.
BRSના વાયદાઓ પર નજર કરીએ તો, તેમાં રાજ્યના બજેટને 3 લાખ કરોડ સુધી લઈ જવું, 400 રૂપિયામાં ગેસ સિલિન્ડર, આરોગ્ય શ્રી યોજના હેઠળ 15 લાખ સુધીની સારવાર મફત, મહિલાઓને દર મહિને 3000 રૂપિયા, રાશનમાં ચોખાનો ક્વોટા વધારો અને ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાના જીવન વીમા જેવા વચનોનો સમાવેશ થાય છે.
તો સામે કોંગ્રેસની ગેરન્ટીઓમાં મફત અને રાહતોની વણઝાર છે. કોંગ્રેસે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, મહિલાઓને મફતમાં બસમાં મુસાફરી, 200 યુનિટ સુધી મફત વીજળી, હિંદુ યુવતીઓના લગ્ન માટે એક લાખ રૂપિયા અને 10 ગ્રામ સોનુ, લઘુમતિ સમુદાયની યુવતીઓના લગ્ન માટે 1 લાખ 60 હજાર રૂપિયાની મદદ, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર યુવતીઓને મફત સ્કૂટી, ખેડૂતોનું એક લાખ સુધીનું દેવું માફ અને 20 લાખ સુધીના વ્યાજમુક્ત ઋણનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ સાવધાન! આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું, આંધી-તોફાન સાથે વરસાદની આગાહી
તો આ તરફ ભાજપનો ચૂંટણી ઢંઢેરામાં મફત ઉપરાંત ધર્મ અને અનામતના મુદ્દાનો પણ સમાવેશ કરાયો છે. ભાજપે તેલંગણામાં ધર્મના આધારે લઘુમતિ સમદાયને અપાતી અનામત રદ કરવાનું અને સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું વચન આપ્યું છે. વરિષ્ઠ નાગરિકોને વિનામૂલ્યે અયોધ્યામાં રામલલાના દર્શન કરાવવાનું પણ ભાજપનું વચન છે. આ ઉપરાંત ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષે 4 ગેસ સિલિન્ડર મફત, નાના અને સીમાંત ખેડૂતને 2500 રૂપિયાની મદદ, કોલેજની વિદ્યાર્થિનીઓને મફતમાં લેપટોપ, જન્મના સમયે દિકરીઓના નામે 2 લાખ રૂપિયાની એફડી અને ઓબીસી સમુદાયમાંથી મુખ્યમંત્રીની પસંદગી જેવા વચનો ભાજપે તેલંગણાની જનતાને આપ્યા છે.
અહીં એ વાત પણ સમજવા જેવી કે કેસીઆર ન તો વિપક્ષના ગઠબંધનમાં સામેલ છે કે ન તો એનડીએમાં. જો કે કોંગ્રેસ ઘણી વાર એવા આક્ષેપ કરી ચૂકી છે કે કેસીઆર ભાજપની ટીમમાં છે...તો સામે ભાજપ એવો દાવો કરે છે કે કેસીઆર, MIM અને કોંગ્રેસ એક છે. ભાજપનો દાવો છે કે તેલંગણામાં તે 45 બેઠકો પર મજબૂત સ્થિતિમાં છે અને તેનો વોટશેર વધીને 30 ટકા થશે. કોના દાવામાં કેટલો દમ છે, એ ત્રીજી ડિસેમ્બરે સામે આવી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube