નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પગ મૂક્યો કે રાજકીય સમીકરણો બદલાવા લાગ્યાં છે. તેમણે પહેલી મેથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી છે. અને પહેલા જ દિવસે મંગળવારે ઉડુપીની રેલીમાં કટ્ટર વિરોધી જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના નેતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના અપ્રત્યાશીત રીતે વખાણ કરીને બધાને ચોંકાવી દીધા. કર્ણાટકમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ વચ્ચે છે. આવામાં જેડીએસ નેતાના વખાણથી આ બંને પક્ષો વચ્ચે ચૂંટણી બાદ તાલમેલની સંભાવનાના અટકળો થઈ રહી છે. ભૂતકાળમાં બંને પક્ષો ગઠબંધન કરી ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લીધા અને કહ્યું કે જેડીએસ સુપ્રીમો એચડી દેવગૌડાને અપમાનિત કરવા એ તેમનો 'અહંકાર' દર્શાવે છે. કર્ણાટકમાં ચૂંટણી રેલીમાં પૂર્વ વડાપ્રધાનના વખાણ કરતા મોદીએ કહ્યું કે દેવગૌડા સૌથી વધુ સન્માનિત અને કદાવર નેતાઓમાંના એક છે. જેમના માટે તેમના મનમાં ખુબ સન્માન છે.


રાહુલ ગાંધી પર કટાક્ષ
પીએમ મોદીએ કહ્યું કે "કોંગ્રેસ અધ્યક્ષે 15-20 દિવસ પહેલા રાજકીય રેલીમાં જે કહ્યું તે મેં સાંભળ્યું... જે રીતે તેમણે દેવગૌડાજી અંગે વાત કરી... શું આ તમારા સંસ્કાર છે? આ તો અહંકાર છે." વડાપ્રધાને કહ્યું કે "તમારુ જીવન (કોંગ્રેસ અધ્યશ્ર) તો હજુ શરૂ થયું છે. દેવગૌડા દેશના કદાવર નેતાઓમાંથી એક છે. તમે તેમનું અપમાન કરી રહ્યાં છો. "


મોદીએ રાહુલ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે "તમને શું લાગે છે. જો તેમનો મિજાજ આ પ્રકારનો છે... અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે.... આ તો જીવનની હજુ શરૂઆત જ છે... જો તમે અત્યારથી જ આમ કરો તો આવનારા દિવસોમાં કેટલા ખરાબ હશે તે તમને તમારી હરકતોથી ખબર પડી જશે". વડાપ્રધાને કહ્યું કે આવા અહંકારી નેતાઓ સાથે કોંગ્રેસ પાર્ટી લોકતંત્ર માટે એક 'મોટો ખતરો' છે.


પીએમ મોદીએ કહ્યું કે રાજકારણમાં મતભેદ હોઈ શકે છે પરંતુ સાર્વજનિક જીવનમાં મર્યાદા હોય છે. પ્રત્યેક વ્યક્તિનો પોતાનો અહંકાર હોઈ શકે છે પરંતુ સામાજિક જીવનમાં કેટલાક મૂલ્ય હોય છે. તેમણે પૂર્વ વડાપ્રધાનના વખાણ કરતા તેમને માટીનો લાલ, ખેડૂત પુત્ર ગણાવ્યાં. પીએમ મોદી, જિડીએસની મજબુત પકડવાળા વિસ્તારોમાં થયેલી રાહુલની રેલીઓના ભાષણ તરફ સંકેત કરી રહ્યાં હતાં. રાહુલે પોતાના સંબોધનમાં દેવગૌડા પર હુમલો કરતા તેમની પાર્ટીને ભાજપની 'બી ટીમ' ગણાવી હતી.


અમે કિંગમેકર નહીં, કિંગ બનીશું: એચડી કુમારસ્વામી
વડાપ્રધાનની આ ટિપ્પણી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે વિધાનસભા ચૂંટણીમાં ખંડિત જનાદેશ આવશે અને કોઈ પણ પાર્ટીને એકલા પોતાના દમ પર બહુમત મળશે નહીં. આવા રાજકીય સંકેતો વચ્ચે જેડીએસ નેતા અને દેવગૌડાના પુત્ર એચડી કુમારસ્વામીએ પહેલા દાવો કર્યો હતો કે ચૂંટણી બાદ તેઓ કિંગમેકર નહીં પરંતુ કિંગ બનશે.


ભાજપ અને જેડીએસ વચ્ચે ગુપ્ત સહમતિ: સીએમ સિદ્ધારમૈયા
કોંગ્રેસ નેતા અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એવો પણ દાવો કર્યો હતો કે  કુમારસ્વામીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેઓ એ પણ આરોપ  લગાવતા રહ્યાં છે કે ભાજપ અને જેડીએસ વચ્ચે રણનીતિક સહમતિ છે. જો કે જેડીએસએ તેનો ઈન્કાર કર્યો. જો કે કુમારસ્વામીના પિતા દેવગૌડા એક ચેનલને કહી ચૂક્યા છે કે જો તેમનો પુત્ર ભાજપ સાથે હાથ મીલાવશે તો તેઓ તેમની સાથે સંબંધ ખતમ કરી નાખશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકની 224 વિધાનસભા બેઠકો માટે 12મી મેના રોજ મતદાન થશે અને 15 મેના રોજ મતગણતરી હાથ ધરાશે.