Presidential Election 2022: વિપક્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિન્હાને બનાવ્યા ઉમેદવાર
દેશમાં 18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષે મળીને યશવંત સિન્હાને ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થવાનો છે. તે પહેલાં 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે. જ્યારે 21 જુલાઈએ મત ગણતરી હાથ ધરાશે. ત્યારે વિપક્ષી પાર્ટીઓની આજે મળેલી બેઠકમાં ટીએમસી નેતા યશવંત સિન્હાને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે યશવંત સિન્હા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સરકારમાં વિદેશ મંત્રી રહી ચુક્યા છે.
વિપક્ષની સંયુક્ત બેઠકમાં લેવાયો નિર્ણય
રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખી આજે દિલ્હીમાં વિપક્ષી પાર્ટીઓની એક સંયુક્ત બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચા બાદ યશવંત સિન્હાને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સિન્હાના નામની જાહેરાત કરી હતી.
આ પહેલા વિપક્ષે જે ત્રણ નામોને આગળ કર્યા હતા તેણે ઉમેદવાર બનવાનો ઇનકાર કરી દીધો હતો. તેમાં શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા અને ગોપાલકૃષ્ણ ગાંધીનું નામ સામેલ હતું. યશવંત સિન્હાએ પહેલા જ પાર્ટીમાંથી રાજીનામુ આપવાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે સમય આવી ગયો છે કે હવે એક મોટા રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે પાર્ટીથી હટીને વિપક્ષી એકતા માટે કામ કરે.
કોણ છે યશવંત સિન્હા
84 વર્ષીય યશવંત સિન્હાનો જન્મ પટનામાં થયો હતો. તેઓ હાલ ટીએમસી સાથે જોડાયેલા છે. મહત્વનું છે કે યશવંત સિન્હા પૂર્વ અમલદારશાહ છે અને તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાણા અને વિદેશ મંત્રી રહી ચુક્યા છે. યશવંત સિન્હાએ 21 એપ્રિલ 2018ના રોજ ભારતીય જનતા પાર્ટી છોડી દીધી હતી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube