Year Ender 2023 : નવા વર્ષ 2024ની શરૂઆત થવાની છે. આ વર્ષે લોકસભા ચૂંટણી પણ યોજાવાની છે. આ ચૂંટણીમાં તે નિર્ણય થવાનો છે કે દેશની જનતા પોતાનું નેતૃત્વ કોને સોંપે છે. 2024માં કોઈ ફેરફાર થશે, નવુ નેતૃત્વ સામે આવશે કે જનતા પાછલા કામકાજ પર મહોર લગાવશે? આ બધા સવાલોના જવાબ 2024ની ચૂંટણીમાં મળી જશે. પરંતુ આ લેખમાં આપણે વિતેલા વર્ષ પર એક નજર કરીશું. તે જાણવાનો પ્રયાસ કરીશું કે વર્ષ 2023માં દેશના કયાં નેતાઓ ચર્ચામાં રહ્યા. આ લેખમાં દેશના 5 નેતાઓની ચર્ચા કરીશું જે આ વર્ષે ચર્ચામાં રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની લોકપ્રિયતામાં સતત વધારો કરી રહ્યાં છે. આ વર્ષે જી-20 શિખર સંમેલનનું નવી દિલ્હીમાં સફળ આયોજન કરવામાં આવ્યું. તેની સફળતાએ વર્લ્ડ લીડર્સમાં પીએમ મોદીની એક અલગ ઓળખ બનાવી છે. તો આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોની યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ ત્રણ રાજ્યોમાં ભાજપને જીત મળી. આ જીતનો શ્રેય પ્રધાનમંત્રી મોદીના કરિશ્માઈ નેતૃત્વ અને વ્યક્તિત્વને આપવામાં આવી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં જ્યાં પાર્ટીએ પ્રચંડ બહુમત હાસિલ કરી પોતાની સત્તા જાળવી રાખી તો રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તામાંથી હટાવી દીધી. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ જીત ભાજપ માટે ખુબ મહત્વની છે. હાલમાં મોર્નિંગ કંસલ્ટના અપ્રૂવલ રેટિંગમાં નરેન્દ્ર મોદી અવ્વલ રહ્યાં. તે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. 


રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2023ના જાન્યુારીમાં પોતાની ભારત જોડો યાત્રાનું સમાપન કર્યું. સપ્ટેમ્બર 2022થી શરૂ થયેલી યાત્રા શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી. રાહુલે આ યાત્રાથી પ્રાપ્ત અનુભવને સંસદની કાર્યવાહી દરમિયાન શેર કર્યો હતો. આ સાથે તે પીએમ મોદી પર સીધો હુમલો કરતા રહ્યાં. ખાસ કરીને તેમણે ગૌતમ અદાણી મુદ્દે સરકારને સવાલો કર્યાં હતા. તો રાહુલ ગાંધીએ પોતાનું સંસદનું સભ્ય પદ ગુમાવવું પડ્યું જે તેને કોર્ટ દ્વારા પરત મળ્યું હતું. વર્ષના અંતમાં કોંગ્રેસને પાંચ રાજ્યોની ચૂંટણીમાં માત્ર તેલંગણામાં જીત મળી હતી. 


નીતીશ કુમાર
એક વાક્ય છે કે 'બિહારમાં બહાર અને નીતિશ કુમાર છે'. 2005થી બિહારમાં સત્તા પર રહેલા નીતીશ કુમાર આ વર્ષે પણ હેડલાઇન્સમાં રહ્યા હતા. ક્યારેક એનડીએ તો ક્યારેક મહાગઠબંધન... તેમની સતત બદલાતી નિષ્ઠાથી તેમની રાજકીય છબીને અસર થઈ છે. જો કે, નીતિશે 2024ની ચૂંટણી માટે મહાગઠબંધન બનાવવાની પહેલ 2022માં જ શરૂ કરી દીધી હતી, જ્યારે તેઓ એનડીએથી અલગ થયા હતા. જો કે હજુ સુધી તેમને એનડીએના સંયોજકનું પદ મળ્યું નથી. નીતીશ કુમારે બિહારમાં જાતિ વસ્તી ગણતરી કરી અને તેના પર દેશની રાજનીતિ કેન્દ્રિત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. પરંતુ બિહાર વિધાનસભામાં તેમણે જે રીતે વસ્તી નિયંત્રણ પર પોતાનું નિવેદન આપ્યું તેનાથી ભારે હોબાળો થયો અને બાદમાં તેમને માફી માંગવી પડી. આ પછી બીજા જ દિવસે તેઓ ગૃહમાં જીતનરામ માંઝી પર ગુસ્સે થઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા.


યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ વર્ષે ચર્ચામાં રહ્યાં. આ વર્ષે પણ તેમની બુલડોઝરની કાર્યવાહી જોવા મળી. ફેબ્રુઆરી 2023માં પ્રયાગરાજમાં થયેલા ઉમેશ પાલ હત્યાકાંડ બાદ વિધાનસભામાં તેમણે જે નિવેદન આપ્યું હતું, જેની ગૂંજ હજુ પણ સંભળાય છે. ઉમેશ પાલ હત્યાકાંડમાં માફિયા અતીક અહમદનું નામ સામે આવ્યું હતું. વિધાનસભામાં હંગામા દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે આ માફિયાને માટીમાં ભેળવી દેવાનું કામ સરકાર જરૂર કરશે. ધીમે ધીમે અતીક અને તેની ગેંગ પર સરકારે શિકંજો કસવાનું શરૂ કર્યું. ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ અતીકનો પુત્ર પોલીસ એનકાઉન્ટરમાં ઠાર થયો હતો. ત્યારબાદ પોલીસ કસ્ટડીમાં મેડિકલ તપાસ માટે લઈ જતા સમયે અતીક અહમદ અને તેના ભાઈ અશરફની પણ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.


અજીત પવાર
નેશનલ કોન્ફરન્સના નેતા અજિત પવારે તેમના રાજકીય માર્ગદર્શક અને કાકા સામે બળવો કર્યો અને NDAમાં જોડાયા અને મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી બન્યા. એટલું જ નહીં, તેમણે NCP પાર્ટી પર પણ દાવો કર્યો. એવું નથી કે અજિત પવારે પહેલીવાર બળવો કર્યો છે. 2019માં પણ અજિત પવારે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. તે સમયે દેવેન્દ્ર ફડણવીસે સીએમ તરીકે અને અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા પરંતુ પૂરતા ધારાસભ્યોનું સમર્થન ન મળવાને કારણે તેમણે પોતાના પગલા પાછા ખેંચવા પડ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube