4 વર્ષથી વધુ પણ 5 વર્ષથી ઓછો સમય નોકરી કરી હોય તો શું કર્મચારીને ગ્રેચ્યુઈટી મળે? ખાસ જાણો આ નિયમ
નોકરી કરતા દરેક વ્યક્તિએ ગ્રેચ્યુઈટી અંગેનો આ નિયમ જાણવો ખુબ જરૂરી છે. શું તમે કોઈ કંપનીમાં 4 વર્ષથી વધુ પણ 5 વર્ષથી ઓછો સમય કામ કર્યું હોય તો તમે ગ્રેચ્યુઈટી મળવા પાત્ર ગણાઓ ખરા? ખાસ જાણો.
ગ્રેચ્યુઈટીના નિયમો જાણવા ખુબ જરૂરી છે. જેમાં એક સીધો અને સાદો નિયમ એ છે કે કોઈ પણ કંપનીમાં તમે 5 વર્ષ સુધી નોકરી કરી હોય તો તમે તે સંસ્થામાંથી ગ્રેચ્યુઈટી મેળવવા માટે હકદાર બની જાઓ છો. ગ્રેચ્યુઈટી એક પ્રકારનો રિવોર્ડ છે જે કંપની પોતાના કર્મચારીઓને લોયલ્ટી સાથે લાંબા સમય સુધી અપાયેલી સેવાના બદલામાં આપે છે. પરંતુ જો કોઈ કર્મચારીએ 5 વર્ષમાં થોડો સમય બાકી હોય અને નોકરી છોડી હોય તો શું તે કંપની પાસેથી ગ્રેચ્યુઈટીની આશા રાખી શકે ખરા? જાણો આ અંગે શું કહે છે નિયમ...
શું છે આ અંગે નિયમ
ગ્રેચ્યુઈટી અંગે 5 વર્ષની નોકરીનો નિયમ છે પરંતુ જો કોઈ કર્મચારીએ કંપનીમાં 4 વર્ષ અને 8 મહિના કામ કર્યું હોય તો પણ તેને ગ્રેચ્યુઈટી માટે હકદાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં 4 વર્ષ 8 મહિનાનો સમયગાળો પૂરા 5 વર્ષનો માનવામાં આવે છે અને તેને 5 વર્ષ પ્રમાણે તેની ગ્રેચ્યુઈટીની રકમ આપવામાં આવે છે. પરંતુ જો તેણે 4 વર્ષ 8 મહિના કરતા ઓછો સમય કંપનીમાં કામ કર્યું હોય તો તેનો નોકરીનો ગાળો 4 વર્ષ જ ગણવામાં આવશે અને આવામાં તેને ગ્રેચ્યુઈટી મળશે નહીં. એટલે કે 4 વર્ષ અને 8 મહિના સુધી કામ કર્યા બાદ તમે ગ્રેચ્યુઈટી માટે હકદાર બનો છો.
નોટિસ પીરિયડ પણ કાઉન્ટ થાય
નોકરીના સમયગાળાને કાઉન્ટ કરતી વખતે કર્મચારીનો નોટિસ પીરિયડ પણ તેમાં કાઉન્ટ કરવામાં આવે છે. માની લો કે તમે કોઈ કંપનીમાં સાડા ચાર વર્ષ એટલે કે 4 વર્ષ અને 6 મહિના કામ કર્યું અને ત્યારબાદ રાજીનામું આપી દીધુ પરંતુ આ રાજીનામા બાદ બે મહિનાનો નોટિસ પીરિયડ સર્વ કર્યો. તો આવા સમયમાં તમારી નોકરીનો સમયગાળો 4 વર્ષ અને 8 મહિનાનો જ ગણાશે. આથી કંપનીમાં તમારા 5 વર્ષ પૂરા થયા એમ માનીને જ ગ્રેચ્યુઈટીની ગણતરી કરવામાં આવશે.
અપવાદ છે આ પરિસ્થિતિ, માન્ય નથી 5 વર્ષનો નિયમ
ગ્રેચ્યુઈટી એક્ટ 1972 મુજબ જો કોઈ કર્મચારીનું કોઈ અનહોનીમાં મોત થઈ જાય કે પછી કર્મચારી દિવ્યાંગ થઈ જાય અને ફરીથી કામ મેળવવામાં અસમર્થ રહે તો ગ્રેચ્યુઈટીની ચૂકવણી માટે તેના પર 5 વર્ષ કામ કરવાનો નિયમ લાગૂ થતો નથી. આવામાં નોમિની કે આશ્રિત વ્યક્તિને ગ્રેચ્યુઈટીની રકમ ચૂકવવામાં આવે છે. નોકરી જોઈન કરતી વખતે Form F ભરીને તમે ગ્રેચ્યુઈટીની રકમ માટે નોમિનીનું નામ નોંધાવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube