• નવોન્મેષ સંશોધનમાં ગુજરાતની હરણફાળ, છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના સંશોધકોના નામે થઈ ૯૫૨ પેટન્ટ 

  • ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન અમદાવાદના ૩૭૨ અને વડોદરાના ૧૪૬ વૈજ્ઞાનિકો, ઇજનેરોને તેમના સંશોધનની મળી પેટન્ટ 

  • સ્ટાર્ટઅપ, યુનિવર્સિટીઝમાં નવતર સંશોધન પોષક વાતાવરણને પરિણામે ગુજરાતમાંથી પેટન્ટ મેળવવાનું પ્રમાણ વધ્યું 


ગાંધીનગરઃ ગુજરાતમાં કાર્યરત વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સરકારની સંશોધન સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયોમાં નવોન્મેષ સંશોધનોને પોષક વાતાવરણની ફળશ્રુતિરૂપે છેલ્લા ચાર જ વર્ષમાં ૯૫૨ પેટન્ટ ગુજરાતના સંશોધકોને મળી છે. પેટન્ટ મેળવવામાં અમદાવાદ અને તે બાદ વડોદરાના સંશોધકો અગ્રિમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટન્ટ વિશે તો સૌને ખબર જ હશે, પણ તેની આછેરી ઝલક મેળવી લેવી જોઇએ. વૈજ્ઞાનિકો, ઇજનેરો કે રચનાત્મક કૌશલ્ય ધરાવતા પોતાની આકરી મહેનત અને બુદ્ધિથી જે નવતર સંશોધન કરે તેના ઉપર સરકાર દ્વારા કાયદાથી સંરક્ષિત એકાધિકાર આપવામાં આવે છે. આવી પેટન્ટને તેના સંશોધકની મંજૂરી વિના ઉપયોગ કરી શકાતી નથી. આવા સંશોધનના અનાધિકૃત ઉપયોગ સામે કાયદાકીય રક્ષણ આપવામાં આવે છે. 


ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કાર્યરત થયેલા સ્ટાર્ટઅપ, વિશ્વવિદ્યાલયોમાં સંશોધન પ્રવૃત્તિ માટે વિશેષ અનુદાનો ઉપરાંત પીએમ ફેલોશીપ જેવા સરકાર પ્રેરિત યોજનાઓ અને સંસ્થાકીય મદદને કારણે વિવિધ ક્ષેત્રમાં સંશોધનો કરી તેની પેટન્ટ મેળવવાનું પ્રમાણ પણ વધ્યું છે. આ બાબતને નાગરિકોની બુદ્ધિક્ષમતાના માપદંડ સાથે પણ સાંકળવામાં આવે છે. કોઇ વિશ્વવિદ્યાલયે કેટલી પેટન્ટ મેળવી ? તેને પણ તે સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તાનો જાગતિક માપદંડ છે. 


વડોદરાના સંશોધકોને મળેલી પેટન્ટનો આંક જોઇએ તો વર્ષ ૨૦૨૦માં ૬૨, ૨૦૨૧માં ૪૪, ૨૦૨૨માં ૩૬, ૨૦૨૩માં ૪ પેટન્ટ મળી છે. એ જ પ્રકારે અમદાવાદમાં વર્ષ ૨૦૨૦માં ૧૨૨, ૨૦૨૧માં ૧૧૩, ૨૦૨૨માં ૧૧૭, ૨૦૨૩માં ૨૦ પેટન્ટ સંશોધકોને આપવામાં આવી છે. સમગ્રતયા ગુજરાતમાં વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન નોંધાયેલી પેટન્ટની સંખ્યા જોઇએ તો અનુક્રમે ૨૬૬, ૨૩૭, ૨૦૦ અને ૪૯ પેટન્ટ આપવામાં આવી છે. આ ચાર વર્ષમાં ગુજરાતના કુલ ૯૫૨ સંશોધનોને પેટન્ટ મળી છે. 


મજાની વાત તો એ છે કે, પેટન્ટ માત્ર મહાનગરોમાંથી નોંધાય છે એવું નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આદિવાસી બાહુલ જિલ્લા પંચમહાલના શહેરા તાલુકાના ભેસલ ગામના સોમાભાઇ ધૂળાભાઇ પરમાર જેના અદના આદમીના નામે પણ પશુ સારવાર માટેની પ્રક્રીયા અંગેની પેટન્ટ નોંધાઇ છે. 


ગુજરાતમાં રસાયણ, દવા, મિકેનિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ટેક્સટાઇલ્સ, કોમ્પ્યુટર સાયન્સ જેવા ક્ષેત્રોમાં બહુધા સંશોધનો થઇ રહ્યા છે. આ ચાર વર્ષ દરમિયાન થયેલા સંશોધનમાં ટ્રાન્સપરન્ટ સ્માર્ટ ફોન વીથ ઓપેક મોડ પણ છે. આ ઉપરાંત સેન્સર ડ્રિવન રેડ સિગ્નલ યુઝિંગ કેમેરા, ક્રાઇમ સિન મેનેજમેન્ટ બાય રોવર રોબોટ, એઆઇ થકી મોટા ડેટાનું વિશ્લેષણ કરી હાર્ટ એટેકની શક્યતા દર્શાવવા માટે પાયથન બેઝ કામ, સોફ્ટવેર ટેસ્ટિંગ માટે એઆઇ, સોલાર પેનલ સફાઇ માટે રોબોટ, વેસ્ટ મેનેજમેન્ટ, ઇન્ટરેક્ટિવ સ્માર્ટ મિરર, ઇવી ચાર્જીંગના સમયે કેટલી બેટરીનો ઉપયોગ કરે છે, તે દર્શાવતું યંત્ર સહિતના સંશોધનો ધ્યાન આકર્ષે છે. 


ઇલેક્ટ્રીકલ અને મિકેનિકલ ક્ષેત્રના સંશોધનોમાં મશીનોનું સંચાલન સરળ બનાવતી પ્રક્રીયાઓ સહિતની બાબતો મુખ્ય છે. આ ઉપરાંત રાસાયણિક પ્રક્રિયામાં નાવીન્ય પદ્ધતિના આવિષ્કાર પણ થયા છે., આમ, ગુજરાતના સંશોધકો દ્વારા થતાં સંશોધનો અને તેને મળતી પેટન્ટ જ્ઞાનશક્તિની પરિચાયક છે.