ઝી બ્યૂરો, અમદાવાદઃ લોકડાઉનનો સમય અને શિયાળાની કડકડતી ઠંડી છે અને તમને હોટલમાં જઈ ફ્રાઈડ રાઈસ જમવા છે તો મૂંઝાવાની જરૂર નથી. કારણ કે અત્યારે તાજા શાકભાજી બજારમાં ભરપૂર આવી રહ્યાં છે તેથી જો તમને ઘરે જ સિંગાપોરી ફ્રાઈડ રાઈસ મળી રહે અને તે પણ હોટલ જેવા જ. તો કેવો મજ્જો પડી જાય. આજે તમારા માટે લઈને આવ્યા છીએ. સિંગાપોરી ફ્રાઈડ રાઈસની સૌથી સરળ અને અદભૂત રેસિપી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંગાપોરી ફ્રાઈડ રાઈસ માટે સામગ્રી અને માપ
1 - કપ બાસમતી ચોખા
મીઠું માપ મુજબ
5 - તાજી લીલી ડુંગળી
1/2 - ગાજર
1 - શીમલા મિર્ચ(કેપ્સિકમ)
1 - કપ કોબીજ
1 - ચમચી લસણ જીણું સમારેલું
10થી 12 - કાજુ
2 કે 3 -નાના સૂકા મરચાં
1/2 - સોયા સોસ
1 ચમચી - ચિલી સોસ
2 ચમચી - ટોમેટો સોસ
1 ચમચી - એપ્પલ વિનેગર
1/2 ચમચી - કાળા મરીનો પાવડર
1 ચમચી - લાલ મરચાનો પાવડર
1/2 ચમચી - હળદર
1 ચમચી - કોથમીર

સિંગાપોરી ફ્રાઈડ રાઈસ બનાવવાની રીત
સૌથી પહેલાં ચોખા એક વાટકી લો (બાસમતી ચોખા દેખાવે સારા લાગે છે તેથી તે લો તો વધુ સારું) ચોખાને વ્યસ્થિત ધોઈને તે ડૂબે તેટલું પાણી નાખીને અડધો કલાક મૂકી રાખો. ત્યાં સુધી 15 જેટલી લસણની કળીને જીણી કાપીને તૈયાર કરો. સિંગાપોરી ફ્રાઈડ રાઈસમાં આદુ હોતુ નથી એટલે તેમાં લસણનો જ ટેસ્ટ વધુ રાખવાનો હોય છે. બાદમાં પાંચ લીલી ડુંગળી લઈ તેને ધોઈ કોરી કરી લેવાની. તેનો ઉપરનો મોટો ભાગ જીણો કાપીને અલગ રાખવો અને પછી તેના પાંદડાને જીણા જીણા સમારવા. એવી જ રીતે એક મીડિયમ કેપ્સિકમ(શીમલા મિર્ચ) લાંબી લાંબી સ્લાઈસમાં કાપવું. એવી જ રીતે ગાજરના ટુકડાને પણ લાંબી અને પાતળી સ્લાઈસમાં કાપવું. કોબીજને પણ અડધો કપ જીણી અને લાંબી કાપવી, ફણસી પણ અડધો કપ જીણી કાપી લેવી (શાકભાજીનું માપ તમારા ઘરના સભ્યો પ્રમાણે વધારે ઓછું કરી શકો છે.

વધુ લોકો હોય તો વધુ શાકભાજી લઈ લેવા અને ઓછા હોય તો થોડા ઓછા કરી શકો છો.) હવે એક તપેલામાં ચાર કપ પાણીને વધુ તાપમાં ઉકળવા મૂકવું પાણી ઉકળી જાય એટલે તેમાં થોડું તેલ નાખી તેમાં પલાળેલા ચોખા નાખી દેવા અને જરૂરિયાત મુજબ મીઠું મૂકી દેવું. આ ચોખાને 7 મિનિટ જેવા વધુ તાપમાં ઉકળવા દેવા. 7 મિનિટથી વધુ રાખવા નહીં. કારણ કે વધુ તાપમાં બાફવાથી ચોખા તૂટી જશે. 7 મિનિટ પછી ચોખાને જુઓ ભલે થોડા કાચા લાગે પણ તેને કાળાવાળી વાટકી કે પ્લેટમાં કાઢી બધુ પાણી નીકાળી થોડી વાર ઢાંકીને મૂકી દો.

થોડા કાચા ભાત હશે તો પણ તે વરાળથી આપો આપ ચઢી જશે. હવે કઢાઈમાં થોડુ તેલ લો, તેમાં જીણું કાપેલુ લસણ, સૂકા મરચા, લીલી ડુંગળીનો ઉપરનો ભાગ તેલમાં શેલો ફ્રાય થવા દેવું. સાંતળી જાય તો તેમાં એક મુઠ્ઠી કાજુ નાખી તેને એક મિનિટ જેવા સાંતળવા દેવા. અડધો કપ એકદમ જીણી કાપેલી ફણસી, ગાજર, કેપ્સિકમ, કોબીજને નાખી દેવી, હાઈ ફ્લેમ પર બે મિનિટ જેવું સાંતળવું (જરૂરિયાત મુજબ બાફેલી મકાઈ, બેબીકોર્ન, બ્રોકલી પણ નાખી શકો છો) અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1/4 ગરમ મસાલો, 1 ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી મરીનો પાવડર નાખી મિક્સ કરી સારી રીતે સાંતળવું.

અડધી ચમચી સોયાસોસ, બે ચમચી ટોમેટો સોસ, અડધી ચમચી એપલ વિનેગર (ખટાશ વધુ જોઈતી હોય તો વધુ ઉમેરવું) બધુ મિક્સ કરી એક મિનિટ થવા દેવું. બધું મિશ્રણ વ્યવસ્થિત કલરમાં આવી જશે. હવે તેમાં છૂટ્ટા રાઈસને નાંખી દેવા અને બધુ મિક્સ કરવું હળવા હાથે (તમારી પાસે વધેલા ભાત પડ્યા છે તો તેને પણ આ રીતથી સિંગાપોરી ફ્રાઈડ રાઈસ બનાવી શકો છો) મીઠું થોડુ અને ડુંગળી જીણી સમારેલી ઉપર નાખીને ગાર્નિશીંગ કરી શકો છો.