શું તમે છોલે ભટુરે, છોલે પુરી કે પછી છોલે કુલછે ખાઈને કંટાળી ગયા છો? તો બનાવો આ અનોખી વાનગી
ઘણા બધા શાકભાજી અને શેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરેલા અનોખા વડાનું મિશ્રણ એટલે `વેજ ફલાફલ ફ્રેન્કી`
ઝી બ્યૂરો, અમદાવાદઃ બહાર જવાનું થાય તો તેલમાં તરબોળ અને મેંદાના લોટમાં બનેલા છોલે કુલછે, છોલે ભટુરે અથવા તો છોલે પુરી પહેલી પસંદ હોય છે. પણ તમે શું આ જ છોલેનું કઈક અલગ સ્વરૂપ ખાવાનો પ્રયાસ કર્યો છે ખરો. જો બહાર જાઓ અને તમને કોઈ વેજ ફ્રેન્કી એ પણ વેજ ફલાફલ ફ્રેન્કી ખાવાની ઓફર કરે તો તે ઠુકરાવતા નહીં.
વેજ ફલાફલ ફ્રેન્કી બનાવવાની રીત:
(સામગ્રી)
કાબુલી ચણા - 1 કપ(આખી રાત પલાળી રાખવા)
કોથમીર - 1 નાનો બાઉલ
લસણ - 4થી 5 કળી
ડુંગળી - 1 મોટી વાટકી
લીલા મરચા - 3 (તીખાશ મુજબ વધઘટ કરી શકાય)
મીઠું - સ્વાદ મુજબ
ચીલી ફ્લેક્સ - 1 નાની ચમચી
કોથમીરનો પાવડર - 1 નાની ચમચી
મરચુ, જીરુ પાવડર - 1 નાની ચમચી
ચણાનો લોટ - 2 ચમચી
બેકિંગ સોડા - અડધી ચમચી (જરૂર લાગે તો)
લીંબુનો જ્યુસ - અડધી ચમચી (જરૂર લાગે તો)
સૌથી પહેલા આખી રાત પલાળેલા કાબુલી ચણાને પાણીમાંથી કાઢી કોરા કરી નાખો. ત્યારબાદ મિક્સર જારમાં કાબુલી ચણા, કોથમીર, લસણ ડુંગળી સહિતની ઉપર મુજબની તમામ સામગ્રી નાખી દો. આ તમામ સામગ્રીની પેસ્ટ કરી લો. ધ્યાન રાખો વધુ પડતી બારિક પેસ્ટ નથી કરવાની. અને તેમાં પાણી પણ નથી નાખવાનું. તમામ સામગ્રી યોગ્ય રીતે ગ્રાઈન્ડ થઈ જાય પછી તેમાંથી નાના નાના ગોલ બોલ બનાવી દો. જેવી રીતે લાડવા બનાવતા હોય તેવા બોલ બનાવવા. આ તમામ બોલને હવે તળવાના છે. (જો તમને વધુ તેલ પસંદ ન હોય તો શેલો ફ્રાય કરી શકો છો. સામાન્ય તેલ લગાવી માઈક્રોવેવ ઓવેનમાં રાખી શેકી શકો છો અથવા ડીપ ફ્રાય પણ કરી શકો છો)
ફલાફલ વીથ વેજફ્રેન્કી બનાવવાની રીત
(સામગ્રી)
વ્રેપ માટેની રોટલી - 6
કાચી ડુંગળી - 1 (પતલી ગોળ ગોળ કાપેલી)
કોબીજ - એક વાટકી (પાતળી લાંબી લાંબી કટ કરેલી)
માયોનિઝ - એક નાની વાટકી (જરૂરિયાત મુજબ)
લીલી ચટણી - (કોથમીર, ફૂદીનો, લીલા મરચાની)
વ્રેપ બનાવવા ઘઉંના લોટ અથવા મેંદાના લોટનો ઉપયોગ કરી શકાય. સાવ પાતળી મોટી રોટલી બનાવવી. વ્રેપ પર માયોનિસ, લીલી ચટણી નાખી તેના પર બે અથવા ત્રણ ફલાફલ મૂકી દેવા પછી ગાર્નિશિંગ માટે ફલાફલ પર કોબિજ અને ડુંગળીની પાતળી સ્લાઈસ મૂકી, ફરી જરૂર લાગે તો લીલી ચટણી અને ચાટ મસાલો છાંટવો. જો ગળપણ પસંદ હોય તો તમે ટામેટાનો સોસ પણ નાખી શકો છો. તમામ વસ્તુ વ્રેપમાં મૂકી દઈ તેના પર કોથમીરથી ગાર્નિશ કરી રોલ વાળી દેવો. અને ફ્રાય પેનમાં ગરમ કરવા મૂકી દેવું. અને પછી ગરમા ગરમ આખુ કે વચ્ચેથી કટ કરી સર્વ કર્યું. આ વેજ ફલાફલ ફ્રેન્કીને માયોનિસ અથવા લીલી ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો.