ઝી બ્યૂરો, અમદાવાદઃ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસની મહામારીને કારણે હજુ પણ ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કામ કરી રહ્યાં છે. જ્યારે બીજી તરફ કોર્પોરેટ ઓફિસમાં કર્મચારીઓ મોટા ભાગે લોકો ડેસ્ક વર્ક કરતા હોય છે. આ પ્રક્રિયામાં કર્મચારી ઓફિસમાં કલાકો સુધી કોમ્પ્યુટર સામે બેસી પોતાનું કામ કરતા હોય છે. એક અભ્યાસ મુજબ, લાંબા સમય સુધી ડેસ્ક વર્ક કરતા લોકોમાં મેદસ્વી, હાઈપર ટેન્શન, ડાયાબિટીઝ, કોલેસ્ટ્રોલ જેવી બિમારીઓનો ખતરો રહે છે. એક સમયે જ્યારે ટેક્નોલોજીનો વિકાસ થયો ન હતો, ત્યારે લોકોને મોટાભાગનાં કામ કરવામાં ખૂબ પરિશ્રમ થતો હતો. જેના પરિણામરૂપે તેઓ ફિઝિકલી એક્ટિવ અને વેલ બેલેન્સ્ડ હતા. તેની વિરુદ્ધ આજના સમયે લોકોમાં આળસ, શરીર વધવું, વધુ ભૂખ લાગવી જેવી અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. આ સમસ્યાનું મુખ્ય કારણ છે બેઠાળું જીવનશૈલી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


માનવ શરીરની રચના એ પ્રકારે થઈ છે જેમાં તે કોઈ કાર્ય કરે ત્યારે, તેનું શરીર વધુ ફિટ અને સ્ફુર્તિલુ થાય છે. પરંતુ આજના સમયમાં લોકોને વધુને વધુ બેસીને કામ કરવું ગમે છે. આજના માનવીને મહેનતભર્યું કામ જાણે કરવું જ ન હોય તેવું લાગી રહ્યું છે. લોકો સમય બચાવવા વાહનોનો ઉપયોગ કરે છે. પરંતુ શરીરને ફીટ રાખવા થોડી પણ કસરત નહીં કરે. લોકો જીમ જવા બાઈક અથવા સ્કુટરનો ઉપયોગ કરશે, પરંતુ સાઈકલ નહીં ચલાવે. જોવા જઈએ તો આ વાતો પૂરી નહીં થાય. તેથી આવો જોઈએ સતત બેસીને કામ કરવાથી શરીરમાં કયા કયા પ્રકારની સમસ્યાથી થાય છે તે જોઈએ. તેમજ આ સમસ્યાથી બચવા માટે સરળ ટીપ્સ પર પણ નજર કરીએ.


ડેસ્ક વર્કમાં સામાન્ય રીતે થતી સમસ્યા:


-ઓછી કેલરી બર્ન થવાથી શરીરનો વજનમાં વધવો


-સ્નાયુઓની તાકાત ગુમાવવી


-હાડકાં નબળા પડવા


-રોગપ્રતિકારણ શક્તિ ઘટવી


-રક્ત સંચાર ઓછું થવું


-શરીરમાં બળતરા થવી


-હોર્મોનલ ઈમ્બેલેન્સ થવું.


આ તો શરૂઆતી સમસ્યા છે. જો કોઈ વ્યક્તિ વર્ષો સુધી સતત બેસીને પોતાના કાર્યો કરે, તો તેમને ગંભીર સમસ્યાઓ થઈ શકે. જેમ કે,


-વહેલુ મૃત્યુ


-દિલની બિમારી


-કેટલાક પ્રકારના કેન્સર


-મેટાબોલિક સિન્ડ્રોમ (બ્લડ પ્રેશર વધવું, હાઈ બ્લડ શુગર, કમર પાસે બોડી ફેટ વધવું, કોલેસ્ટ્રોલની માત્રા વધવી)


-મેદસ્વીપણું


-સ્ટ્રોક


-આંગળીઓમાં કળતરની લાગણી, કાંડામાં અને પીઠનો દુઃખાવો


-આંખો ખેંચાવી, આંખોમાં લાલાશ થવી, ઝાંખી દ્રષ્ટિ, માથાનો દુઃખાવો


-ડોક, ખભા, હાથ, પીઠ, જાંઘ અને પગમાં દુખાવો


-સ્નાયુઓ અને કરોડરજ્જૂમાં પીડા અથવા અસ્વસ્થતા અનુભવવી



Welcome 2021: નવું વર્ષ આવતા પહેલાં ઘરમાંથી બહાર કરો આ વસ્તુઓ, વધશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ


સતત કોમ્પ્યુટર સામે બેસીને કામ કરવું તે પણ શરીર માટે જોખમી છે. તેના પાછળ અનેક કારણો જવાબદાર છે. આવો જાણીએ,


1) બેક્ટેરિયા અને જર્મ્સ
કોમ્પ્યુટરના કિબોર્ડ પર કરોડો બેક્ટેરીયા અને જર્મ્સ હોય છે. બેક્ટેરીયા સુક્ષ્મ હોવાથી નરી આંખો જોઈ શકાતા નથી. ઓફિસમાં એક કોમ્પ્યુટર પર અલગ અલગ લોકો કામ કરતા હોય છે. ઘણા લોકો ડેસ્ક પર બેસીને પણ ભોજન અથવા નાસ્તો કરતા હોય છે. જેના કારણે કિબોર્ડ પર કરોડો બેક્ટેરીયા ઉત્પન્ન થાય છે. આ પ્રકારના લોકોમાં બિમારીઓ ફેલાવવાની શક્યતા સૌથી વધુ રહે છે. આ બિમારીઓથી દૂર રહેવા માટે લોકોએ પોતાના કિબોર્ડ અને આસપાસની જગ્યા સ્વચ્છ અને સેનિટાઈઝ્ડ રાખવી જોઈએ. તેમજ નાસ્તો કેન્ટીનમાં જઈ કરવો જોઈએ.


2) કોમ્પ્યુટર બ્લુ લાઈટ
એક અભ્યાસ મુજબ, કોમ્પ્યુટરના મોનીટર, અથવા કોઈ LCD-LED સ્ક્રિનમાંથી નીકળતી બ્લુ લાઈટ આંખોને નુકસાન પહોંચાડી શકે છે. ડૉક્ટરો આ માટે સલાહ આપે છે તે લોકોએ થોડા સમયના અંતરે બ્રેક લેવો જોઈએ. બ્લુ લાઈટથી બચવા માટે કોમ્પ્યુટરમાં રિડમોડ ઓન કરી શકાય છે. અથવા સ્પેશિયલ UV પ્રોટેક્શન ચશ્મા પહેરીને કામ કરી શકાય. 


3) બેઠકની સ્થિતિ
તમારી કમ્પ્યુટર સ્ક્રિન તમારાથી એક હાથની લંબાઈ જેટલી હોવી જોઈએ. અને તમારા મોનીટરની ટોચ કપાળના સ્તરે હોવી જોઈએ. આ સ્થિતિ તમને ઉપર અથવા નીચે જોવાનું ટાળવામાં મદદ કરશે. તમારું કીબોર્ડ અને માઉસ તમારી કોણીને 90 ડિગ્રી પર રાખે તેવા એન્ગલમાં બેસવુ જોઈએ. જ્યારે તમે બેઠા છો, ત્યારે તમારા હિપ્સ અને ઘૂંટણ 90 ડિગ્રીના એંગલે હોવા જોઈએ. તમારા માથાને કમ્પ્યુટર તરફ આગળ ઝુંકાવશો નહીં. ટટ્ટાર બેસીને કામ કરવુ વધુ હિતાવહ છે.


4) ડેસ્ક પર નાસ્તો
ડેસ્ક વર્ક એટલે ખુરશી પર સતત બેસીને કામ કરવું. આ પોઝીશનમાં માણસનું શરીર કોઈ હલન ચલન નથી કરતુ. તેમાં પણ માણસને ઘણીવાર આ સ્થિતિમાં ભૂખ ન લાગી હોય છતાં તે કામ અને નાસ્તો એમ બંને વસ્તુ એકસાથે કરે છે. જેના કારણે ધીમે ધીમે આ વ્યક્તિની આદત બની જાય છે. આ સમસ્યાનો ઉપાય એ છે કે, માણસે કામમાંથી એક શોર્ટ બ્રેક લઈ થોડીવાર હલન ચલન કરવું જોઈએ. જેથી તેના શરીરનાં સ્નાયુ છુટ્ટા પડે અને થોડુ રિલેક્સેશન થાય. અને કેન્ટીનમાં જ નાસ્તો કરવો જોઈએ, જેથી ડેસ્ક પર કોઈ બેક્ટેરિયા અથવા કોઈ પણ પ્રકારની ગંદકી ન થાય.


5) માનસિક થાક
ડેસ્ક વર્કની આ એક મોટી સમસ્યા છે. સતત ડેસ્ક વર્કનાં કારણે લોકોમાં માનસિક થાક, ચહેરા પર ઉદાસીનતા, આંખો દુઃખવી, ચીડિયાપણુ જેવી સમસ્યાઓ થાય છે. માનસિક થાકનાં કારણે ઘણીવાર માણસ સહ કર્મચારીઓ પર પણ ગુસ્સો ઉતારે છે. આ પ્રકારના માણસનું બનતું કામ પણ ઘણીવાર બગડે છે. તેથી આવા વ્યક્તિએ પોતાના મનને એકદમ શાંત રાખી કામ કરવું જોઈએ. 



જો તમારા જીવનમાં હશે આ 4 S, તો તમે ક્યારેય માણી નહી શકો સેક્સનો આનંદ


ડેસ્ક જોબમાં જો તેમે શરીરને સ્વસ્થ્ય રાખવા માગતા હોવ તો આ સરળ ટીપ્સ પર એકવાર નજર કરો.


-ડેસ્ક પર કામ કરતી વખતે દર એક કલાકે ઉભા થઈ હલન ચલન કરવાનું રાખો.


-લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવો. શરૂઆતમાં વ્યક્તિને થોડો શ્વાસ ચઢી શકે, પરંતુ રેગ્યુલર સીડી ચઢવાથી પગની હળવી કસરત થઈ જાય છે.


-મીટિંગમાં થોડા અંતરે શોર્ટ બ્રેક લેવો.


-બ્રેક અથવા લંચના સમયે ખુલ્લી હવામાં થોડીવાર હલન ચલન કરવું જોઈએ.


-ઓફિસમાં કામ કરતા સમયે બહારનો નાસ્તો બને ત્યાં સુધી ટાળવો. લોકોએ હાઈ પ્રોટીન અને ફાઈબરથી ભરપુર નાસ્તો કરવો જોઈએ. કામ સમયે ભારે નાસ્તો આળસ અને મેદસ્વીતાને આમંત્રણ આપે છે. 


-જો તમારી ઓફિસ તમારા ઘરથી નજીક હોય તો બાઈક અથવા અન્ય કોઈ વાહન કરતા ચાલવાનું પસંદ કરો અથવા સાયકલનો ઉપયોગ કરો. રેગ્યુલર વોકિંગથી શરીર સ્વસ્થ અને કામ કરતા સમયે વ્યક્તિ એનર્જાઈઝ્ડ રહેશે.


-કામ દરમિયાન લોકોએ કેફી પદાર્થો જેવા કે કોફી, ચા, સોફ્ટ ડ્રિંક્સનું ઓછું સેવન કરવું જોઈએ. આ પ્રકારના ડ્રિંક્સમાં ખાંડનું પ્રમાણ વધુ હોવાથી શરીરને નુકસાન થાય છે. વ્યક્તિએ પોતાના ડેસ્ક પર વોટર બોટલ રાખવી જોઈએ. જેથી તમારું શરીર હાઈડ્રેટેડ રહેશે.


-ડેસ્ક પર પાણીની બોટલની સાઈઝ 500ML રાખવી. બોટલ ખાલી થતા તમે ફરી પાણી ભરવા ઉભા થશો. જેથી થોડી હલન ચલન થશે અને શરીરને થોડો બ્રેક મળશે.


-ડેસ્ક પર સતત કામને કારણે જો તમે થોડું વોક ન કરી શકો તો તેની જગ્યાએ થોડું બોડી સ્ટ્રેચ કરી હળવી કસરત કરી શકો. જેથી મગજ પર તણાવ ઓછો થશે અને હાથને થોડો આરામ મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube