Andolanjivi: આંદોલનકારી કે `આંદોલનજીવી`? કોઈકને કોઈક મુદ્દે હંમેશા ચર્ચામાં રહે છે ભારતની આ 10 યુવતીઓ

Fri, 19 Feb 2021-11:14 am,

જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલય છાત્ર સંઘના પૂર્વ ઉપાધ્યક્ષ શહલા રશીદ ફેબ્રુઆરી 2016માં ચર્ચામાં આવી હતી. દેશવિરોધી નારાના આરોપમાં ઘરાયેલા કન્હૈયાને જેલમાં જવું પડ્યું હતું. પરંતુ શહલા રશિદ બચી ગઈ હતી. તે મોદી સરકારની કટ્ટર ટીકાકાર માનવામાં આવે છે. અને તે પોતાના નિવેદનના કારણે સતત ચર્ચામાં રહે છે. વર્ષ 18 ઓગસ્ટ 2019માં શહલાએ ટ્વીટ કરીને ભારતીય સેના પર કાશ્મીરી લોકો પર અત્યાચાર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જેના કારણે તેની સામે દિલ્લી પોલીસે રાજદ્રોહનો ગુનો નોંધી લીધો હતો. આ વર્ષે જાન્યુઆરી 2021માં શહલાના પિતાએ જમ્મુ કાશ્મીરના ડીજીપીને પત્ર લખીને પોતાની પુત્રી પર દેશ વિરોધી પ્રવૃતિઓમાં સામેલ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

દિલ્લીની જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીમાં CAA-NRC સામે થયેલ પ્રદર્શનમાં સફૂરા ઝરગર મહત્વનો ચહેરો રહી છે. દિલ્લી હિંસા કેસમાં સફૂરાની ધરપકડ ઘણી ચર્ચામાં રહી. કેમ કે પોલીસે જ્યારે તેની ધરપકડ કરી હતી ત્યારે તે ગર્ભવતી હતી. જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIR કેસમાં 10 એપ્રિલે સફૂરાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. અને તે જ દિવસે તેના પર UAPA લગાડી દેવામાં આવ્યો હતો. સફૂરા જામિયાની M.Philની વિદ્યાર્થિની છે. અને તે જામિયા કોર્ડિનેશન કમિટી સાથે જોડાયેલી છે. દિલ્લી હાઈકોર્ટમાંથી 23 જૂને સફૂરાને માનવીય આધાર પર જામીન મળ્યા હતા.

દલિત એક્ટિવિસ્ટ અને મજદૂર અધિકારી સંગઠનની સભ્ય નૌદીપ કૌરની ધરપકડ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. પંજાબના મુક્તસર સાહિબ અંતર્ગત ગામ ગ્યાનંદરની રહેવાસી નૌદીપના પિતાનું નામ સુખદીપ સિંહ છે. કૌરની 12 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે અન્ય મજૂરોની સાથે કુંડલીમાં વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી. પોલીસે IPCની કલમ 148,149,323,452, 384 અને 506 અંતર્ગત તેની ધરપકડ કરી હતી. જોકે નૌદીપ કૌરની નાની બહેન રાજવીર કૌરે કહ્યું હતું કે તેની બહેનને ખોટા આરોપમાં ફસાવવામાં આવી રહી છે. મારી બહેન મજૂર અને દલિત અધિકાર કાર્યકર્તા છે. તે ફેક્ટરીમાં કેટલાંક મજૂરોની મજૂરી અપાવવા માટે ગઈ હતી. પરંતુ કારખાના માલિકે તેને ફસાવી દીધી છે.

દિલ્લી પોલીસે ટૂલકિટ કેસમાં એક્ટિવિસ્ટ નિકિત જેકબ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. 30 વર્ષની નિકિતાએ ILS લો કોલેજ, પુણેથી કાયદાનો અભ્યાસ કર્યો છે. અને મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત કરે છે. નિકિતા સામાજિક ન્યાય અને પર્યાવરણ સંરક્ષણના મામલાને ઉપાડનારી કાર્યકર્તા છે. દિલ્લી પોલીસનો આરોપ છે કે દિશા રવિ, નિકિતા જેકબ અને શાંતનુએ ટૂલકિટ બનાવી અને બીજાની સાથે શેર કરી.

 

 

દિલ્લીના જાફરાબાદ અને સીલમપુર વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન સામે થયેલ પ્રદર્શનમાં ભૂમિકા માટે નતાશા નરવાલની ધરપકડ કરી હતી. ઉત્તર-પૂર્વી દિલ્લી હિંસાને આરોપી માનતાં તેના પર UAPA લગાવી દીધો હતો. જોકે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અજિત નારાયણે તેને જામીન આપતાં કહ્યું હતું કે નતાશા માત્ર NRC-CAA સામે પ્રદર્શન કરી રહી હતી. અને આવું કરવું તે આરોપને સાબિત કરતું નથી કે તે કોઈ હિંસામાં સામેલ હતી. નતાશા નરવાલ JNUમાં સેન્ટર ફોર હિસ્ટોરિકલ સ્ટડીઝમાં PHD કરી રહી છે. અને મહિલાવાદી સંગઠન પિંજરા તોડની સંસ્થાપક સભ્યોમાં સામેલ છે.

નાગરિકતા કાયદા સામે રાજધાનીના પૂર્વ દિલ્લીમાં વિરોધ પ્રદર્શનમાં ઈશરત જહાંને 26 ફેબ્રુઆરી 2020ના રોજ પોલીસે ધરપકડ કરી હતી. ઈશરતે 21 માર્ચે કડકડડૂમા કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. પરંતુ તે જ દિવસે મુક્તિ પહેલાં સ્પેશિયલ સેલે તેને તિહાર જેલમાં જ દિલ્લી હિંસાના કાવતરામાં ધરપકડ કરીને તેના પર UAPA લગાવી દીધો. ઈશરત જહાં પ્રોફેશનલી વકીલ છે અને કોંગ્રેસમાંથી કાઉન્સિલર રહી ચૂકી છે. હાલ તે દિલ્લી હિંસાના આરોપમાં તિહાર જેલમાં બંધ છે.

CAA-NRCના વિરોધમાં દિલ્લીમાં થયેલ પ્રદર્શનમાં ગુલફિશા ફાતિમા આગળ રહી. જેની દિલ્લી પોલીસે ઉત્તર પૂર્વી દિલ્લીમાં થયેલ હિંસામાં ધરપકડ કરવામાં આવી હતી. 28 વર્ષની ગુલફિશા ફાતિમાએ ગાઝિયાબાદમાંથી MBA કર્યું છે. 9 એપ્રિલે દિલ્લી પોલીસે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIRના આધારે ધરપકડ કરીને તિહાર જેલ મોકલી દીધી હતી. અને તેના પર UAPA લગાવી દીધો હતો. જોકે દિલ્લીની કડકડડૂમા કોર્ટે નવેમ્બર 2020માં તેને જામીન આપ્યા હતા.

પર્યાવરણ સાથે જોડાયેલા મુદ્દા પર કામ કરનારા એક્ટિવિસ્ટ દિશા રવિને દિલ્લી પોલીસે ટૂલકિટ કેસમાં ધરપકડ કરી છે. 22 વર્ષીય દિશા રવિ બેંગલુરુની રહેવાસી છે. રવિ બેંગલુરુની એક ખાનગી કોલેજમાંથી બીબીએની ડિગ્રી ધારક છે. અને તે ફ્રાઈડેઝ ફોર ફ્યૂચર ઈન્ડિયા નામની સંગઠનની સંસ્થાપક સભ્ય પણ છે. દિશા ગુડ વેગન મિલ્ક નામની એક સંસ્થામાં કામ કરે છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાન્ટ બેસ્ડ ફૂડને સસ્તું અને સુલભ બનાવવાનો છે. આ લોકો પશુઓ પર આધારિત કૃષિને ખતમ કરીને તેને પણ જીવવાનો અધિકાર આપવા ઈચ્છે છે. ફ્રાઈડેઝ ફોર ફ્યૂચર સંસ્થા સાથે દિશા પહેલાંથી જ જોડાયેલી રહી છે.

દેવાંગના કલિતાની દરિયાગંજમાં એન્ટી-CAA પ્રદર્શન સાથે જોડાયેલ હિંસા કેસમાં ધરપકડ કરી હતી. કલિતા પર પણ દિલ્લી હિંસાના આરોપમાં UAPA લગાવી દેવામાં આવ્યો હતો. દિલ્લી હાઈકોર્ટના જજ અભિનવ પાંડેએ દેવાંગનાને જામીન આપતાં કહ્યું હતું કે એવા કોઈ પૂરાવા નથી કે જેમાં દેવાંગના કોઈ સરકારી કર્મચારી પર હુમલો કરતી જોવા મળતી હોય. સીસીટીવી ફૂટેજમાં પણ એ દેખાતું નથી કે દેવાંગના હિંસામાં સામેલ છે. હાલ તે જેએનયૂમાં સેન્ટર ફોર વિમેન સ્ટડીઝમાં M.Phil કરી રહી છે અને મહિલાવાદી સંગઠન પિંજરા તોડની સંસ્થાપક સભ્યોમાં સામેલ છે.

નાગરિકતા સંશોધન કાયદા સામે આંદોલનમાં અમૂલ્યા લિયોનાએ દક્ષિણ ભારતના રાજયોમાં આગળ પડતો ભાગ લીધો હતો. અમૂલ્યા લિયોનાનો જન્મ કર્ણાટકના મૈસૂરમાં 31 જુલાઈ 2000માં થયો છે. તે ફેસબૂકની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. કર્ણાટકના બેંગલુરુમાં CAA સામે ચાલી રહેલ રેલીના મંચ પર અસદુદ્દીન ઓવૈસીની હાજરીમાં અમૂલ્યા લિયોને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. જેના પછી તેની સામે રાજદ્રોહનો કેસ નોંધીને જેલમાં મોકલી આપવામાં આવી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link