ગુજરાતમાં ઘાસના પૂળામાંથી બનાવેલી વિઘ્નહર્તાની આ વિશાળ પ્રતિમાની ચારેબાજુ ચર્ચા, વિસર્જન પણ કરાશે અનોખી રીતે!
આમ તો ગણેશ ઉત્સવમાં ગણેશજીની સ્થાપના હોય કે પછી છેલ્લે દિવસે વિસર્જન! યુવાનોને તમે ડીજેના તાલે ઝુમતા જોયા હશે. ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત વલ્લભ નગર સોસાયટીનું શ્રી ગણેશ યુવક મંડળ ગણેશ ઉત્સવમાં પોતાની સાદગીના કારણે અલગ જ તરી આવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે વલ્લભ નગર સોસાયટીના શ્રી ગણેશ યુવક મંડળમાં 5 વર્ષ થી માંડી 50 વર્ષ સુધીના તમામ સભ્યોનો વિશેષ ફાળો છે. આમ તો આ ગણેશ મંડળનું સંપૂર્ણ સંચાલન સોસાયટીના યુવક યુવતીઓ જ કરે છે પરંતુ વડીલોનું પીઠબળ પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી જાય છે.
શ્રી ગણેશ યુવક મંડળના સભ્યો છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ઉત્સવમાં કઈક વિશેષ સંદેશાની થીમ સાથે ગણેશ ઉત્સવ ઉજવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ અહી સ્થાપિત થનાર ગણેશજી તમને આશ્ચર્યમાં મુકવાની સાથે સાથે ઘણું બધું શીખવી જશે. અહીંના યુવાનો દ્વારા આ વર્ષે પ્રકૃતિ બચાઓના સંદેશ સાથે ડાંગરના પૂળામાંથી ગણેશજીની વિશાળ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. મંડળના નાનાથી માંડી મોટા દરેક સભ્યની જુદીજુદી જવાબદારી છે. કોઈક ડેકોરેશનમાં કામે લાગે તો પછી કોઈ ક પ્રતિમા બનાવવામાં, સોસાયટીની યુવતીઓ તેમજ મહિલાઓ પણ તડામાર તૈયારીઓમાં પાછી પડે તેમ નથી.
સોસાયટીના રહીશો દ્વારા અહી ડાંગરના સૂકા ઘાસના પૂળામાંથી 13 ફૂટની ગણેશજીની વિશાળ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમા બનાવવામાં 400થી વધુ ઘાસના પૂળાનો ઉપયોગ કરાયો છે. આશરે બે મહિનાની મેહનત બાદ 30 યુવાઓએ વડીલોના માર્ગદર્શન હેઠળ ઘાસના પૂળામાંથી પ્રતિમા બનાવી છે અને પ્રકૃતિને પીઓપીથી થતાં નુકશાન ને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હવે તમને વિચાર આવશે કે ઘાસના પૂળામાંથી બનાવેલી 13 ફૂટની વિશાળ પ્રતિમાના વિસર્જનનું શું?? તો એનો પણ ઉત્તમ વિકલ્પ આ મંડળના સભ્યોએ શોધી કાઢ્યો છે. શ્રી ગણેશ મંડળના સભ્યો દ્વારા આ વિશેષ પ્રતિમાનું વિસર્જન પણ અનોખી રીતે કરાશે. છેલ્લા દિવસે વિસર્જન સમયે અન્ય પ્રતિમાઓની જેમ આ પ્રતિમાને પણ વાજતે ગાજતે વિસર્જન માટે લઈ જવામાં આવશે અને ત્યારબાદ તળાવમાં વિસર્જિત પણ કરાશે. પરંતુ અહી વિશેષ વાત એ છે કે આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાના કેટલાક હિસ્સામાંથી ખેડૂતો માટે ખાતર તૈયાર કરવામાં આવશે તો બીજી તરફ પ્રતિમાના વધેલા અવશેષ એટલે કે ઘાસના પૂળાને શહેરની ગૌ શાળામાં ગાયોના ભોજન માટે દાનમાં આપી દેવાશે.