અમદાવાદમાં બનશે એરપોર્ટને ટક્કર મારે તેવું રેલવે સ્ટેશન, તસવીરો જોઈ ખુશ થઈ જશે દિલ

Wed, 28 Sep 2022-6:12 pm,

આજે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે આજે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમદાવાદ સાથે જ નવી દિલ્હી અને CSMT, મુંબઈ રેલવે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે ₹10,000 કરોડનું રોકાણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, તારીખ 29 અને 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં અમદાવાદ મેટ્રો ટ્રેન અને વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરાવવા જઇ રહ્યા છે. આમ, નવરાત્રિના આ દિવસો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતને બે મહત્વપૂર્ણ ટ્રેનની ભેટ મળવા જઇ રહી છે, ત્યારે આજે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આધુનિક સ્ટેશનના લીધે રેલવે મુસાફરીનો અનુભવ વધુ સુવિધાયુક્ત અને શાનદાર બનશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે. આ સાથે જ, દિલ્હી રેલ્વે સ્ટેશન બસ, ઓટો અને મેટ્રો રેલ સેવાઓ સાથે ટ્રેન સેવાઓને એકીકૃત કરશે, જ્યારે મુંબઈના સીએસએમટી રેલવે સ્ટેશનના હેરિટેજ બિલ્ડીંગમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, પરંતુ તેની આસપાસના વિસ્તારોના બિલ્ડીંગોને પુનઃવિકસિત કરવામાં આવશે.

રેલવે મંત્રીએ જણાવ્યું કે, નવી દિલ્હી, CSMT અને અમદાવાદ રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટેના ટેન્ડર આગામી 10 દિવસમાં બહાર પાડવામાં આવશે. આ 3 મુખ્ય સ્ટેશનો સહિત 199 સ્ટેશનોના પુનઃવિકાસનો કુલ ખર્ચ ₹60,000 કરોડ છે. 

આગામી 2 થી 3.5 વર્ષના સમયગાળા દરમિયાન અમદાવાદ રેલ્વે સ્ટેશન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન, અને મુંબઈ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. આ સ્ટેશનોના પુનઃવિકાસમાં મોડ્યુલર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link