પાંજરાપોળની ગાયોનું શાહી ભોજન, ડાઈનિંગ ટેબલ પર અનલિમિટેડ કેરીનો રસ પિરસાયો
વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લાં ત્રણ વર્ષ જેટલા સમયથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજનસેવા પૂરી પાડી રહ્યું છે. ત્યારે સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા પાંજરાપોળમાં રખાયેલાં પશુઓને ડાઇનિંગ ટેબલ પર કેરીનો રસ જમાડવામાં આવ્યો છે.
આ સામાજીક સંસ્થા નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ, બાળકો બાદ હવે મૂંગા પશુઓની સેવા કરે છે. વડોદરાથી ફૂડગ્રેડ કારબા ભરીને 500 કિલો રસ કરજણ લઈ જવામાં આવ્યો હતો. ઉનાળાની ગરમીમાં રસની ઠંડક જળવાઈ રહે તે માટે પીપળામાં બરફ ભરીને લઈ જવામાં આવ્યો હતો.
મોટી સંખ્યામાં પશુધનને જમાડી શકાય તે માટે મોટું ડાઈનિંગ ટેબલ તૈયાર કરવામાં આવ્યું હતું. જેને સાફ કરીને તેમાં રસ ઠાલવવામાં આવ્યો હતો.
જેમ ગાયોને છોડવામાં આવી, તેમ તેઓ કેરીના સ્વાદ તરફ આકર્ષાઈને દોડી ગઈ હતી અને મજાથી રસ માણવા લાગી હતી.
આ વિશે શ્રવણ ઠક્કરે જણાવ્યું કે, ઠંડો કેરીને રસ આરોગીને ગાયોના મોઢા પર જે સુખદ હાવભાવ જોવા મળતા હતા, તે અમારા મનને ટાઢક આપે તેવા હતા.