દર્શન માટે ખુલ્લુ મૂકાયું અબુધાબીનું મંદિર, પહેલા જ દિવસે ગંગાઘાટની જેમ આરતી કરાતા અદભૂત નજારો સર્જાયો
સંયુક્ત આરબ અમીરાત (UAE) માં નવનિર્મિત BAPS હિન્દુ મંદિરના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવાયા છે. પ્રથમ દિવસે જ રેકોર્ડ સર્જાયો હતો. સવારે 40,000 અને સાંજે 25,000 થી વધુ મુલાકાતીઓએ મંદિરની મુલાકાત લીધી. ભારે ભીડ હોવા છતાં, વિશ્વાસુઓ 2,000 ની બેચમાં ધીરજપૂર્વક કતારમાં ઊભા રહ્યા. શાંતિથી મંદિરમાં પ્રગતિ કરી, લોકોએ ધન્યતા અનુભવી; મંદિરે આશ્ચર્યજનક રીતે 65,000 મુલાકાતીઓનું સ્વાગત કર્યું.
ગત મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરનું ઉદઘાટન કર્યુ હતું. 14 ફેબ્રુઆરીએ મંદિરના ઉદઘાટન બાદ 15 થી 29 ફેબ્રુઆરી સુધી મંદિર બંધ રખાયુ હતું. જોકે, હવે આ મંદિર મુલાકાતીઓ માટે ખોલી દેવાયું છે. હવેથી આ સ્વામીનારાયણ મંદિર 1 માર્ચથી સોમવાર છોડીને બાકીના બધા દિવસોએ ખુલ્લુ રહેશે.
મંદિર જવા માટે હવે રજિસ્ટ્રેશનની જરૂર નહિ પડે. પરંતુ મુલાકાતીઓ માટે કેટલાક નિયમો મૂકવામાં આવ્યા છે. જેનુ પાલન કરવાનું રહેશે.
મંદિરના દરવાજા તમામ ધર્મ અને સંપ્રદાયના લોકો માટે ખોલી દેવાયા છે. બાપ્સ મંદિરના સ્વંય સેવકો અને કર્મચારીઓ મહેમાનોની સહાયતા માટે મંદિરમાં ખડેપગે રહેશે. મંદિરમાં એન્ટ્રી માટે શાલીન પહેરવેશ જરૂરી રહેશે. મંદિરની તરફથી શ્રદ્ધાળુઓને એવા કપડા પહેરવાની સલાહ અપાઈ છે, જે તેમના ખભા અને ઘૂંટણને ઢાંકી શકે.
કપડા પર વાંધાજનક ડિઝાઈન અને લખાણ ન હોવું જોઈએ. સાથે જ પરિસરની પવિત્રતા બનાવી રાખવા માટે પારદર્શી, પારભાસી, ટાઈટ કે ફીટિંગવાળા વસ્ત્રો નહિ પહેરી શકાય. જો મુલાકાતી આ નિયમોનું પાલન નહિ કરે તો તેને મંદિરમાં પ્રવેશ નહિ મળે.
મંદિરમાં આવનારા ભક્તોને પાળતુ પ્રાણી ન લાવવા જણાવાયું છે. પ્રાણીઓને મંદિરના પરિસરમા પ્રવેશની પરમિશન નથી. તેની સાથે મંદિર પરિસરની અંદર બહારથી લાવેલું ભોજન અને પ્રવાહી પદાર્થની પણ પરમિશન નથી. મંદિર પરિસરમાં સાત્વિક ભોજન ઉપલબ્ધ રહેશે.
મંદિર પરિસરની અંદર ડ્રોન સખ્તાઈથી પ્રતિબંધિત છે, જ્યા સુધી સ્થાનિક અધિકારીઓની પરમિશન નહિ લેવાઈ હોય. ફોટોગ્રાફી, રેકોર્ડિંગ અને વ્યવસાયિક કે પત્રકારિત્વના હેતુથી પરમિશન લેવી પડશે.
મંદિરમાં બાળકોને એકલા નહિ જવા દેવાય. મંદિર પરિસરમાં પ્રવેશ માટે બાળકોની સાથે એક વયસ્ક પણ હોવા જરૂરી છે.
મંદિરની પરિસરની અંદર બેગ, બેગ પેક કે કેબિનનો સામાન લઈ જવાની પરમિશન નથી. હથિયાર, તીક્ષ્ણ વસ્તુઓ, ચાકુ, લાઈટર, અને માચિસ સાથે અંદર પ્રવેશ નહિ મળે.
પાર્કિંગ ક્ષેત્રો સહિત સમગ્ર મંદિર પરિસરમાં ધુમ્રપાન, દારૂ અને તમ્બાકુના ઉત્પાદકનો ઉપયોગ વર્જિત છે. મોબાઈલનો ઉપયોગ બહારના ભાગમાં કરી શકાશે, પરંતુ મંદિરની અંદર નહિ કરી શકાય.