અમદાવાદને ચોખ્ખુંચણાક બનાવવા AMC નું નવુ મિશન, 20 હજાર કર્મચારી આ ઝુંબેશમાં જોડાશે

Mon, 09 Jan 2023-8:37 am,

કચરા અને ગંદકીની સમસ્યાને હળવી કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. મનપા આ સપ્તાહથી પોતાનું સૌથી મોટું અભિયાન હાથ ધરી રહી છે. ટ્રીગર ઈવેન્ટ નામના આ અભિયાનમાં શહેરમાંથી સૂકો અને ભીનો કચરો અલગ રાખવા પ્રયાસ કરવામાં આવશે. લોકોને સૂકો અને ભીનો કચરો અલગ રાખવા માટે અપીલ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર સહિત AMCના 20 હજારથી વધુ કર્મચારીઓ આ ઝુંબેશમાં જોડાશે.   

આ વિશે AMC કમિશનર એમ. થેન્નારશને જણાવ્યું કે, આ ઝુંબેશ હેઠળ અમદાવાદ મહાનગર પાલિકા પ્રયાસ કરશે કે લોકોના ઘરમાંથી એકત્ર કરવામાં આવતો કચરો સ્થળ પર જ નાબૂદ થાય. આ માટે AMCનો સ્ટાફ દૈનિક ધોરણે લોકો સુધી પહોંચશે. આ માટે સોસાયટીના ચેરમેન તેમજ NGO નો પણ સંપર્ક કરવામાં આવશે. AMC લોકોને વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બને તે અંગે પણ સમજણ આપશે.   

ઓછામાં ઓછો કચરો ડમ્પિંગ સાઈટ સુધી પહોંચે, રહેણાંક વિસ્તારોમાં જ કચરાનું વર્ગીકરણ થઈ જાય, તેના પર તંત્ર ભાર મૂકી રહ્યું છે. સ્વચ્છતાનો મેસેજ લોકો સુધી પહોંચે તે માટે કોર્પોરેશન જીંગલ્સ અને પ્રચાર માધ્યમોનો ઉપયોગ પણ કરશે. ઝોનના સ્તરે કેવી રીતે દરેક પરિવાર સુધી પહોંચી શકાય તે માટેનું આયોજન પણ તંત્ર કરી રહ્યું છે.   

સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદનો ક્રમ દેશના અન્ય શહેરોની યાદીમાં આગળ રહે, તે આ સમગ્ર કવાયતનો હેતુ છે. અગાઉ પણ આ પ્રકારની કવાયત તંત્ર હાથ ધરી ચૂક્યું છે. જો કે તંત્રની કામગીરીમાં સાતત્ય અને લોકોમાં જરૂરી જાગૃતિના અભાવે આ ઝુંબેશને ધારી સફળતા નથી મળી શકી, ત્યારે હવે જોવું એ રહેશે કે આ ઝુંબેશને કેટલી સફળતા મળે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link