ભરશિયાળે વાદળો આવશે, અંબાલાલની આ આગાહી વાંચીને ઉત્તરાયણની તૈયારી કરજો
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે કહ્યું કે, આગામી 24 કલાક લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો વધારો થશે. 12 જાન્યુઆરીથી ફરી એક વખત તાપમાનમાં ઘટાડો થશે. 48 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવનોને કારણે તાપમાનમાં વધારો થશે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના તાપમાનમાં વધારો થશે. વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસરો પૂર્ણ થતા ફરી એક વખત લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યં કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે. રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે.
તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.
ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેશે. રાજ્યમાં પવનની ગતિ 5 થી 10 કિમી આસપાસની રહેશે. તેમજ ઉત્તરાયણનાં દિવસે ઠંડીનો અનુભવ થશે. તેમજ 14 જાન્યુઆરીનાં પ્રતિ કલાકે 10 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.