હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવરાત્રિમાં વરસાદ અંગે મોટી આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, ગુજરાતમાં નવરાત્રી વરસાદની સંભાવના નહિવત છે. માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. હાલમાં રાજ્યમાં એકપણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. આવનાર દિવસોમાં ચોમાસુ વિદાય લેશે. આવનાર ત્રણ દિવસમાં ગરમી પારો પણ ઊંચકાશે. અમદાવાદ શહેરમાં આવનાર એક સપ્તાહમાં 33 થી 35 ડિગ્રી રહેવાની સંભાવના
પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, ચોમાસાની વિદાયની વચ્ચે જે વિસ્તારોમાં વરસાદ થવાના છે તે દરમિયાન પણ ચોમાસાના વરસાદ ક્યાંક ક્યાંક થશે. આ સાથે તાપમાન પણ ઊંચુ આવી શકે છે. 35 ડિગ્રી કરતા પણ તાપમાન ઊંચુ જઇ શકે છે. આખા રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી તાપમાન સરખુ રહેશે, જે બાદ તાપમાનમાં પણ વધારો જોવા મળતા ગરમીનું પ્રમાણ વધી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિના નવ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. એમાં પણ ખાસ કરીને નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટોછવાયો અને હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે. એટલે કે બાકીના જિલ્લાના લોકોને પહેલા નોરતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવામાન નિષ્ણાતોના મતે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની સંભાવના ઓછી છે. આમ, ખેલૈયાઓ વરસાદના વિધ્ન વિના આગામી દિવસોમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે.
રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી એવું કહે છે કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયકલોન ચક્રવાતમા રૂપાંતર થઈ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદના રૂપે જોવા મળી શકે છે.