અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ખતરો!, દરિયા કાંઠે પવન ફુકાશે, આવી છે અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ કે આગામી 14 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે. 17 ઓક્ટોબરથી ત્રણ દિવસ એટલે કે 19 તારીખ સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. તેમણે કહ્યું કે બંગાળમાં વાવાઝોડાને કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે અને વરસાદ પણ પડી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યુ કે 12 તારીખ સુધીમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ખંભાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. અંબાલાલે કહ્યું કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે. આ દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું ઊભુ થઈ શકે છે. જેથી ગુજરાતના દરિયામાં 17 અને 18 તારીખે પવન ફુકાઈ શકે છે. તો 16થી 18 ઓક્ટોબર પશ્ચિમી વિક્ષોભની પણ સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે શરદ પૂનમથી લઈને દિવાળી સુધીમાં હવામાનમાં સતત પલટો આવી શકે છે. 13 ઓક્ટોબરે બંગાળના ઉપરવાસમાં વાવાઝોડાની સંભાવના છે. તો આગામી 18થી 20 તારીખ સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું ફુંકાશે. આ સાથે અંબાલાલે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર મહિનાના અંત સુધી જોવા મળશે.
હવામાનની સચોટ આગાહી માટે જાણીતા પરેશ ગોસ્વામીએ પણ નવી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે 13થી 18 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહી શકે છે.
આ સિવાય પરેશ ગોસ્વામીએ કહ્યું કે રાજ્યમાં હળવા વરસાદની સંભાવના છે. કચ્છના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં નૈઋત્ય ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ ચોમાસાની વિદાય પછી સામાન્ય રીતે વરસાદ પડતો હોય છે.