અમરેલીના કપલનું ગામઠી સ્ટાઈલનું પ્રિ-વેડિંગ ફોટોશૂટ જોઈને આફરીન થઈ જશો, દેશી અંદાજે સૌનું મન મોહી લીધું
નયનકુમાર સાવલીયા અમરેલી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરજ બજાવે છે. તેમની સાથે અમરેલી હેડક્વાર્ટરમાં તેમની વાગ્દત્તા ધારા પણ પોલીસ કર્મચારી છે. જ્યારે 7 તારીખ લગ્નનોત્સવ પ્રસંગમાં પોલીસ કપલ બનશે. સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં આ બંને પોલીસ કર્મચારીઓ છવાયા છે અને પોલીસ બેડામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પરંતુ તેમનુ પ્રિવેડિંગ ફોટોશૂટ પણ ચર્ચામાં આવ્યું છે.
પ્રિ-વેડિંગ ફોટોશૂટ એટલે રૂપિયાનો ધુમાડો. તેમાં પણ ડેસ્ટિનેશન ફોટોશુટ હોય તો ખર્ચો લાખોમાં જતો રહે છે. પરંતું જો યુનિક આઈડિયા હોય તો રૂપિયા પણ ખર્ચવાની જરૂર નથી. અમરેલીના એક કપલે વેસ્ટર્નના વૈભવશાળી કલ્ચરને દૂર રાખીને દેશી આઈડિયા અપનાવ્યો. તેઓએ અદ્દલ ગામઠી સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવ્યું છે.
આ ફોટોશૂટ તેઓએ જૂના લીંપણવાળા ઘર, ખેતર વચ્ચે કરાવ્યું છે. તો સાથે જ પહેરવેશ પણ દેશી છે. જે બતાવે છે કે તમારી પાસે આઈડિયા હોય તો એક પણ રૂપિયો ખર્ચ્યા વગર ફોટોશૂટ થઈ શકે છે.
તદઉપરાંત લોકો ભાતીગળ સંસ્કૃતિ ભૂલી તથા જૂનો પહેરવેશ ભૂલી ગયા છે. તેવામાં આ યુવકએ પરંપરાગત પહેરવેશમાં પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. જે ફોટોગ્રાફ્સને પણ કંકોત્રીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ તસવીરોમાં તેઓને ગામઠી સ્ટાઈલમાં જોઈ શકાય છે.
નયન અને ધારાના લગ્ન થવા જઈ રહ્યા છે, ત્યારે કંકોત્રી થકી સાયબર અવેરનેસ ફેલાવવાનો પ્રયાસ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ અન્ય લોકો પણ કરી રહ્યા છે.