અમિતાભના એક નિર્ણયે નોતરી હતી બરબાદી...કંગાળ થઈ ગયા હતા, ઘરની હરાજી થવાની હતી, જાણો પછી કેવી રીતે થયા સફળ
સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન હાલમાં પોતાના ક્વિઝ ગેમ રિયાલિટી શો કોન બનેગા કરોડપતિની 16મી સીઝનને લઈને ચર્ચામાં છે. તેમના શોમાં અત્યાર સુધીમાં અનેક સ્પર્ધકો લાખો રૂપિયા જીતીને ઘરે ગયા છે. અમિતાભ બચ્ચનને ઈન્ડસ્ટ્રીમાં 55 વર્ષ થઈ ચૂક્યા છે અને આટલા વર્ષોમાં તેમણે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી કેટલીક હિટ ગઈ તો કેટલીક ફિલ્મો સુપરહિટ થઈ. પરંતુ સા સફર દરમિયાન તેમણે અનેકવાર નિષ્ફળતાઓનો પણ સામનો કરવો પડ્યો. પરંતુ તેઓ નિરાશ ન થયા અને હાર ન માની.
એવું કહેવાય છે કે અમિતાભ બચ્ચનનો ગાંધી પરિવાર સાથે ખુબ નજીકનો નાતો રહ્યો છે. પરંતુ ક્યારેય તેમણે તેનો ફાયદો ઉઠાવ્યો નથી અને દેખાડો નથી કર્યો. જો તેઓ ઈચ્છત તો પોતાના મુશ્કેલ સમયમાં તેઓ આ સંબંધનો ફાયદો ઉઠાવી શકે તેમ હતા પરંતુ તેમણે પોતાના આત્મ સન્માનને ક્યારેય ગુમાવ્યું નથી. રજનીકાંતની તમિલ ફિલ્મ વેટ્ટેયાનના ઓડિયો લોન્ચ પર અમિતાભ બચ્ચને તે કપરી પળોને યાદ કરી. બંને સિતારા 33 વર્ષ બાદ વેટ્ટેયાનમાં જોવા મળશે. આ અગાઉ તેઓ હમ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા.
ફિલ્મના ઓડિયો લોન્ચ પર અમિતાભ બચ્ચન કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. આ દરમિયાન રજનીકાંતે વર્ષ 1990માં અમિતાભ બચ્ચનની આર્થિક મુશ્કેલીઓને યાદ કરી અને આ દરમિયાન તેઓ ખુબ ભાવુક પણ થયેલા જોવા મળ્યા. બિગ બીની જિંદગીનો સૌથી ખરાબ દૌર ત્યારે શરૂ થયો જ્યારે તેમણે પોતાની કંપની ખોલવાનો નિર્ણય લીધો. આ કંપનીનું નામ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ હતું. પરંતુ તે સફળ થઈ નહીં અને જલદી દેવાળું ફૂક્યું. તેનાથી બચ્ચન પરિવાર પર દેવું ચડી ગયું અને તેઓ સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયા હતા.
રજનીકાંતે આગળ વાત કરતા કહ્યું કે "કંપનીએ દેવાળું ફૂક્યા બાદ બિગ બીએ જ્યારે ફિલ્મો પ્રોડ્યુસ કરવાનો નિર્ણય લીધો ત્યારે તેમને મોટું નુકસાન થયું. તેમણે પોતાની મહેનત અને ક્ષમતાથી એ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળીને સફળતા મેળવી." ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ રજનીકાંતે જણાવ્યું કે "તેઓ પોતાના ચોકીદારને પગાર પણ આપી શકતા નહતા. તેમના જૂહુવાળા ઘરની હરાજી થવાની હતી અને તે સમયે આખુ બોલીવુડ તેમના આ મુશ્કેલ સમયની મજાક ઉડાવતું હતું અને હસતું હતું."
અમિતાભ બચ્ચન હંમેશા પોતાની આકરી મહેનત અને સતત કામ કરવા માટે જાણીતા છે. તેઓ ક્યારેય હાર માનતા નથી. ગમે તે થાય પરંતુ પરિસ્થિતિ આગળ ડટીને રહે છે. તેમણે પોતાની કરિયરની શરૂઆત જાહેરાતોથી કરી. ત્યારબાદ કોન બનેગા કરોડપતિ શો હોસ્ટ કરવાનો નિર્ણય લીધો. જે તેમના માટે એક શાનદાર નિર્ણય સાબિત થયો. રજનીકાંતે જણાવ્યું કે દુનિયા ફક્ત તમારા પડવાની રાહ જુએ છે. તેમણે ત્રણ વર્ષ સુધી દરેક પ્રકારની જાહેરાતો કરી, કેબીસીથી સારી કમાણી કરી અને જૂહુમાં પોતાના 3 ઘર ખરીદ્યા. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ અત્યારે તેમની નેટવર્થ 1578 કરોડ રૂપિયા (15 અબજ કરતા વધુ) છે.