ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિઝે ગાંધીનગરમાં રમી ધુળેટી, જુઓ મોંઘેરા મહેમાનના PHOTOs

Wed, 08 Mar 2023-9:18 pm,

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ એમપી સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે, ભારતમાં વર્ષમાં લગભગ દરેક મહિનામાં તહેવારોની ઉજવણી થાય છે. લોકો ઉલ્લાસપૂર્વક તહેવારો ઉજવે છે, જેનાથી પરસ્પર પ્રેમ, સ્નેહ અને  સૌહાર્દ વધે છે. હોળીને 'નવ ષષ્ટી'નું પર્વ પણ કહેવાય છે, આ મોસમમાં ખેડૂતોના ઘરમાં નવા અન્નનું આગમન થાય છે. ભારતનો ખેડૂત આ મોસમમાં વધુ પ્રસન્ન હોય છે. સામાન્ય જનસમુદાયની ખુશી અને આનંદ રંગોત્સવ બનીને છલકે છે.  

રાજભવનના પ્રાંગણમાં રંગબેરંગી માહોલમાં રંગોત્સવનો આરંભ થયો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ એમપી સમારોહ સ્થળે પધાર્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુલાલથી તેમને રંગ્યા હતા. એન્થની અલ્બનીઝે પણ સામે મહાનુભાવોના ગાલે ગુલાલ લગાડ્યો હતો.

રંગોત્સવ અંતર્ગત હોળીના ભાતીગળ રંગારંગ લોકનૃત્યોની પ્રસ્તુતિ મહાનુભાવોએ માણી હતી. ગુજરાતના કવાંટ પ્રદેશના 'રાઠવા હોળી ઘેર નૃત્ય'થી હોળીનૃત્યોનો આરંભ થયો હતો. રાજસ્થાનના ગૈર હોળી નૃત્ય, ઘૂમ્મર અને ચંગની પ્રસ્તુતિ થઈ હતી. ત્યારબાદ ગુજરાતનો કૃષ્ણ-ગોપી રાસ રજૂ થયો હતો અને છેલ્લે ઉત્તર પ્રદેશના 'બરસાના કી હોલી' નું લઠ્ઠમાર નૃત્ય પ્રસ્તુત થયું હતું.  

ભારતના આ પરંપરાગત હોળી લોકનૃત્યોની પ્રસ્તુતિથી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ એમપી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે પોતાના મોબાઈલ ફોનથી કલાકારોના ફોટોગ્રાફ્સ લીધા હતા. ભારતમાં ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશનર શ્રીયુત બેરી રૉબર્ટ ઑ'ફૅરેલ એઓ તેમની સાથે રહ્યા હતા. લોકનૃત્યોના અંતે બંને મહાનુભાવોએ એકબીજા પર ફૂલો વરસાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ એમપીએ ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિ મંડળના સભ્યો પર પણ ફૂલો વરસાવ્યા હતા. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર પણ ફૂલો વરસાવ્યા હતા. મંત્રીમંડળના સભ્યોએ પણ  મહાનુભાવો પર ફૂલો વરસાવીને રંગ પર્વનો આનંદ માણ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ એમપીએ આ અવસરે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભવ્ય ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ નિહાળીને હું અત્યંત પ્રભાવિત થયો છું. પ્રધાનમંત્રી તરીકે ભારતની મારી આ પહેલી સત્તાવાર વિઝીટ છે, પરંતુ આ પહેલાં વર્ષ 1991 માં યુવાન વયે હું ભારત આવ્યો હતો અને છ અઠવાડિયા સુધી ભારતમાં રહ્યો હતો. એ જ વખતે મેં અદભુત ભારતને નજીકથી નિહાળ્યું હતું. 

તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતાં કહ્યું હતું કે, ભારતની મુલાકાત માટે તેમણે મને ઉષ્માભેર આમંત્રણ આપ્યું, એ માટે હું એમનો આભારી છું. આવનારા સમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા અનેક ક્ષેત્રે સહયોગ કરશે અને પરસ્પર પ્રગતિ કરશે એની મને ખાતરી છે. તેમણે કહ્યું હતું કે, આવતીકાલે વિશ્વના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ-નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમે સાથે ક્રિકેટ મેચ નિહાળવાના છીએ એ માટે પણ હું અત્યંત ઉત્સુક છું. તેમણે સૌ ગુજરાતીઓ અને ભારતવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.

લોકનૃત્યોની પ્રસ્તુતિ પછી લોક કલાકારોએ રંગો અને પુષ્પોની વર્ષાથી મહેમાનોને રસ તરબોળ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાથી પધારેલા મહાનુભાવો પણ ગુજરાતની હોળી પરંપરા અને ઉત્સવની ઉજવણીની રીતભાતથી ભાવપૂર્વક રંગાયા હતા. રાજભવનના હરિયાળા પરિસરને ધુળેટીના રંગોથી સજાવવામાં આવ્યો હતો. કેસૂડો, ધાણી, ખજૂર અને રંગોના થાળની સજાવટથી ઓસ્ટ્રેલિયાના મહેમાનો પ્રભાવિત થયા હતા. સમગ્ર માહોલ રંગપર્વને અનુરૂપ હતો.

લોકનૃત્યોના આરંભે મુખ્ય સચિવ રાજકુમારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના તમામ નાગરિકો વતી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. સ્વાગત ઉદ્બોધનમાં રાજકુમારે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ એમપી એ ભારતની તેમની યાત્રાનો પૂજ્ય ગાંધીબાપુની ભૂમિ ગુજરાતથી આરંભ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રંગ અને ઉમંગનું આ હોળી પર્વ એ આસુરી અને અશુભ તત્વો પર શુભત્વના વિજયનું પર્વ છે.  આ અવસરે  તેમણે ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિ મંડળને ઉષ્માભેર આવકાર્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહેમાનોના સન્માનમાં હાઈ-ટીનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી મંડળના સભ્યો, ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહિત મહાનુભાવો હાઈ-ટીમાં જોડાયા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link