દિલ્હીથી આવીને ગેનીબેન પહોચ્યાં સીધા અંબાજી, શ્રદ્ધાળુની જેમ લાઈનમા ઉભા રહીને મા અંબાના દર્શન કર્યાં

Tue, 11 Jun 2024-3:16 pm,

ગુજરાતના એક માત્ર કોંગ્રેસના સાંસદ બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા બાદ દિલ્હી ગયા હતા. માદરે વતન બનાસકાંઠા પરત ફરતા સૌ પ્રથમ સાંસદ સભ્ય તરીકે ગેનીબેન શક્તિપીઠ અંબાજી મંદિરે મા અંબાના દર્શને પહોંચ્યા હતા. જ્યાં અંબાજી પહોંચ્યા હતા. અંબાજીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમનું ઢોલ નગારા અને ફુલહાર કરી ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું.

અંબાજીના રસ્તા પર ગેનીબેનનો ભવ્ય રોડ શો નીકળ્યો હતો. તેના બાદ તેઓ અન્ય શ્રદ્ધાળુઓની જેમ જ લાઈનમાં ચાલી સભા મંડપમાં અન્ય યાત્રિકોની વચ્ચે રહી પહોંચ્યા હતા. ગેનીબેને બપોરની આરતીનો પણ લાભ લીધો હતો. જ્યાં તેમને પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપવામાં આવ્યા હતા. 

સંસદ ગેનીબેન માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા. આ સાથે કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ ભરતસિંહ વાઘેલા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગેનીબેને જણાવ્યું હતું કે માતાજીના આશીર્વાદથી ચૂંટણી જીતી છે, એટલે ફરી માં અંબેના દર્શન કરવા આવી છું. તેમણે ભાઈચારાની ભાવના સાથે કોંગ્રેસના કાર્યકરો હળીમળીને કામ કરે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. 

દિલ્હીથી પરત ફરેલા ગેનીબેને જણાવ્યું હતું કે, દિલ્હીમાં સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં લોકોની વચ્ચે રહી કામ કરવા અને પ્રજાના સુખ દુઃખના ભાગીદાર બનવા સલાહ આપવામાં આવી હતી. તેમજ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જે ગરીબો લાભથી વંચિત હોય અને જેમને અન્યાય થતો હોય તેના માટે જેમ કોંગ્રેસે ભૂતકાળમાં કામ કર્યું છે તે જ રીતે આગામી સમયમાં એક જૂથ થઇ કામ કરશે. આગામી 13 તારીખે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આભારદર્શનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જ્યાં મારી જરૂર જણાશે ત્યાં પહોંચવાના પ્રયાસ કરી. 

તેમણે કહ્યું કે, પાલનપુરના કેટલાક વિસ્તારોને કોલેરાએ ભરડો લીધો છે. મેં રૂબરૂ મુલાકાત પણ કરી છે. વહીવટીતંત્ર સાથે ભલામણ કરી આ રોગને નાથવાના પ્રયાસ કરીશું. સાથે નગરપાલિકા વિસ્તારોમાં પીવાના પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે, તે માટે પણ ચર્ચા કરવા જણાવ્યું હતું.   

ગેનીબેને ભાજપા સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે શાસનમાં બેઠેલી સરકારે પાણીના પ્રશ્ન બાબતે પીવાના પાણીની કાયમી યોજના બનાવી નિરાકરણ લાવવું જોઈએ, પણ આવું નથી થયું, તેથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણીના સંગ્રહ માટે પણ યોજના બનાવવી જોઈએ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link