બંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે 24 તારીખે બંગાળના ઉપરવાસમાં એક સિસ્ટમ બની રહી છે. તેની અસર આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં આ દરમિયાન અતિ ભારે વરસાદ પડી શકે છે.
બીજીતરફ આ સિસ્ટમને કારણે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી જેવા જિલ્લાઓમાં એક ઈંચ જેટલા વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી ઝાંપટા જોવા મળી શકે છે.
રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરતા પરેશ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલા છેલ્લો રાઉન્ડ આવવાની સંભાવના છે. તેમણે કહ્યું કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે અને તે ગુજરાત તરફ આવશે. અત્યારે જોવા મળી રહેલી સિસ્ટમ પ્રમાણે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ 2024ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ હશે. ત્યારબાદ રાજ્યમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ જશે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ કેટલાક ભોગામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
24 સપ્ટેમ્બરે દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, નવસારી અને ડાંગમાં પણ મંગળવારે ભારે વરસાદ પડી શકે છે. બીજીતરફ અમદાવાદના તાપમાનમાં વધારો થયો છે. ભાદરવા મહિનામાં લોકો ગરમીનો પણ સામનો કરી રહ્યાં છે.