લાખોની ફી લેતી ખાનગી શાળાઓને પણ ટક્કર આપે છે ગુજરાતની આ સરકારી શાળા, આપે છે 100% પરિણામ
આ છે મઝાની પ્રાથમિક શાળા... જેવું શાળાનું નામ છે. એવું જ કામ. અહીં બાળકોને મજા પડે તે રીતે શિક્ષણ અપાય છે. અને એટલે જ આ શાળામાં બાળકોની હાજરી ૧૦૦ ટકા છે. અહીંના શિક્ષકોને મહેનતા અને નિષ્ઠાના કારણે ૧૦૦ ટકા નામાંકન થયું છે અને ડ્રોપ આઉટ રેશિયો પણ શૂન્ય છે.
કરંજડા પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશ પટેલ જણાવે છે કે, આ શાળાએ ધણીબધી સિદ્ધીઓ હાંસલ કરી છે, જેમાં વાર્તા સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા કે અન્ય કોઈ પણ સરકારશ્રીની જે સ્પર્ધા હોય તેમાં ભાગ લે છે અને બાળકો પારંગતા સાબિત કરે છે, ખેલ મહાકુંભમાં પણ બાળકો નામ રોશન કરે છે.
છેલ્લા ૧૦ વર્ષથી ગુણોત્સવમાં આ શાળા જિલ્લામાં અવ્વલ હોય છે. અહીં માળખાગત સુવિધાઓ તો છે જ, પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ એ તેનો પ્રાણ છે. જેથી અહીંના મોટાભાગના વાલીઓ સ્થળાંતર કરતા હોવા છતાં બાળકોનું શિક્ષણ નિરંતર ચાલુ રહે છે.
તો પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્ર ઠાકરે જણાવ્યું કે, ગામ આખુ સિઝનલ ચાર પાંચ મહિના માટે સ્થળાંતર થાય છે તેથી બાળકો ચોથા ધોરણ પછી ભણી નહોતા શકતા... પણ આચાર્ય અને તેની ટીમના પ્રયાસોથી વાલીઓને સમજાવીને તમામ બાળક પ્રાથમિક શિક્ષણ પુરુ કરે છે અને માધ્યમિક શિક્ષણ કે ઉપલા લેવલ સુધી જાય તકેદારી રાખે છે.
કરંજડાના શિક્ષકો એ વાત સાબિત કરી છે કે શિક્ષક નિષ્ઠાવાન હોય તો બાળકો હોંશે-હોંશે શાળાએ આવે છે. આમ, ડાંગની કરંજડા પ્રાથમિક શાળા ઉદાહરણરૂપ શાળા બની છે. કરજંડા સરકારી પ્રાથમિક શાળા જ્ઞાન-સાધનાનું કેન્દ્ર બની છે. શાળામાં 100% નામાંકન, ડ્રોપઆઉટ રેશિયો 0%, બાળકોની 100% હાજરી છે.
10 વર્ષથી કરંજડા પ્રાથમિક શાળા ગુણોત્તસવમાં જિલ્લામાં પ્રથમ આવે છે. માળખાગત સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અહી વિદ્યાર્થીઓને મળી રહે છે. સાથે જ મધ્યાહ્ન ભોજન, મફત ગણવેશ, સિઝનલ હોસ્ટેલ યોજનાનો સુંદર અમલ થાય છે. શાળાના બાળકો શિક્ષણની સાથે ઇતર પ્રવૃતિઓમા પણ અવ્વલ નંબરે હોય છે.