અમદાવાદ-વડોદરા વચ્ચે આવેલી છે એક અદભૂત શાંત અને સુંદર જગ્યા, દીવો લઈને શોધવા જશો તો પણ આવી જગ્યા નહિ જડે!
આણંદ જિલ્લામાં મહી અને સાગરના સંગમ સ્થાન એવા વહેરાખાડી ખાતે રાજ્યના વન વિભાગ દ્વારા મહીસાગર વન બનાવાયું છે. જે આણંદ સહીત અન્ય જિલ્લાવાસીઓ માટે એક સુંદર ફરવાનું સ્થળ બન્યું છે. અહીંયા આણંદ જ નહી, પરંતુ વડોદરા અમદાવાદ અને સુરતના પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે.
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી વૃક્ષોની ઉપાસનાનું મહત્વ રહ્યું છે. વન વિભાગ દ્વારા મહીસાગર વનમાં ૨૭ નક્ષત્રોના આરાધ્ય એવા ૨૭ જાતના વૃક્ષો અહીં વાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ચંદન વન, રાશિ વન, નવગ્રહ વન ,નાળીયેર વન, કૈલાશ વન, સાંસ્કૃતિક વન, નિસર્ગ વન, જૈવિક વનમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
મહીસાગર વનમાં ધ્યાનકુટિર ઉપરાંત બાળ કુટિર તેમજ બાળકો માટે રમત- ગમતના સાધનો પણ મૂકવામાં આવ્યાં છે. આ ઉપરાંત વન્યપ્રાણીઓના આકર્ષક ડાયોરમા શિલ્પો બનાવવામાં આવ્યા છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સમાન બની રહ્યા છે.
અહી આવતા પ્રવાસીઓને વન જોવા માટે વનવિભાગ દ્વારા કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવી તથા પ્રવાસીઓ આનંદ માણી શકે તે માટે બર્ડ ઝોન તેમજ બર્ડ વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યાં છે.
માઈગ્રેટેડ પક્ષીઓ માટે પણ આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર છે. પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલી છે. અનેક અલભ્ય પક્ષીઓ, વાનરો તથા અન્ય વન જીવો માટે ખૂબજ સરસ જગ્યા છે.
અહીંયા કુટિરમાં બેઠા બેઠા ખળખળ વહેતી મહીસાગર નદીનો નયનરમ્ય નજારો માણી શકાય છે. પ્રકૃતિની ગોદમાં મહાલવા માંગતા પ્રકૃતિ પ્રેમીઓ માટે મહીસાગર વન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
આ મહીસાગર વનનું લોકાપર્ણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે રo૧૬ માં કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ૬ લાખ થી વધારે પ્રવાસીઓ આ વનની મુલાકાત લઈ ચુક્યાં છે.
આ વન સંપૂર્ણ પણે નિ શુ૯ક હોવાથી પ્રવાસીઓ પણ ખૂબ ખુશ જોવા મળ્યાં હતા. તથા પ્રવાસીઓની દેખરેખ માટે વનવિભાગના કર્મચારીઓ પણ ખડે પગે રહે છે.