દીકરી સાસરે જતી હોય તેવી વિદાય શિક્ષક દંપતીને અપાઈ, બદલી થતા રડી પડ્યું આખું ગામ
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના નાનકડા એવા રાણીગામ ની ફૂલવાડી પ્રાથમિક શાળામાં શિક્ષક દંપતીનો વિદાય સમારોહ યોજાયો હતો. ફૂલવાડી પ્રાથમિક શાળામાં ૨૭ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ પટેલ અને તેમના પત્ની વનીતાબેન પટેલ ની તેમના માદરે વતન નજીક બદલી થતાં ગામલોકોએ બંનેને સન્માનિત કરી અશ્રુભરી આંખે વિદાય આપી હતી.
બંને શિક્ષક દંપતીની જિલ્લા ફેર બદલી થતાં 250 ની વસ્તી ધરાવતા નાના એવા ગામની ફૂલવાડી રાણીગામ પ્રાથમિક શાળામાં વિદાય સમારોહ યોજાયો હતો, આ શિક્ષક દંપતીએ પોતાના ફરજકાળ દરમ્યાન સારી કામગીરી કરી લોકોના મન અને હૃદયમાં એક ના ભૂંસાય એવી અમીટ છાપ છોડી જઈ રહ્યા છે ત્યારે સારી કામગીરીના ફળશ્રુતિરૂપે ગામલોકો દ્વારા તેમનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાંમાં રત્ન કલાકારો ખેડૂતો અને તમામ વાલીગણ માતા બહેનોએ સંપૂર્ણપણે કામકાજ બંધ રાખી શિક્ષક દંપતીના વિદાય સમારંભમાં હાજરી આપી હતી, કાર્યક્રમ સમયે તમામ લોકોની આંખોમાં આંસુ છલકાયા હતા.
આ શિક્ષક દંપતીએ ઘણા વર્ષોથી ફૂલવાડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવી હોય વતન નજીક બદલી થતાં તેઓની સારી કામગીરીને લઈને વિદ્યાર્થીઓ, વાલીગણ અને સમગ્ર ગામમાં ગમગીની ફેલાઈ હતી એક શિક્ષક તરીકે અને આચાર્ય તરીકે અરવિંદભાઈ પટેલનું જેસર તાલુકામાં ખૂબ જ માન હતું, અને તેમની સારી કામગીરીથી શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ખૂબ જ પ્રભાવિત હતા, જેથી શિક્ષક દંપતીની વિદાય પ્રસંગે આજુબાજુના તાલુકામાંથી પણ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, ગારીયાધારથી મુરલીભાઈ તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા તેમજ જેસરથી પરેશભાઈ જાની, સી.આર.સી, બીઆરસી અને ગામના આગેવાન સંજય ભારોલા, રાણીગામ પ્રાથમિક શાળાના નવા આચાર્ય સહિત તમામ આગેવાનો હાજર રહ્યા હતા.
વિદાય વેળાએ શિક્ષક દંપતિઓ બાળકો સાથે સ્ટેજ ઉપર જ રડી પડ્યા હતા, જેવી રીતે લગ્નમાં દીકરીની વિદાય થતી હોય અને તમામ લોકો રડતા હોય તેવા દ્રશ્યો એક નાના એવા રાણીગામમાં જોવા મળ્યા હતા.